BREAKING NEWS

દ્વારકાના ટેકરી ફીડરના ખેડૂતોનો PGVCL સામે ઉગ્ર વિરોધ: નિયમિત વીજ પુરવઠાની માંગ સાથે આંદોલનની ચીમકી

  • July 13, 2026 05:36 PM 

દ્વારકાના ટેકરી ફીડરના ખેડૂતોનો PGVCL સામે ઉગ્ર વિરોધ: નિયમિત વીજ પુરવઠાની માંગ સાથે આંદોલનની ચીમકી

ટેકરી ફીડર વિસ્તારમાં લાંબા સમયથી વીજ પુરવઠો અનિયમિત અને અપૂરતો મળતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેતીની મહત્વપૂર્ણ સિઝન દરમિયાન પૂરતી વીજળી ન મળતા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે આજે મૂળવાસર, મૂળવેલ, પોસીત્રા, રાજપરા, ખાતુબા સહિત આસપાસના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ PGVCL કચેરીએ પહોંચ્યા હતા.

ખેડૂતોએ PGVCLના અધિકારીઓનો ઘેરાવ કરી નિયમિત અને પૂરતો વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. "લાઈટ આપો, ખેડૂત બચાવો"ના ગગનભેદી નારાઓ સાથે ખેડૂતો દ્વારા વીજ કંપનીની કામગીરી સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ખેડૂતોનું કહેવું છે કે હાલ વરસાદ અનિયમિત હોવાથી સિંચાઈ માટે વીજળી જ એકમાત્ર આધાર છે. તેમ છતાં ટેકરી ફીડર વિસ્તારમાં પૂરતી અને સમયસર વીજળી ન મળતા ખેતીનું આયોજન ખોરવાઈ રહ્યું છે અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે.ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે લોકપ્રતિનિધિઓના પ્રયાસો છતાં જવાબદાર વિભાગ દ્વારા અસરકારક પગલાં લેવામાં આવતા નથી. જેના કારણે ખેડૂતોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

​​​​​​​ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં ટેકરી ફીડર વિસ્તારમાં નિયમિત અને પૂરતો વીજ પુરવઠો શરૂ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. સાથે જ તેમણે જણાવ્યું કે ત્યારબાદ સર્જાતી પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગ અને જવાબદાર અધિકારીઓની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News