પાક.ની નાપાક હરકત, એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી જવાનો પર ગોળીબાર કરતા ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ

  • October 18, 2023 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૦૨૧ પછી યુદ્ધવિરામની પ્રથમ ઘટના, વીજપોલ ઠીક કરી રહેલા જવાનો પર ફાયરીંગ કરતા બન્નેની હાલત ગંભીર



પાડોશી દેશ પાકિસ્તાને ફરી એકવાર ભારત વિરુદ્ધ કાવતરા કરવાનું શરૂ કર્યું છે. કોઈને કોઈ રીતે પાક. પોતાના નાપાક ઈરાદાઓથી ભારતને હેરાન કરવાના પ્રયાસ કરે છે. ગતરોજ સાંજે જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેનો સીમા સુરક્ષા દળના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાની રેન્જર્સ પર ગોળીબાર પણ કર્યો હતો. આ ફાયરિંગમાં બીએસએફના બે જવાન ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, જ્યારે બીએસએફ સૈનિકો ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે વીજળીના થાંભલા પર લાઇટ લગાવી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની રેન્જર્સે સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાની રેન્જર્સના સ્નાઈપર્સે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘાયલ જવાનોને સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધવિરામને લઈને એક સમજૂતી થઈ હતી. આ પછી, આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગ બાદ ભારતીય જવાનોએ પણ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો. તેઓએ ઈકબાલ અને ખન્નૌર તરફની પાકિસ્તાની ચોકીઓ પર ગોળીબાર કર્યો. આ ઘટના આંતરરાષ્ટ્રીય સરહદના વિક્રમ બીઓપી પાસે બની હતી. જે જગ્યાએ બીએસએફ જવાનો વીજળી રિપેર કરી રહ્યા હતા તે જગ્યા બોર્ડરથી લગભગ ૬૦ મીટર દૂર છે અને બોર્ડર પોસ્ટથી વિક્રમ લગભગ ૧૫૦૦ મીટર દૂર છે.


આ પહેલીવાર નથી કે જ્યારે પાકિસ્તાની રેન્જર્સે ભારત વિરુદ્ધ આવું પગલું ભર્યું હોય, આ પહેલા ૨૦૨૦માં પણ પાકિસ્તાની સૈનિકોએ સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતીય સરહદ પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન દ્વારા લગભગ ૫,૦૦૦ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા લોકોના મોત થયા હતા અને અનેક મકાનો પણ ધરાશાયી થયા હતા. ભારત અને પાકિસ્તાને ૨૦૦૩માં યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ પાકિસ્તાન અવારનવાર કરારનું ઉલ્લંઘન કરે છે.
​​​​​​​


૨૦૨૧માં યુદ્ધવિરામની જાહેરાત પહેલા પાકિસ્તાને એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદે ગોળીબારની ઘટનાઓને અંજામ આપ્યો હતો. જેના કારણે ભારતીય સરહદ પરના અનેક મકાનો, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો અને ધાર્મિક સ્થળોને નુકસાન થયું હતું. ફેબ્રુઆરી ૨૦૨૧માં લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું હતું કે ૨૦૧૮,૨૦૧૯ અને ૨૦૨૦માં પાકિસ્તાન સાથેની ભારતની સરહદે યુદ્ધવિરામ ભંગના કુલ ૧૦,૭૫૨ કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું કે ૨૦૧૮,૨૦૧૯ અને ૨૦૨૦માં જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર સીમાપારથી થયેલા ગોળીબારમાં ૩૬૪ સુરક્ષા જવાનો અને ૩૪૧ નાગરિકો ઘાયલ થયા હતા. ભારત પાકિસ્તાન સાથે ૩૩૨૩ કિલોમીટર લાંબી સરહદ શેર કરે છે, જેમાંથી ૨૨૧ કિલોમીટર આંતરરાષ્ટ્રીય સરહદ અને ૭૪૦ કિલોમીટર એલઓસી વિસ્તાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application