ગુંદાવાડી શાકમાર્કેટના થડા ખાલી કરાવવા સામેનો સ્મોલ કોઝ કોર્ટનો કાયમી સ્ટે રદ

  • June 29, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માર્કેટના થડા ખાલી ક૨વાનો માર્ગ મોકળો

સરકારી મિલકતના ભાડુઆતનો કેસ બોમ્બે રેન્ટ એક્ટ હેઠળ સ્મોલ કોઝ કોર્ટમાં ચાલી શકે નહીં : થડાધારકોને સ્મોલ કોઝ કોર્ટે આપેલો કાયમી મનાઇહુકમ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઉઠાવી લીધો




ગુંદાવાડી શાક માર્કેટમાં મહાનગરપાલિકાની ભાડાની જગ્યા ઉપર ગેરકાયદે કાચું પાકું બાંધકામ હટાવવા સામે થડાધારકોએ સ્મોલ કોઝ કોર્ટમાંથી મેળવેલો કાયમી મનાઇ હુકમ ડિસ્ટ્રિક્ટ કોર્ટ નામંજૂર કરીને મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો છે.



આ કેસની હકીકત મુજબ, વર્ષ-૧૯૬૭માં રાજકોટ નગ૨પાલીકાએ ગુંદાવાડી વોંકળા પાસે બેસી શાકભાજીનો વેપાર કરતા વિવિધ લોકોને વોંકળા ઉપ૨ બાંધકામ કરી ખુલ્લી જગ્યા ભાડેથી આપી નાના અને મધ્યમ વર્ગના લોકોને સગવડતા કરી આપી હતી. વર્ષો જતા આ જગ્યા ઉપર કબજાધારકોએ મ.ન.પા.ની મંજુરી વિના કાચું—પાકું બાંધકામ ક૨ી છાપરાઓ નાખી જગ્યામાં કાયમી કબજો કરી લેવા ઉપરાંત અમુક થડાધારકોએ તેઓને અપાયેલ જગ્યા કરતા વિશેષ જગ્યામાં બાંધકામ કરી લીધેલ હતું. આથી મ.ન.પા.એ આવા પ્રકારની ગેરકાનુની કાર્યવાહી કરવામાં આવ્યેથી સમગ્ર વિસ્તાર ખાલી કરવાની સુચના આપી હતી. આથી ગુંદાવાડી શાકમાર્કેટના ચાર થડા–ધારકોએ સિવિલ કોર્ટમાં પ્રતિનિધિ સ્વરૂપનો દાવો કરી તમામ થડા-ધારકો વતી મહાનગરપાલિકા વિરૂધ્ધ કાયમી મનાઈ હુકમ માગ્યો હતો. તેમાં સ્મોલ કોઝ કોર્ટે વાદીઓની તરફેણમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વિરૂધ્ધ કાયમી મનાઈ હુકમ ફરમાવેલ હતો. આ હુકમનામાં સામે રા.મ્યુ.કો.એ વર્ષ–૨૦૦૯માં અપીલ દાખલ કરી હતી.



આ અપીલની આખરી સુનવણી વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન વતી લીગલ એડવાઈઝર એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે, વાદીઓએ પોતે રા.મ્યુ.કો.ના ભાડુઆત હોવાના દ૨જજે સ્મોલ કોઝ કોર્ટમાં દાવો દાખલ ક૨ી મનાઈ હુકમ મેળવેલ છે તે હકુમત વિનાની કોર્ટમાં દાખલ થયેલ દાવો છે. કોઈપણ સરકારી મિલકત ભાડે આપવામાં આવે તો પણ આવી મિલકતના ભાડુઆતને બોમ્બે રેન્ટ એકટ લાગુ પડતો નથી. સ્મોલ કોઝ કોર્ટે વાદી થડા-ધારકોની તરફેણમાં કાયમી મનાઈ હુકમ આપતી વખતે કાયદાના પ્રબંધની આ મુળભુત જોગવાઈને ધ્યાનમાં લીધેલ નથી. આ ઉપરાંત કોઈપણ સ૨કા૨ી મિલકતને ખાલી કરાવવા માટે ''ગુજરાત પબ્લિક પ્રિમાઈસીસ એકટ' ની જોગવાઈ હેઠળ નોટિસ આપીને શ૨તભંગના કારણોસર સીધેસીધી ખાલી કરાવી શકાય છે.



આ પ્રકારની કાર્યવાહી સામે ફક્ત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સીધેસીધી અપીલ દાખલ થાય છે. વાદીઓનો દાવો મંજુ૨ ક૨તી વખતે સ્મોલ કોઝ કોર્ટે "ગુજરાત પબ્લિક પ્રિમાઈસીસ એકટ" લાગુ પડતો નથી અને આ કાયદા હેઠળ રા.મ્યુ.કો. કોઈ કાર્યવાહી કરી શકશે નહીં તેવો પણ મનાઈ હુકમ ફરમાવેલ છે, જે પોતાથી ઉપરી અદાલતને હકુમત નથી તેવા પ્રકારનો ચુકાદો છે. પોતાથી ઉપરની કોર્ટને હકુમત છે કે કેમ તે નિર્ણય કરવા માટે સ્મોલ કોઝ કોર્ટ હકુમત ધરાવતી નથી. કોઈપણ અદાલત કાયદાના પ્રબંધો અને કુદરતી ન્યાયના સિધ્ધાંતો અનુસર્યા વિના કોઈ નાગરીક વિરૂધ્ધ કાર્યવાહી કરી શકે નહીં, તે દશકાઓથી પ્રસ્થાપિત થયેલ કાયદાકીય સિધ્ધાંત છે. આ મુજબ કોઈપણ સત્તામંડળને કાર્યવાહી કરતા અટકાવી શકાય નહીં અને આ સિધ્ધાંત મુજબ જો કોઈ કાર્યવાહી થયેલ ન હોય તો જ તેને ન્યાય અદાલતમાં પડકારી શકાય. આ મુજબની દલીલોના અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજે રા.મ્યુ.કો. ની અપીલ મંજૂર કરી ગુંદાવાડી શાકમાર્કેટમાં થડાધારકોને એલોટ કરવામાં આવેલ જગ્યાઓ કાનુની પ્રક્રિયા અનુસરી ખાલી કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન વિરૂધ્ધનો મનાઈ હુકમ રદ કર્યો છે. આ કેસમાં રા.મ્યુ.કો. વતી લીગલ એડવાઈઝર સંજય કે. વોરા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application