PM મોદીએ અયોધ્યાના નિષાદ પરિવારના ઘરે પહોચી રામ લલ્લાના અભિષેક માટે પાઠવ્યું આમંત્રણ, વિડીયો થયો વાઇરલ

  • December 30, 2023 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પીએમએ બાળકો સાથે ગમ્મત કરી તેમના ચિત્રો જોયા, ઉજ્જવલા યોજનાના ૧૦ કરોડમાં લાભાર્થી દલિત મહિલા મજુરના ઘરે પીધી ચા


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અયોધ્યા પહોંચ્યા છે. પીએમ મોદી એરપોર્ટથી રોડ માર્ગે અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. રોડ શો દરમિયાન રસ્તામાં લોકોએ શંખનાદ કરી અને ફૂલોની વર્ષા કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન અને નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને ૬ વંદે ભારત અને ૨ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. અયોધ્યા ધામ જંક્શનથી પીએમ મોદી લગા મંગેશકર ચોક (વીણા ચોક) પહોંચ્યા હતા, આ દરમિયાન રસ્તામાં તે નિષાદ પરિવારને મળ્યા હતા.


વડાપ્રધાને નિષાદ પરિવારના રવિન્દ્ર માંઝીના પોતાના હાથે રામ લાલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ પત્ર સોંપ્યું અને તેમને ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આવવા વિનંતી કરી. આ દરમિયાન રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પણ હાજર હતા.


આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકો સાથે મુલાકાત કરી અને સેલ્ફી ક્લિક કરી હતી. આ ઉપરાંત બાળકો દ્વારા બનાવેલ રામ મંદિરના ચિત્ર પર તેમનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો. રામ મંદિર પરિસરમાં નિષાદ રાજને સમર્પિત મંદિર બનાવવાની પણ યોજના છે, જેમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. નિષાદ પરિવારને મળ્યા બાદ વડાપ્રધાન ઉજ્જવલા યોજનાના ૧૦ કરોડમાં લાભાર્થીના ઘરે પહોંચ્યા હતા, જે એક દલિત મહિલા મજૂર છે. પીએમ મોદીએ તેમના ઘરે ચા પણ પીધી હતી.


જ્યારે ભગવાન રામ સીતા માતા અને લક્ષ્મણ સાથે વનવાસ કરવા જઈ રહ્યા હતા ત્યારે નિષાદ રાજે તેમને પોતાની હોડીમાં સરયૂ નદી પાર કરાવી હતી. અયોધ્યાનો નિષાદ પરિવાર જેને મળવા માટે પીએમ મોદી આવ્યા હતા તે નિષાદ રાજના વંશજ હોવાનું કહેવાય છે. થોડા દિવસો પહેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ નિષાદ પરિવારના લોકોને મળવા આવ્યા હતા અને તેમના ઘરે ભોજન પણ લીધું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application