જેતપુરમાં એ ગ્રેડની સરકારી હોસ્પિટલમાં રોજ ૫૦૦ દર્દીની ઓપીડીમાં માત્ર એક તબીબ

  • December 12, 2023 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઔદ્યોગિક શહેર જેતપુરમાં એ ગ્રેડની ટ્રોમા સેન્ટર ધરાવતી સરકારી હોસ્પીટલ આવેલ છે. જ્યાં દરરોજ ૫૦૦થી ૬૦૦ દર્દીઓ નાની મોટી બીમારી સબબ સારવાર માટે આવે છે તેવી હોસ્પીટલમાં દર્દીઓને તપાસવા માટે ફક્ત એક જ ડોકટર હોવાથી મોટા ભાગના દર્દીઓને ખાનગી હોસ્પીટલમાં અથવા તો સારવાર માટે બહારગામ જવું પડે છે. જે આર્થિક રીતે ગરીબ, મજૂર દર્દીઓને પરવડતું ન હોય તાત્કાલીક ડોકટરની પૂરતા કરવા માંગ ઉઠી છે.


જેતપુર એક ઔદ્યોગિક શહેર છે અહીં ત્રણેક હજાર જેટલા સદીઓના કારખાનાઓ આવેલ છે જેમાં  પચાસેક હજાર જેટલા પરપ્રાંતીય મજૂરો કામ કરે છે.  આટલા મજૂરો ઉપરાંત સ્થાનિક મજૂર શહેરની બે લાખની વસ્તી ઉપરાંત તાલુકા ૪૯ ગામો અને આજુબાજુના તાલુકા સહિતની કુલ ત્રણેક લાખની વસ્તીમાંથી ૫૦૦થી ૬૦૦ જેટલા લોકો નિયમિત નાની મોટી બીમારીના સબબ જેતપુર સરકારી હોસ્પીટલમાં સારવાર માટે આવતા હોય છે. ત્યારે આ હોસ્પીટલમાં ઓપીડી જોવા માટે ફક્ત એક  જ ડોકટર છે અને અકસ્માત સબબ કે અન્ય કોઈ ઇમરજન્સીમાં દર્દી અથવા તો પોસ્ટ મોર્ટમ આવે તો આવે તો ઓપીડી છોડીને ડોકટરને જવું પડે છે. અને એક જ ડોકટર હોવાને કારણે ડોકટરને ચોવીસ કલાક ડ્યુટી કરવી પડે છે અને બીજા દિવસે આરામ કરવો પડતો હોય ત્યારે તો દર્દીઓ ભગવાન ભરોસે મુકાય જાય છે.  આ અંગે હોસ્પીટલના અધિક્ષક નિકિતાબેન પડીયાએ જણાવેલ કે,ઓપીડી જોવા માટે એક કાયમી અને એક ડેપ્યુટેશનના એમ બે ડોકટર છે અને બંને વારાફરતી ફરજ નિભાવે છે. જ્યારે હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળકોના તેમજ આંખના ડોકટરને કોન્ટ્રાકટ પર રાખવામાં આવ્યા છે.  હોસ્પિટલમાં દર્દીઓને ડોક્ટરોની કમી હોવા છતાં દર્દીઓને કંઈ તકલીફ જ ન હોય તેવું હોસ્પીટલના અધિક્ષકનું વલણ છે. વાસ્તવમાં એક બાજુ ડોકટરની કમી અને બીજીબાજુ દર્દીઓનો ઘસારો વધતો જ જાય છે તેમા હાલ વાયરલ ઇન્ફેક્શન, ડેંગ્યુને કારણે રોજિંદી સંખ્યા કરતા વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. પરંતુ ડોક્ટરની ઘટને કારણે હાજર તમામ દર્દીઓને તપાસી પણ નથી શકાતા જેને કારણે દર્દીઓ સરકારી હોસ્પીટલમાં સારવારથી વંચિત રહી જાય છે. અને દર્દીઓને બહારગામ અથવા તો ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે જવું પડે છે. જેથી ડોકટરની ઘટ તાત્કાલિક સરકાર પૂર્ણ કરે તેવી દર્દીઓ પણ માંગ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application