અમરેલી લેટરકાંડ મુદ્દે સુરતમાં ઘમાસાણ, ધરણા પહેલા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાતની અટકાયત, કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઘર્ષણ

  • January 13, 2025 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી લેટરકાંડ મામલે આજે સુરતમાં પરેશ ધાનાણીએ ધરણાં પ્રદર્શનનું આયોજન કર્યું હતું. વરાછા ખાતે મીની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ધરણાં કરે તે પહેલાં જ પોલીસે તમામની અટકાયત કરી લીધી છે. પોલીસે વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વગર મંજૂરીએ ધરણા કરવા આવતા પોલીસે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત 40થી 50 કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી છે. આ સમયે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું    


સવારથી જ પોલીસ ખડકી દેવામાં આવી હતી
કોંગ્રેસે આજે માનગઢ ચોક ખાતે અમરેલીમાં ભોગ બનનાર યુવતીને ન્યાય અપાવવા માટે ધરણાંની જાહેરાત કરી હતી. સુરત પોલીસે ધરણાં માટે મંજૂરી આપી ન હતી, જેને લઇને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, અમે ગમે ત્યારે ધરણાં ઉપર આવીને બેસી જઈશું. જેના પરિણામે ગઈકાલથી જ વરાછા પોલીસ સહિત અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ માનગઢ ચોક ખાતે ગોઠવી દેવામાં આવી હતી. ત્યારબાદ આજે વહેલી સવારથી જ પોલીસ ખૂબ મોટા પ્રમાણમાં માનગઢ ચોક ખાતે ખડકી દેવામાં આવી હતી. 10 વાગ્યે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના નેતાઓ માનગઢ ચોક ખાતે આવીને સરદાર પ્રતિમાને ફુલહાર કરીને ધરણાં કરવાના શરૂ કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.


શું છે સમગ્ર મામલો? થોડા દિવસ પહેલાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને જેલવાસ પૂર્ણ કર્યા બાદ 5 જાન્યુઆરીએ પ્રેસ યોજી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. એ મામલે હવે રાજકારણ ગરમાયું છે.


પરેશ ધાનાણીએ મોરચો માંડ્યો
આ સમગ્ર પ્રકરણની શરૂઆત પંદરેક દિવસ પહેલા થઈ હતી, જ્યારે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામે એક બનાવટી લેટર વાયરલ થયો હતો. આ લેટરમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. મામલો ગંભીર બનતા પોલીસે પાયલ ગોટી સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ દરમિયાન, આરોપી પાયલ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો હોવાના આક્ષેપો બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. એસપીએ SIT ટીમની રચના કરી તપાસ શરૂ કરી હતી. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ આ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો અને રાજકમલ ચોકમાં 48 કલાક સુધી ધરણાંં યોજ્યા હતા અને શનિવારે(11 જાન્યુઆરી) અમરેલી બંધનું એલાન આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application