BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા:શિવરાજપુર બીચ પર ન્હાવું છે, તો હમણા આવતા નહીં   

  • June 02, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા:શિવરાજપુર બીચ પર ન્હાવું છે, તો હમણા આવતા નહીં   

૩૦ જુલાઇ સુધી તંત્ર દ્વારા પ્રતિબંધ: વેકેશનના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો: લોકો નિરાશ થયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વવિખ્યાત અને બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર પ્રાપ્ત શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓ તથા સ્થાનિક નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દરિયાઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી બીચ વિસ્તારમાં નહાવા તથા સ્વીમીંગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જાહેરનામા મુજબ લાઈટ હાઉસના સર્વે નં. ૫૮ થી લઈને શિવરાજપુર ખાડીના અંતિમ છેડા સુધીના સમગ્ર બીચ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને દરિયામાં ઉતરી નહાવા, તરવા કે સ્વીમીંગ કરવાની મંજૂરી રહેશે નહીં. આ પ્રતિબંધ પ્રવાસીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ બંને માટે સમાન રીતે લાગુ પડશે.  વેકેશનના કારણે શિવરાજપુર બીચ પર ટ્રાફીક હાલમાં ફૂલ પ્રમાણમાં છે ત્યારે તંત્ર દ્વારા ૩૦ જુલાઇ સુધી બીચની જાળવણીના હેતુસર ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવતા સહેલાણીઓમાં નિરાશા વ્યાપી છે. 

તંત્રના જણાવ્યા અનુસાર દર વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન અરબી સમુદ્રમાં દરિયાઈ મોજાં વધુ તોફાની બનતા હોય છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં કરંટનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે વધી જતું હોવાથી દરિયામાં ઉતરવું જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને બહારના વિસ્તારો માંથી આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓ દરિયાની વાસ્તવિક સ્થિતિથી અજાણ હોવાના કારણે દરિયામાં નહાવા જતા હોય છે, જેના કારણે ડૂબી જવાના અને જાનહાનિના બનાવો બનવાની શક્યતા રહે છે.

પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ કોઈ અનિચ્છનીય અકસ્માત ન સર્જાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ પ્રતિબંધાત્મક પગલું લેવામાં આવ્યું છે. જાહેરનામું તા. ૩૦ જુલાઈ, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

જિલ્લા વહીવટી તંત્રએ તમામ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને જાહેરનામાનું કડક પાલન કરવા અપીલ કરી છે. સાથે જ ચોમાસા દરમિયાન દરિયાકિનારે ફરવા આવતા લોકોએ સુરક્ષા સૂચનાઓનું પાલન કરીને પોતાના અને પરિવાર જનોના જીવનની સલામતી જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સંબંધિત જોગવાઈઓ મુજબ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application