જામનગર: હાપા સામતપીર વિસ્તારમાં ગીત વગાડીને ડીસ્કો કરનારને સમજાવવા જતા બબાલ
યુવતિને માથામાં લાકડી ઝીંકી: ચાર શખ્સો વિરૂઘ્ધ પોલીસ ફરીયાદ
જામનગરના હાપા સામતપીર વિસ્તારમાં કેટલાક શખ્સો બોલેરો ગાડીના સ્પીકર ચાલુ રાખીને ગીતો વગાડી ડીસ્કો કરતા હોય અને અપશબ્દો બોલતા હોય જે મામલે સમજાવવા જતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરી એક યુવતિને માથાના ભાગે લાકડી ઝીંકી દઇ ઇજા પહોચાડી હતી દરમ્યાનમાં ચાર શખ્સો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર તાબેના વિજરખી ગામમાં રહેતા રેખાબેન રાજુભાઇ કરમુર (ઉ.વ.૩૦) નામના મહિલા તથા તેણીના માતા-પિતા અને ભાઇ બધા હાપા સામતપીર ગામે ઘરની આગળ બેઠા હતા, ત્યારે ફરીયાદીના પિતાના ઘરની બાજુમાં રહેતા આરોપીઓ ત્યાં બોલેરો ગાડીના સ્પીકર ચાલુ કરીને ગીત વગાડીને ડીસ્કો કરતા હતા, અપશબ્દો બોલતા હતા.
આથી ફરીયાદીના પિતા લખનભાઇ ચંદ્રેશા તેમને સમજાવવા જતા આરોપીઓએ તેમની સાથે ઝઘડો કર્યો હતો, જેથી ફરીયાદી યુવતિ અને તેના ભાઇ સુરજભાઇ વચ્ચે પડતા આરોપીઓએ તેની સાથે પણ ઝઘડો કરવા લાગ્યા હતા.
દરમ્યાનમાં આરોપી પ્રવિણ લાકડી સાથે આવી ફરીયાદી યુવતિના માથામાં ઘા ઝીકી દઇ ઇજા પહોચાડી હતી તેમજ કલાઇના ભાગે સામાન્ય ઇજા કરી હતી આમ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.
આ બનાવ અંગે રેખાબેન દ્વારા પંચ-એમાં હાપા સામતપીર ગામ વિસ્તારમાં રહેતા ગોપાલ ગોરધન માહલીયા, વિપુલ ગોરધન માહલીયા, સંજય ગોરધન માહલીયા અને પ્રવિણ ગોરધન માહલીયા નામના ચાર શખ્સો વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.