↵જામનગરમાં ભૂગર્ભ ગટરનું પાણી દરિયામાં છોડવા સબબ મહાનગરપાલીકાને નોટીસ
જીપીસીબી દ્વારા કાર્યવાહી, એસટીપી પ્લાન્ટની ૭૦ એમએલડીની ક્ષમતા સામે વધુ ગંદુ પાણી આવતા સમસ્યા
૨ થી ૧૦ એમએલડી ગંદા પાણીનો ટ્રીટમેન્ટ વગર નિકાલ કરવામાં આવતો હોવાનું તપાસમાં ખૂલ્યું
જામનગરમાં ભૂગર્ભ ગટરનું પાણી દરિયામાં છોડવા સબબ જીપીસીબીએ મહાનગરપાલીકાને નોટીસ ફટકારી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની તપાસમાં ૨ થી ૧૦ એમએલડી ગંદા પાણીનો ટ્રીટમેન્ટ વગર નિકાલ કરવામાં આવતો હોવાનું ખૂલતા જીપીસીબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. નવાઇની વાત એ છે કે,મનપાના એસટીપી પ્લાન્ટની ક્ષમતા ૭૦ એમએલડી હોય તેની સામે ભૂગર્ભ ગટરનું વધુ ગંદુ પાણી આવતા આ સમસ્યા ઉદભવી રહી છે.
જામનગર મહાનગરપાલીકા દ્વારા નવાગામ ઘેડ વિસ્તારમાં રૂ.૯૦ કરોડના ખર્ચે એસટીપી એટલે કે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવામાં આવ્યો છે. જેમાં શહેરની ભૂગર્ભ ગટરમાંથી આવતું ગંદુ પાણી શુઘ્ધ થાય છે. આ પ્લાન્ટનું સંચાલન ખાનગી કંપની એન્ડલોન કરી રહી છે. પરંતુ છાશવારે ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો નિકાલ ટ્રીટમેન્ટ વગર એટલે કે વૈજ્ઞાનિક ઢબે કરવાને બદલે સીધું દરિયામાં ઠાલવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠે છે. ત્યારે આ પ્રકારની બેદરકારી પાછળ મનપાના અધિકારીઓની કે ખાનગી કંપનીની કાર્યપ્રણાલી કારણભૂત છે તે તપાસની સાથે સળગતો સવાલ છે. દોઢેક મહીના પૂર્વે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એસટીપી પ્લાન્ટનું સમયાતંરે કરવામાં આવે છે તે પ્રકારે ચેકીંગ કરવામાં આવ્યુું હતું.
જીપીસીબીના ચેકીંગ દરમ્યાન મનપાના એસટીપી પ્લાન્ટમાં ભૂગર્ભ ગટરનું પાણી ટ્રીટમેન્ટ વગર સીધું દરિયામાં ઠાલવવામાં આવતું હોવાનું ખૂલ્યું હતું. આથી જીપીસીબી દ્વારા આ મુદે મહાનગરપાલીકાને નોટીસ ફટકારવામાં આવી હતી. જેનો જવાબ મહાનગરપાલીકાની ભૂગર્ભ ગટર શાખાએ જીપીસીબીને કરી દીધો છે. અત્રે નોંધનીય છે કે, મહાનગરપાલીકા દ્વારા જે એસટીપી પ્લાન્ટ બનાવામાં આવ્યો છે તેની ક્ષમતા ૭૦ એમએલડી ગટરનું ગંદુ પાણી શુઘ્ધ કરવાની છે. પરંતુ વર્ષ દરમ્યાન અમુક દીવસે ખાસ કરીને ચોમાસામાં એસટીપી પ્લાન્ટમાં ૭૦ એમએલડીના બદલે ૨ થી ૧૦ એમએલડી વધુ ગંદુ પાણી આવે છે. પરંતુ પ્લાન્ટની ક્ષમતા ૭૦ એમએલડી જ હોય મનપા પાસે વધુ આવેલું ગંદુ પાણી શુઘ્ધ કરવાની અન્ય કોઇ વૈકલ્પીક વ્યવસ્થા ન હોય આ વધારાનું ગંદુ પાણી દરિયામાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે દરિયાઇ જીવસૃષ્ટી પર ખતરો ઉભો થયો છે. ત્યારે આ સમસ્યાનું તાકીદે નિરાકરણ કરવું જરી બન્યું છે.