BREAKING NEWS

જામ્યુકોની કચેરીમાં જન્મ-મરણના દાખલા કઢાવવામાં લોકો ભારે હેરાન 

  • May 30, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોની કચેરીમાં જન્મ-મરણના દાખલા કઢાવવામાં લોકો ભારે હેરાન 

પાંચ-પાંચ દિવસથી સર્વરનું બહાનું કઢાય છે, કર્મચારીઓનું અરજદારો સાથે અયોગ્ય વર્તનની ફરીયાદ 

૬૧૦થી વધુ દાખલાનું વેઇટીંગ: સબ રજીસ્ટરની કાયમી નિમણુક થઇ છતાં શા માટે ચાર્જ લેતા નથી..? મ્યુ.કમિશ્નરે કડક પગલા લેવાની જરૂર

જામનગર મહાનગરપાલિકાની જન્મ મરણના દાખલા આપતી કચેરી અવાર નવાર વિવાદમાં સપડાય છે છેલ્લા પાંચ-પાંચ દિવસથી દાખલા નિકળી શકતા નથી. ૬૧૦થી વધુ દાખલાઓનું લિસ્ટ પેન્ડીંગ છે લોકો દાખલાનું કહે તો અધિકારી કર્મચારીઓ દ્વારા તોછડુ વર્તન કરાતુ હોવાની રાવ ઉઠી છે. અવાર નવાર આજ કચેરીનું સર્વર બંધ થઇ જાય છે કોણ જાણે આ કચેરીને શું ગ્રશણ લાગ્યુ છે તે સમજાતુ નથી કાયમી સબ રજીસ્ટ્રાર તરીકે મિલન બોડાની નિમણુક થઇ ચુકી છે પરંતુ ઓડીટ શાખા દ્વારા તેઓને છુટા કરવામાં આવતા નથી હાલત એટલી ખરાબ છે એક કમ્પ્યુટરમાં અરજી લેવાય છે અને મંજુર થાય ત્યારબાદ સર્ટીફીકેટ નિકળે છે ઉપરાંત છેલ્લા પાંચ-પાંચ દિવસથી સર્વર અવાર નવાર બંધ રહે છે. જન્મ અને મરણનો દાખલો કઢાવવા આવતા લોકો સાંજ સુધી પરેશાન થાય છે કોઇ કોઇનું નથી રે... તેઓ ઘાટ ઘડાયો છે.  અધિકારીઓ કોઇનું માનતા નથી, પુરતો સ્ટાફ નથી અને સર્વરનું તો અવાર નવાર બંધનું બહાનું સામે જ છે ત્યારે કોર્પોરશેનનો તમામ વેરો ભરવા છતાં પણ લોકોને રીતસરનો ત્રાસ અપાતો હોવાની ફરીયાદ ઉઠી છે ત્યારે નવા આવેલા મ્યુ.કમિશ્નર દિપેશ કેડીયાએ મામલો હાથ પર લઇને લોકો પરેશાન થાય છે તે સમસ્યા તાત્કાલિક દૂર કરવી જોઇએ.

જામ્યુકોની જન્મ મરણ શાખાની કચેરી અવાર નવાર વિવાદમાં આવે છે સરકારના ઇ ઓળખ પોર્ટલને કેન્દ્ર સરકારની સીવીલ રજીસ્ટ્રેશન સીસ્ટમમાં વિલીન કરતા દાખલો કઢાવવાની સમસ્યામાં ઘટાડો થવાને બદલે વધારો થાય છે. તા.૨૫થી સીંગલ કોમ્પ્યુટર સીસ્ટમ જ રાખવામાં આવી છે અને મોટા ભાગે ગઇકાલ સાંજ સુધી સર્વર બંધ રહ્યુ છે લોકોએ ઓહાપોહ મચાવતા ટોકનો આપી દેવાય છે પરંતુ શા માટે કાયમી રજીસ્ટ્રારને એ જગ્યાએ મુકવામાં આવતા નથી. શા માટે નિમણુર થયા પછી એ જગ્યાએ મુકાતા નથી કોર્પોરેશનની કચેરીમાં જ કેમ અવાર નવાર સર્વર બંધ થઇ જાય છે કોર્પોરેશનના ૫ સીવીક સેન્ટરો છે ત્યાં ટેકસના બીલો ભરવામાં આવે છે, તો પછી આ તમામ સીવીક સેન્ટોરમાં શા માટે આ સીસ્ટમ શરૂ કરવામાં આવતી નથી.

આ ઉપરાંત રણજીતસાગર રોડ પર ગ્રીન સીટી નજીક આવેલ વિસ્તારમાં શોભાના ગાંઠીયા સમાન સીવીક સેન્ટર બનાવાયુ છે જે હજુ સુધી તેનું મહુરત ન આવવાના કારણે ચાલુ કરવામાં આવ્યુ નથી લોકોની સુવિધા વધારવાના પ્રયાસો કરાતા નથી, દાખલા કઢાવવા લોકો પરેશાન થાય છે, સર્વર ચાલતા નથી અને ઉચ્ચ અધિકારીઓનું અક્કડ મૌન જોવા મળે છે લોકેએ કયાં સુધી આવુ સહન કરવાનું તે પ્રશ્ર્ન ઉઠયા છે ? પુરેપુરા વેરા ભર્યા છે તેઓને પણ સગવડો આપવામાં મહાનગરપાલિકા ઉણું ઉતર્યુ છે તેવા આક્ષેપો થઇ રહ્યા છે. 

​​​​​​​
 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News