આધાર કાર્ડ માટે હવે મહાપાલિકાની ટીમ ઘરે આવશે

  • May 27, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેટરની સત્તામાં કાપ, કોર્પોરેટરનો દાખલો હવે ફક્ત સરનામાં પૂરતો જ માન્ય, અન્ય સુધારા-ઉમેરા માટે ડોક્યુમેન્ટ પ્રુફ ફરજિયાતમહાનગરપાલિકામાં એપ્લિકેશન આપવાની રહેશે: હોમ વિઝીટ ચાર્જ પેટે રૂ.૭૦૦ વસુલાશે: નાગરિકોને નવી સુવિધા ઉપલબ્ધ થશે: અરજદારે કચેરીમાં આવવું નહીં પડે કે લાઇનમાં ઉભું રહેવું નહીં પડે, ટૂંક સમયમાં અમલ: ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકને નવું આધારકાર્ડ ઇસ્યુ કરવાનું હશે તો ફિઝિકલ વેરિફિકેશન માટે ટીમ ઘરે જશે




રાજકોટમાં આધાર કાર્ડ માટે હવે મહાપાલિકાની ટીમ ઘરે આવશે અને હોમ વિઝીટ પેટે રૂ.૭૦૦નો નિયત ચાર્જ વસૂલી તેની પહોંચ પણ આપશે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં એપ્લિકેશન આપવાની રહેશે. નાગરિકોને ટૂંક સમયમાં આ નવી સુવિધા ઉપલબ્ધ થશે. અરજદારોએ હવે કચેરીમાં આવવું નહીં પડે કે લાંબી લાઇનમાં ઉભું રહેવું પડશે નહીં.



વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ યુ.આઇ.ડી.આઇ.એ.(યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ના નવા નોટિફિકેશન અનુસાર હવેથી નવજાત શિશુઓ, સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગો, અશક્તો, પથારીવશ હોય તેવા દર્દીઓ વિગેરે માટે હવે આધારની ટીમ ઘરે જઇને કામગીરી કરી આપશે અલબત્ત આ માટે અગાઉથી એપ્લિકેશન કરવા સહિતની પ્રક્રિયા અનુસરવી પડશે તેમજ આ માટે રૂ.૭૦૦નો નિયત હોમ વિઝીટ ચાર્જ ચૂકવવાનો રહેશે અને અરજદારને તેની વસુલાતની પહોંચ પણ આપવામાં આવશે. તદઉપરાંત ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઇ પણ નાગરિકનું નવું આધારકાર્ડ ઇસ્યુ કરવાનું હોય તેવા કિસ્સામાં પણ ટીમ ફિઝિકલ વેરિફિકેશન માટે ઘરે આવશે.



સૂત્રોએ ઉમેર્યું હતું કે આધારકાર્ડની અરજી સાથે રજૂ કરાતા કોર્પોરેટરના દાખલા મામલે હવે કોર્પોરેટરની સત્તામાં પણ કાપ મુકવામાં આવ્યો છે. હાલ સુધી અનેક બાબતોમાં કોર્પોરેટરનો દાખલો માન્ય રહેતો હતો પરંતુ હવેથી કોર્પોરેટરનો દાખલો ફક્ત સરનામાના પુરાવા પૂરતો જ માન્ય રહેશે, જન્મ તારીખ સહિતના અન્ય તમામ સુધારા-ઉમેરા માટે ડોક્યુમેન્ટ પ્રુફ આપવા ફરજિયાત કરાયા છે. એકંદરે આધારકાર્ડની કામગીરીમાં અનેક રિફોર્મ્સ આવ્યા છે જેનો અમલ શરૂ કરાયો છે.




મહાપાલિકામાં સોમવારે આધારકાર્ડની તમામ કામગીરી સંપૂર્ણ પણે બંધ રહેશે

રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ઘણાં સમયથી આધાર કાર્ડની કિટની ઘટ હતી.હવે લાખો રૂપિયાના ખર્ચે નવી કીટ ખરીદવામાં આવી છે જેથી કુલ ૨૦ કીટ સેવામાં ઉપલબ્ધ છે. ફક્ત કીટની સંખ્યા વધવાથી પણ પ્રશ્ન સોલ્વ થતો નથી તે માટે કીટ ઓપરેટર્સને પણ ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવાની રહે છે આ ટ્રેનિંગ આપવાના હેતુથી તા.૨૯ને સોમવારે એક દિવસ માટે મહાપાલિકાના આધાર કેન્દ્રોમાં આધાર કાર્ડને લગતી તમામ કામગીરી બંધ રહેશે. તા.૩૦ને મંગળવારથી રાબેતા મુજબ કામગીરી શરૂ થશે.



સેન્ટ્રલ ઝોન ઓફિસમાં આધાર કેન્દ્રનું રિનોવેશન પૂર્ણ થતાં ત્રણ મહિના થશે

રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના

આધારકાર્ડ કેન્દ્રને આધુનિક અને સુવિધાયુક્ત બનાવવા લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કામગીરી ચાલી રહી છે જે પૂર્ણ થતા અંદાજે ત્રણ મહિના થશે.નવા રીનોવેટેડ આધારકાર્ડ કેન્દ્રમાં વિશાળ બેઠક વ્યવસ્થા નિર્માણ કરાશે જેથી અરજદારોએ લાઇનમાં ઉભા રહેવું પડશે નહીં.




મહાનગરપાલિકાના ત્રણેય ઝોનમાં રોજ આધાર કાર્ડની કુલ ૩૦૦થી વધુ અરજી

રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનની ઓફિસમાં દરરોજ આધાર માટે અંદાજે ૩૦૦થી વધુ અરજી આવે છે તેમાં મોટાભાગની સુધારા અરજી અથવા તો મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડીનો ઉમેરો કરવાની અરજી હોય છે. નવા આધાર માટે નવજાત બાળકોના પેરેન્ટ્સની અરજી આવે છે. બુધવારે કારખાનાઓમાં રજા હોય મજૂર વર્ગનો ટ્રાફિક વધુ રહે છે.




બેન્કો અને પોસ્ટ ઓફિસમાં પણ આધાર કેન્દ્રો છતાં મહાપાલિકામાં જ વધુ ટ્રાફિક

રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત શહેરમાં કાર્યરત વિવિધ બેન્કો તેમજ પોસ્ટ ઓફિસમાં પણ આધારકાર્ડ કેન્દ્રો કાર્યરત છે તેમ છતાં મહાપાલિકામાં જ વધુ ધસારો રહે છે. ખાસ કરીને સુધારાના કિસ્સામાં કોર્પોરેટરના લેટરપેડ ઉપર તેમના સહી સિક્કા સાથેનો દાખલો માન્ય રહેતો હોય અને મહાપાલિકામાં કોર્પોરેટર ઉપલબ્ધ રહેતા હોવાના કારણે વધુ ટ્રાફિક રહે છે.




૧૦ વર્ષ જુના આધારકાર્ડ અપડેટ કરવા ફરજિયાત: નવા નિયમના કારણે ધસારો

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા-નવી દિલ્હીએ જાહેર કરેલી નવી ગાઇડલાઇન અનુસાર ૧૦ વર્ષ કે તેથી વધુ જુના હોય તેવા આધારકાર્ડ અપડેટ કરાવવા ફરજિયાત છે. આ નિયમને કારણે પણ રાજકોટ મહાપાલિકાના આધાર કાર્ડ કેન્દ્રોમાં ધસારો વધ્યો છે. આશ્ચર્યજનક રીતે અમુક આજુબાજુના ગામો-શહેરોના રહીશો પણ સુધારા-ઉમેરા કરાવવા મહાપાલિકામાં આવે છે!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application