જામનગરના વિકસીત લાલવાડી વિસ્તારમાં મનપાના ગાર્ડનની દુર્દશા
એક નજર ઇધર ભી: નિયમિત જાળવણીનો અભાવ, ઠેર-ઠેર કચરો, શૌચાલયો બંધ હાલતમાં, વોકીંગ-જોગીંગ માટે આવતા રહેવાસીઓ ત્રસ્ત
વૃક્ષોને પાણી ન અપાતા સૂકાઇ ગયા: શહેરમાં ગાર્ડન મેઇનટેનન્સ પાછળ કરવામાં આવતા લાખોના ખર્ચ સામે અનેક સવાલ
જામનગરના વિકસીત લાલવાડી વિસ્તારમાં મનપાના ગાર્ડનની જાળવણીના અભાવે દુર્દશાની સ્થિતિ સર્જાઇ છે.
ગાર્ડનમાં ઠેર-ઠેર કચરો જોવા મળી રહ્યો છે તો શૌચાલયો બંધ હાલતમાં હોવાની ફરિયાદો રહેવાસીઓમાં ઉઠી છે.ગાર્ડનમાં આવેલા વૃક્ષોને પાણી ન અપાતા સૂકાઇ ગયા છે. આથી ગાર્ડનમાં વોકીંગ અને જોગીંગ માટે આવતા રહેવાસીઓ ત્રસ્ત બન્યા છે. બીજી બાજુ શહેરમાં ગાર્ડન મેઇનટેનન્સ પાછળ કરવામાં આવતા લાખોના ખર્ચ સામે અનેક સવાલ ઉઠ્યા છે.
જામનગરમાં સુભાષબ્રીજ રોડ પર ચેમ્બર ઓફ કોર્મસની પાછળ આવેલો લાલવાડી વિસ્તાર આવેલો છે. છેલ્લાં થોડા સમયમાં અનેક સોસાયટીઓ ડેવલોપ થતાં લાલવાડી એ શહેરનો ઝડપથી વિકસીત વિસ્તાર બન્યો છે. આ વિસ્તારમાં મહાનગરપાલીકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવી છે. જો કે, હજુ તેની ગતિ વધારવાની જર છે. પરંતુ આ વિસ્તારમાં ઉપલબ્ધ પ્રાથમિક સુવિધાની યોગ્ય જાળવણી થાય તે પણ જરૂરી છે.
કારણ કે, લાલવાડી વિસ્તારમાં જી.ડી.શાહ હાઈસ્કૂલ સામે મહાનગરપાલીકા સંચાલીત ગાર્ડન કે જે લાલવાડી ગાર્ડન તરીકે ઓળખાય છે. આ ગાર્ડનમાં નિયમિત જાળવણીનો અભાવ હોય ગાર્ડનની દુર્દશાની ફરિયાદો રહેવાસીઓમાં ઉઠી છે. આ વિસ્તારમાં રહેતા લોકો આ ગાર્ડનમાં વોકીંગ, જોગીંગ, યોગ વિગેરે પ્રવૃતિઓ કરવા માટે આવે છે. વળી આ પ્રવૃતિઓ કરવા માટે આ વિસ્તારમાં આ એકજ ગાર્ડન છે. પરંતુ મેઇનટેનન્સ ન થવાના કારણે ગાર્ડનની હાલત દીનપ્રતિદીન બગડી રહી છે. ગાર્ડનની યોગ્ય સફાઇ ન થતાં ઠેર ઠેર કચરો જોવા મળી રહ્યો છે. પીવાના પાણીની કોઇ સુવિધા નથી. ગાર્ડનમાં ભાઇઓ અને બહેનો માટે જે ટોઇલેટ અને બાથરૂમ આવેલા છે તે પણ બંધ હાલતમાં હોવાની ફરિયાદો રહેવાસીઓએ કરી છે.
ભાઇઓના બાથરૂમમાં એન્ટ્રીમાં કોઇ દરવાજો મૂકવામાં આવ્યો નથી. આ બાથરૂમ પાસેથી વોકીંગ ટ્રેક નીકળતો હોય ચાલવા અને જોગીંગ માટે આવતા લોકો ત્યાંથી પસાર થતાં સંકોચ અનુભવે છે. ખાસ કરીને મહીલાઓને ભારે હાલાકી પડી રહી છે. તદઉપરાંત બગીચામાં આવેલા વૃક્ષોને પાણી ન અપાતા સૂકાઇ ગયા છે.
અત્રે નોંધનીય છે કે, એક બાજુ મહાનગરપાલીકા શહેરને હરિયાળું બનાવવા ખાસ બજેટ ફાળવી લાખો વૃક્ષોના વાવેતરના દાવા કરે છે. પરંતુ આ ગાર્ડનમાં વૃક્ષોની જાળવણી ન થતાં આશ્ર્ચર્ય સર્જાયું છે. ગાર્ડનમાં આવતા નાગરીકો માટે બેસવા માટે બાકડા પણ મૂકવામાં આવ્યા નથી. ગાર્ડનની જાળવણીના અભાવે કચરા સહીતની ગંદકીના કારણે વરસાદમાં કાદવ-કીચડ થવાની શકયતા નકારી શકાતી નથી. ત્યારે શહેરના વિકસીત લાલવાડી વિસ્તારમાં મનપા સંચાલીત ગાર્ડનની જાળવણી ન થતાં શહેરમાં અન્ય સ્થળો પર આવેલા ગાર્ડનની જાળવણી પાછળ મનપા દ્વારા કરવામાં આવતા લાખોના ખર્ચ સામે અનેક સવાલ ઉઠ્યા છે.