છોટી કાશીના વૈજનાથ મંદિરમાં ૐ નમ: શિવાયનો નાદ

  • August 24, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છોટી કાશી એ ભકિતનું ધામ છે, શ્રાવણ માસમાં તો ભકતો એટલા બધા ઉમટી પડે છે કે ભગવાન પણ મુંજાઇ જાય, સવારના સાડા ચાર વાગ્યાથી રાત્રીના બાર વાગ્યા સુધી શિવ મંદિરમાં હર હર ભોલેનો નાદ સંભળાય છે, જાણે કે જામનગરમાં ભકિતના ઘોડાપુર આવ્યા હોય તેવો લોકો અહેસાસ કરે છે, જામનગરમાં હવાઇ ચોક પહેલા એક એવું મંદિર છે કે ત્યાં વડલો અને પીપળો એક જ જગ્યાએ ઉગ્યા છે, આ મંદિરમાં ભગવાનના દર્શન કરવા ભકતો દુર દુરથી આવે છે, શ્રી જામનગર મોઢ વણિક જ્ઞાતીના નેજા હેઠળ બનેલા ટ્રસ્ટ દ્વારા આ મંદિરનું સંચાલન થાય છે, ભકતો શિવને રીઝવવા માટે રીતસરની આજીજી કરે છે લોકો ધોતી અને ઝભ્ભો પહેરીને ભગવાનની પુજા કરવા આવી પહોચે છે, આ મંદિરનો મહિમા અપરમપાર છે, આજે આપણે વાત કરીશું જામનગરના અલૌકીક એવા વૈજનાથ મંદિરની.


વૈજનાથના મંદિરમાં ૧૧૯ વર્ષથી રાજસ્થાનના એક કુટુંબમાં રહેતા પરિવારના લોકો પુજા કરે છે એટલુ જ નહીં દરરોજ સવારે ૪ વાગ્યાથી ૧૦૮ શિવલીંગ નવા બનાવે છે અને દરરોજ આ માટીના શિવલીંગ ઉપર અભિષેક કરવામાં આવે છે, દેવાધીદેવના નાદ સાથે આખો દિવસ શિવભકતો પુજા કરે છે.


શંભુ શરણ પડી માંગુ ઘડી રે ઘડી.. કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. જામનગરમાં સદા શિવ શંકરને ભજવા માટે લોકો શિવ મંદિરમાં ઉમટી પડે છે, શ્રાવણ માસમાં જયા જુઓ ત્યાં સરીતા સાગર છલોછલ પાણીથી છલકાતા હોય છે, ધરતી લીલોતરીથી જાણે લીલી ચુંદડી ઓઢી હોય એવી નવોઢાનું સ્વરૂપ ધારણ કર છે શ્રાવણ માસમાં પ્રભુના શરણે જોવા માટે ઓમ નમ: શિવાયના પંચાક્ષી મંત્રનો જાપ કરવાથી તમારૂ જીવન સદાય સાત્વીકતાથી ભરેલુ રહે છે. 


જામનગરમાં હવાઇચોક જઇએ તે પહેલા ૧૧૯ વર્ષ જુના આ વૈજનાથ મહાદેવના મંદિરમાં આવેલા વડલા અને પીપળાનું ખુબ જ મહત્વ છે, આ મંદિરમાં થતી આરતી ખુબ જ અનેરી છે અને તેનો લાભ લેવા દુર દુરથી શિવ ભકતો મંદિરે દોડી આવે છે, જેઓનું મૃત્યુ થાય તેમની પાછળ થતી ક્રિયા, દશા, અગીયારસ અને સરવણીની ક્રિયા માટે લોકો અહીયા આવે છે. વર્ષો જુનુ વડલો અને પીપળાનું ઝાડ હોય લોકો પાણી રેડવા માટે અમાસના દિવસે ઉમટી પડે છે.


વૈજનાથનું મંદિર રાજાશાહી વખતમાં બનાવવામાં આવ્યુ હતું રાજવી પરિવારે આ મંદિર બાંધવામાં ખુબ જ સહકાર આપ્યો હતો આ મંદિરમાં દરરોજ ભગવાન શિવના અનોખા દર્શન થાય છે, દિપમાળા, અન્નકુટ દર્શન, અમરનાથ દર્શન, તેમજ શિવના વિવિધ માસના દર્શન શ્રાવણ માસમાં થતા હોય લોકો અહીં દોડી આવે છે, જેમ ત્રિદલમ ત્રિગુણાકારમ, ત્રિનેત્રમ ત્રિયાજન્મ, ત્રિજન્મ પાપસંહારમ , એક બિલ્વપત્ર શિવાર્પણમ આ મંત્ર એટલા માટે બોલાય છે કે શિવપુરાણમાં બિલીના વૃક્ષમાં મુળમાં શિવનો વાસ છે અને ભગવાન શિવને સતત પાણીથી ભિંજાવુ ગમે છે એટલે તો શિવની જટામાં ભાગીરથી અને સદાસર્વદા ભિંજવતા રહે છે, શંભુના મંદિરોમાં મુકાતી જલધારા એટલે જ ગોઠવવામાં આવે છે આમ વૈજનાથ મંદિરનો જામનગરમાં અનેરો મહિમા છે.


છોટી કાશીમાં વૈજનાથ મંદિરમાં લોકો બિલ્વપત્ર, દુગ્ધાભિષેક, જલાભિષેક, શેરડીનો રસ, લઘુ‚દ્રયજ્ઞ સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે આ મંદિરની આરતી ખુબ જ અનેરી છે, ભકતોનો શિવનાદ ચારેકોર ગુંજી ઉઠે છે ખાસ કરીને રાજસ્થાનથી એક કુટુંબની વ્યકિત ૧૦૭ વર્ષથી જામનગર આવે છે પરંતુ આ વર્ષે તેઓ આવ્યા નથી અને આ મંદિરમાં ખુણામાં ભગવાન શિવના દરરોજ અનેરા રૂપના દર્શન કરાવે છે. હાલારમાં જેટલા શિવમંદિરો છે એટલા મંદિરો બીજે કયાંય નથી અને એટલે જ જામનગરને છોટીકાશીનું ઉપનામ આપવામાં આવ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application