આજી ડેમમાં કાલે સાંજે નર્મદાનીરની પધરામણી

  • June 02, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટને ઉનાળો પાર ઉતારવા તેમજ વરસાદી આવક ન થાય ત્યાં સુધી દૈનિક વિતરણ જાળવી રાખવા


મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને મેયરએ રજુઆત કર્યાના ગણતરીના કલાકોમાં જળ જથ્થો રવાના કરાયો: રાજકોટને તા.૧૫ ઓગષ્ટ સુધી ચાલે તેટલુ ૬૩૦ એમસી એફટી પાણી ઠલવાશે: ન્યારી-૧ ડેમમાંમાં પર્યાપ્ત ૨૦૦ એમસીએફટી પાણી ઠલવાઇ ગયા બાદ હવે બંધ




રાજકોટ શહેરની ૨૦ લાખની વસ્તીને ઉનાળો પાર ઉતારવા તેમજ ડેમમાં નવા વરસાદી પાણીની આવક શરૂ ન થાય ત્યાં સુધી દૈનિક ૨૦ મિનિટની પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા માટે આવતીકાલે સાંજથી ફરી આજી-૧ ડેમમાં સૌની યોજનાના નર્મદાનીરની પધરામણી થશે તેમ મેયરએ જણાવ્યું હતું.



વિશેષમાં મેયર ડો.પ્રદીપ ડવએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં દૈનિક પાણી વિતરણ જળવાય રહે તે માટે સૌની યોજનાનું નર્મદાનીર આપવા તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી માંગણી કરી હતી, અગાઉ સરકારમાં પાઠવેલ પત્ર મુજબ રાજકોટ શહેરને તા.૧૫ ઓગષ્ટ સુધી ચાલે તે માટે આજી-૧ ડેમમાં ૬૩૦ એમસીએફટી નર્મદાનીર સૌની યોજના હેઠળ આપવાની માંગણી હતી તે બાબતે ચર્ચા કરતા મુખ્યમંત્રીએ તુંરંત જ નર્મદા વિભાગને જરૂરી આદેશ જારી કર્યો હતો જે અન્વયે આવતીકાલે સાંજ સુધીમાં આજી ડેમમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું શરૂ થઇ જશે.



તેમણે ઉમેર્યું હતું કે પશ્ચિમ રાજકોટના મુખ્ય જળ સ્ત્રોત ન્યારી-૧ ડેમમાં માંગણી મુજબ ૨૦૦ એમસીએફટી પાણી ઠલવાઇ જતા હવે તેમાં દૈનિક ઉપાડ વ્યવસ્થા મુજબ તા.૧૫ ઓગષ્ટ સુધી ચાલે તેટલું પાણી આવી ગયું છે જેથી ચિંતા નથી.


દરમિયાન ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે ચોમાસામાં વરસાદ ખેંચાય અથવા તો વરસાદ સમયસર આવે પરંતુ જળાશયોમાં પૂરતું પાણી ન આવે તો પણ આગામી તા. ૧૫ ઓગષ્ટ સુધી શહેરમાં દરરોજ પુરી ૨૦ મિનિટ પાણી વિતરણ કરી શકાય તેવી વ્યવસ્થા નિર્માણ કરાઇ છે. જો સારો વરસાદ આવે અને જળાશયોમાં સારી આવક થઈ જાય તો તા.૧૫ ઓગસ્ટથી પહેલા પણ ડેમોમાં પાણી નર્મદાનીર ઠાલવવાનું બંધ કરાશે. હાલ ગરમીની ઋતુમાં જળમાંગ તેમજ વપરાશ વધ્યો છે તદઉપરાંત મોટા ભાગના બોર અને ડંકીઓ ડુકી જતા શહેરીજનોનો મુખ્ય આધાર મહાનગરપાલિકા દ્વારા વિતરિત કરાતું પાણી બની ગયું છે. આજી, ન્યારીમાં પૂરતું નર્મદાનીર મળી રહે તથા ભાદર ડેમમાંથી પણ રાજકોટ માટે રિઝર્વ જથ્થો મળતો રહે તો આરામથી ઉનાળો પાર ઉતરી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application