જામનગર: ધ્રોલ યાર્ડ નજીક ટ્રકની પાછળ ઇકો અથડાતા પાટણના યુવકનું મૃત્યુ
બે મહિલાઓને ઇજા થતા વધુ સારવારમાં રાજકોટ ખસેડાયા: કારચાલક સામે ફરીયાદ
જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાસે પાટણના એક પરિવારની ઇક્કો ગાડી રોડની સાઈડમાં ઉભેલી એક ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા પરિવારના નાના પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેણીને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઇકો કારના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
પાટણના સુભાષનગર સોસાયટીમાં રહેતા અને ગેરેજ ચલાવતા રાહુલજી ફુલસંગજી ઉર્ફે ભુરાજી ઠાકોર (ઉ.વ. ૨૨) પરિવાર સાથે ઇક્કો ગાડી નંબર જીજે-૨૪-એ.એન. ૦૭૧૮માં મુસાફરી કરી રહ્યા હતા. આ ગાડી તેમનો મિત્ર વિશાલભાઇ છનાજી ઠાકોર ચલાવી રહ્યો હતો.
ગત રાત્રિના આશરે ૨ વાગ્યાની આસપાસ જ્યારે ગાડી ધ્રોલ હાઈવે પર માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાલક વિશાલભાઈએ ગાડી પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે ઇક્કો ગાડી રોડની સાઈડમાં પાર્ક કરેલી એક ટ્રક પાછળ જોરદાર રીતે અથડાઈ હતી.
અકસ્માતના આ બનાવમાં ફરીયાદીના નાના ભાઈને ગંભીર ઈજા પહોંચતા તેનું મૃત્યુ થયું હતું આ ઉપરાંત ફરીયાદીના પત્ની અને તેમના સાળાના પત્નીને ઇજા થતા સારવાર માટે ધ્રોલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયા પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતા જ ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને રાહુલજી ઠાકોરની ફરિયાદના આધારે ઇકો કારના ચાલક વિશાલ ઠાકોર સામે બેફિકરાઈ થી વાહન ચલાવવા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.