BREAKING NEWS

જામનગરના ૧૪ જળાશયોમાં ફકત ૩૬.૮૪ ટકા પાણીનો જથ્થો..!

  • April 16, 2026 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ૧૪ જળાશયોમાં ફકત ૩૬.૮૪ ટકા પાણીનો જથ્થો..!


ચિંતાના વાદળો: રૂપાવટી, કંકાવટી અને ફોફળ-૨ ડેમના તળિયા દેખાયા, ફુલઝર-૨,વિજરખી, ઉંડ-૩ ડેમમાં એપ્રિલ મહીનાના અંત સુધીની જળરાશિ


જિલ્લાના મહત્વના પાંચ ડેમમાં જુલાઇ સુધી ચાલે તેટલું પાણી: ચોમાસું નબળું રહેવાની હવામાન વિભાગની આગાહીથી પાણીની મોકાણની ભીતિ




જામનગર જિલ્લાના ૧૪ જળાશયોમાં ફકત ૩૬.૮૪ ટકા પાણની જથ્થો બચ્યો હોય ચિંતાના વાદળો છવાયા છે. રૂપાવટી, કંકાવટી અને ફોફળ-૨ ડેમના તળિયા દેખાયા છે. બીજી બાજુ ફુલઝર-૨,વિજરખી, ઉંડ-૩ ડેમમાં એપ્રિલ મહીનાના અંત સુધીની જળરાશિ ઉપલબ્ધ છે. જો કે, જિલ્લાના પાંચ મહત્વના ડેમમાં જુલાઇ સુધી ચાલે તેટલું પાણી છે. પરંતુ હવામાન વિભાગે ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેવાની આગાહી કરી છે ત્યારે ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોય પાણીની મોકાણની ભીતિ નકારી શકાતી નથી. 


જામનગર શહેર-જિલ્લામાં ગત વર્ષે મેઘરાજાએ મહેર કરતા મોટાભાગના જળાશયળો ઓવરફલો થયા હતાં. આથી પાક અને પાણીનું ચિત્ર ઉજળું બન્યું હતું.  આટલું જ નહીં વર્ષ દરમ્યાન પીવાાના તથા ખેતીવાડી ક્ષેત્રમાં સિંચાઇ માટે પાણીની મુશ્કેલી સર્જાઇ ન હતી. પરંતુ ઉનાળો આવતા આકરા તાપ અને ગરમીથી ડેમમાંથી વધુ પ્રમાણમાં પાણીનું બાષ્પીભવન થાય છે. તદઉપરાંત જળમાંગ પણ વધે છે. જેના કારણે ડેમમાંથી પાણીના જથ્થાનો વધુ ઉપાડ થાય છે. જો કે, શહેર-જિલ્લામાં ડેમ ઉપરાંત નર્મદાના નીર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જામનગર શહેર-જિલ્લામાં સિંચાઇ વિભાગ હસ્તક આવેલા ૧૪ જળાશયોમાં તા.૧૫ એપ્રિલની સ્થિતિએ ફકત ૩૬.૮૪ ટકા જળરાશી હોવાનું નોંધાયું છે. અત્રે નોંધનીય છે કે, આ જળાશયોની કુલ ક્ષમતા ૬૬૧૩.૨૭ મીટર ઘનફુટ છે. જેમાં હાલમાં ૨૪૩૬.૫૧ મીટર ઘનફુટ જથ્થો ઉપલબ્ધ છે. 


ખાસ કરીને ઉંડ-૧, સસોઇ, પન્ના, ફુલઝર-૧ અને ડાઇમીણસારમાં હજુ ત્રણ મહીના ચાલે તેટલું ૫ાણી છે. જયારે રંગમતી, સપડા, વોડીસાંગમાં હજુ મે મહીના સુધી ચાલે તેટલી જળરાશી છે. જયારે ફુલઝર-૨, વીજરખી, ઉંડ-૩માં ચાલુ મહીનાના અંત સુધી ચાલે તેટલું પાણી છે. જો કે, રૂપાવટી, કંકાવટી અને ફોફળ-૨ ડેમના તળિયા દેખાયા છે. અત્રે નોંધનીય છે કે, સસોઇ અને રણજીતસાગર ડેમમાં પુરતું પાણી હોવાથી શહેરમાં પાણી વિતરણમાં વિક્ષેપ પડશે નહીં. હાલમાં ૧૪ પૈકી ઉંડ-૧ માંથી ૬.૧૬, સસોઇ ડેમમાંથી ૫.૧૪ અને ફુલઝર-૧ ડેમમાંથી ૦.૮૪ એમએલડી પાણીનો ઉપાડ પીવાના હેતુસર કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, જામનગર શહેર-જિલ્લામાં દર વર્ષે સામાન્ય રીતે ૧૫ જૂન પછી ચોમાસાનું વિવિધત આગમન થતું હોય છે. ત્યારે હજુ ચોમાસાને બે મહીના બાકી છે. ત્યારે ડેમમાં ફકત ૩૬.૮૪ ટકા પાણીનો જથ્થો હોય ચિંતાના વાદળો ઘેરાયા છે. આટલું જ નહીં ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય એટલે કે ઓછો અથવા સામાન્ય વરસાદની આગાહી આઇએમડી દ્રારા કરવામાં આવી છે. ત્યારે જળાશયો ખાલી થાય અને વરસાદ પૂરતો ન થાય તો આગામી વર્ષે ઉનાળામાં પાણીની મોકાણની ભીતિ પણ નકારી શકાતી નથી. આટલું જ નહીં તેના કારણે પાકનું ચિત્ર પણ બગડવાની પૂરી શકયતા રહશે. આથી ચાલુ વર્ષે ચોમાસું કેવું રહે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News