લગ્નમાં પીને ઠુમકા લગાવનારાઓને પોલીસે જાહેરમાં નાચ નચાવ્યો

  • February 21, 2023 10:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નામચીન શખસના ભાઇના ફુલેકામાં ફિલ્મી ગીત સાથે સરેઆમ દારૂની છોળો ઉડાવતા હોવાનો વીડિયો વાઇરલ થયા બાદ ભકિતનગર પોલીસે તાકીદે આઠને પકડયા: બેની શોધ: બનાવસ્થળે લઇ જઇ પોલીસે આ શખસો પાસે ઠુમકા લગાવડાવતા લોકો ટોળે વળ્યા



શહેરમાં ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં લગ્ન પ્રસંગમાં સામેલ શખસો ખુલ્લેઆમ દારૂની છોડો ઉડાવી દારૂબંધીના લીરા ઉડાવતા નજરે પડ્યા હતા.વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે તાકીદે તપાસ હાથ ધરી સાત શખસોને ઝડપી લીધા હતા તેમજ ફુલેકામાં વરરાજાના હાથમાં હથિયાર હોય આ અંગે વરરાજા સહિત બે સામે અલગથી ગુનો દાખલ કરી વરાજાને ઝડપી લીધો હતો.પોલીસે ફિલ્મી ગીત પર દારૂની બોટલ સાથે ઠુમકા લગાવનાર આ શખસોને રાત્રિના જાહેરમાં નિદર્શન માટે બનાવસ્થળે લઈ જઈ આગવી ઢબે ઠુમકા લગાવડાવ્યા હતા.જેને લઇ લોકો ટોળે વળ્યા હતાં.પોલીસે આ શખસોને લાઠીનો રસ પીવડાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.




ગઈકાલે સોશિયલ મીડિયામાં લગ્ન પ્રસંગના ફુલેકામાં દારૂની બોટલ હાથમાં રાખી કેટલાક શખસો એક બીજાને દારૂ પીવડાવતા હોય અને ડાન્સ કરતા હોય બેગ્રાઉન્ડમાં હિન્દી ફિલ્મ તિરંગાનું પીલે પીલે ઓ મોરે જાની ગીત વાગતું હોય તેવો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.આ વીડિયો ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારનો હોવાનું માલુમ પડતાં પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરીમાં ટીમે તાકીદે તપાસ કરી વીડિયોમાં નજરે પડતા શખસો હિરેન ઉર્ફે હેરી અરવિંદભાઈ પરમાર(ઉ.વ ૩૦ રહે.અંકુર મેઇન રોડ ગોપાલ પાર્ક), પ્રતિક ઉર્ફે કાળીયો અરવિંદભાઈ પરમાર(ઉ.વ ૨૯ રહે.અંકુર મેઇન રોડ ગોપાલ પાર્ક) ધવલ મગનભાઈ મારુ(ઉ.વ ૨૭ રહે. દામજી મેપા પ્લોટ),જયેશ ઉર્ફે ગટિયો મહેશ દવે(ઉ.વ ૨૨ રહે દામજી મેપા પ્લોટ) મયુર ખેંગારભાઇ ખીટ(ઉ.વ ૨૪ રહે.નવલનગર),ધર્મેશ ઉર્ફે આસુડો ગીરીશભાઇ રાજાણી(ઉ.વ ૨૬ રહે.ન્યુ વિરાટ),અજય ઉર્ફે જબરો ધનજીભાઇ રામાણી(ઉ.વ ૩૬ રહે. રામેશ્ર્વર સોસાયટી શેરી નં.૨) ને ઝડપી લીધા હતા.જયારે નીતિન ખાંડેખાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.




ફુલેકામાં વરરાજાના હાથમાં હથિયાર હોવાનું માલુમ પડતા પોલીસે વરરાજા વિજય રાયધન કુંભારવાડીયા(રહે.સહકાર સોસાયટી શેરી નં.૩) તથા તેને હથિયાર આપનાર જીતેન્દ્ર રાઘવભાઈ તાલવીયા( રહે એવન્યુ આસોપાલવ પાર્ક રાજકોટ) ને એસોજી પીઆઈ જે.ડી ઝાલા તથા તેમના સ્ટાફની મદદથી વરરાજા વિજયને ઝડપી લીધો હતો.જયારે તેની સાથે રહેલા શખસની શોધખોળ કરાઇ રહી છે.




વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ 17 ફેબ્રુઆરીના રાત્રે દસેક વાગ્યે આસપાસ અગાઉ ગુજસીટોક સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અજય રાયધન કુંભારવાડીયાના ભાઈ વિજયના લગ્ન પ્રસંગનું ફૂલેકુ સહકાર સોસાયટી શેરી નંબર ૪ માંથી નીકળ્યું હતું જેમાં દારૂની આ છોડો ઉડી હતી જોકે આ પ્રકરણમાં નામચીન શખસ અજય સામેલ ન હોય જેથી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસે વિડીયો વાયરલ થયા બાદ દારૂબંધીના સરેઆમ લીલા ઉડાવનાર આ શખસોને બનાવ સ્થળે લઈ જઇ તેમને હાથમાં પ્લાસ્ટિકની બોટલો આપી ઘટનાનું નિદર્શન કરાવ્યું હતું જેમાં તેઓને ઠુમકા લગાવવા કહ્યું હતું જેથી આ જોવા માટે અહીં લોકો ટોળે વળ્યા હતા.સરા જાહેર આ રીતે દારૂની છોડો ઉડાવનાર આ શખ્સોની પોલીસે આગવી સરભરા કરી તેમને ખાખીનો અસલ રંગ દેખાડી લાઠીરસ પીવડાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.


પકડાયેલા આરોપીઓની ક્રાઈમ કુંડળી


ફુલેકામાં જાહેરમાં દારૂની છોડો ઉડાડવાના પ્રકરણમાં પકડાયેલા આરોપીઓ લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આરોપી ધવલ મારૂ સામે અગાઉ ભક્તિનગર પોલીસ મથકમાં મારામારી-દારૂ સહિતના સાત ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ અને પ્ર.નગરમાં પણ દારૂના ગુના નોંધાયા છે. 2019 માં આ શખ્સ પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે.આરોપી અજય ઉર્ફે જબરા સામે ભક્તિનગર પોલીસ મથકમાં રાયોટીંગ દારૂ સહિતના પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે પ્ર.નગર પોલીસ મથકમાં જાહેરનામા ભંગ અને માલવિયાનગર પોલીસ મથકમાં દારૂ અંગેનો ગુનો નોંધાઇ ચૂકયો છે. આરોપી જયેશ ઉર્ફે ગટીયા સામે ભક્તિનગરમાં દારૂ, હિરેન ઉર્ફે હેરી સામે ભક્તિનગરમાં દારૂ અંગેના બે ગુના, મયુર સામે માલવીયાનગરમાં દારૂ, પ્રતિક ઉર્ફે કાળીયા સામે ભક્તિનગરમાં દારૂના ત્રણ ગુના તાલુકામાં જાહેરનામા ભંગ અંગેનો ગુનો અને સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં જાહેરમાં ભંગના બે ગુના નોંધાઇ ચૂક્યા છે. આરોપી ધર્મેશ ઉર્ફે આસુડા સામે ભક્તિનગરમાં દારૂ સહિતના બે ગુના અને ડીસીબીમાં પણ દારૂનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application