PM મોદી આજે રાજકોટમાં : રેસકોર્સમાં શાહબુદ્દીન રાઠોડ તથા ધીરુભાઈ સરવૈયાનો હસાયરો, ગીતા રબારી વિવિધ ગીતોની રમઝટ બોલાવશે

  • July 27, 2023 08:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ માટે તા.૨૭મી જુલાઈ એટલે કે આજરોજ રાજકોટ પધારી રહ્યા છે, ત્યારે રેસકોર્સમાં તેઓની જંગી સભા યોજાશે. આ સભામાં જનમેદનીને મનોરંજન સાથે માહિતી મળે તે માટે લોકડાયરો, હસાયરો, લોકગીતો તેમજ વિશેષ નૃત્ય નાટિકા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ  કરવામાં આવ્યું છે.  




રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે ૨૪ ભાઈઓ અને ૨૭ બહેનો મળી ૫૧ કલાકારો, રેસકોર્ષ રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર ચોક ખાતે ૬૩ ભાઈઓ અને ૪૪ બહેનો મળી ૧૦૭ કલાકારો તેમજ રેસકોર્ષ મેદાનમાં કાર્યક્રમસ્થળે ૨૮ ભાઈઓ અને ૨૩ બહેનો મળી ૫૧ કલાકારો સહિત અંદાજે ૨૦૯ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કલાની રોચક પ્રસ્તુતિ કરશે.




તેમણે કહ્યું હતું કે, લોકાર્પણ કાર્યક્રમમાં મનોરંજન સાથે જનજાગૃતિ અર્થે 'ધરતી કરે પુકાર' નૃત્યનાટિકા ભજવવામાં આવશે. જેમાં  નૃત્ય, સંગીત સાથે કલાકારો રાસાયણિક ખેતીથી બરબાદ થયેલી ધરતીની વેદના રજૂ કરીને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંદેશ આપશે.




ઉપરાંત રાજ્યના જાણીતા હાસ્ય કલાકાર શાહબુદીન રાઠોડ હાસ્યની રેલમછેલ રેલાવશે, તો ધીરુભાઈ સરવૈયા હળવીશૈલીમાં ડાયરો જમાવશે. લોકગાયિકા ગીતાબેન રબારી દેશભક્તિ ગીતોની રમઝટ બોલાવશે તેમજ ગુજરાતની વિકાસગાથા અને નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે નવ વર્ષની યાત્રા રસપ્રદ શૈલીમાં વર્ણવશે.




'ધરતી કરે પુકાર' નાટકના દિગ્દર્શક ભાવિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતતથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાકૃતિક કૃષિના વ્યાપ માટે સતત પ્રયાસશીલ છે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે, ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે અને ધરતીના પોષક તત્વોને જાળવીને પોતાની આવક બમણી કરે. જેથી, રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની હાકલ કરતી 'ધરતી કરે પુકાર' નૃત્યનાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવશે. ૦૭થી ૦૮ મિનિટ સુધી ભજવવામાં આવનાર આ નાટકમાં ૧૬ કલાકારો સહભાગી બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application