જામ્યુકોનાં નવા મેયર, ડે.મેયરની વરણી તા.૨૬ના રોજ
મ્યુ.કમિશનર દીપેશ કેડીયા સામાન્ય સભા બોલાવવા બહાર પાડેલો એજન્ડા: મંગળવાર બપોરે ૧૨ વાગ્યે નામની જાહેરાત થશે: ચેરમેનના નામની જાહેરાત કરાશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી જાહેર થયાને ત્રણ અઠવાડિયા થઇ ગયા છે ત્યારે સરકારની સુચના મુજબ આગામી તા.૨૬ના રોજ મંગળવાર બપોરે ૧૨ વાગ્યે આ ટર્મની પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવશે મ્યુ.કમિશનર દિપેશ કેડીયા આ સામાન્ય સભા બોલાવશે. આ અંગેની જાણ તમામ નગરસેવકોને કરવામાં આવી છે.
જામનગરમાં મ્યુ. કમિશનર પણ નવા આવ્યા છે, તેઓ પ્રથમ બોર્ડ બોલાવવાનાં છે જેમાં મેયર, ડે.મેયર અને સ્થાયી સમિતિના ૧૨ સભ્યોની ચુંટણી થશે જે અગાઉથી પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા જે નામો જાહેર કરવામાં આવ્યા છે તે ખોલવામાં આવશે વિરોધપક્ષના બે નગરસેવકો જેલમાં છે માત્ર બે મહિલા નગરસેવકો રહેશે.
જામનગરનાં મેયર પદે કોણ આવે છે તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે, ડે.મેયર અને ચેરમેન પદના નામ માટે ત્રણ ત્રણ નામોની પેનલ પાર્લામેન્ટ્રી બોર્ડમાં નકકી થયા મુજબ દિલ્હી ખાતે મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ત્યારે નવા પાંચ પદાધિકારી કોણ હશે તે અંગે હજુ પણ અસંમજસની સ્થિતિ જોવા મળે છે. શહેરમાં ખાસ કરીને મેયર અને ચેરમેન કોણ થાશે તે અંગે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે આ બન્ને મહત્વના નામ અંગે કેટલાક નામોની ચર્ચા પણ થઇ રહી છે જો કે મુદત લંબાતા હાલમાં થોડી ચર્ચાઓ ઢીલી પડી છે તા. ૨૬ના રોજ ત્રણ અઠવાડિયા બાદ પ્રથમ વખત નવા કમિશનર બોર્ડ બોલાવશે. અને બોર્ડ પુરુ થયા બાદ સ્ટે.કમીટીના ચેરમેનની પણ વરણી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
ગઇકાલે મ્યુ.કમિશનરે સામાન્ય સભાનો એજન્ડા બહાર પાડી દીધો છે ત્યારે હવે કોના ગળામાં મેયર અને ડે.મેયરની વરમાળા આવશે તે અંગે ચહલ-પહલ શ થઇ છે. છેક સુધી પોતાનું નામ આવે તે માટે કેટલાક નગરસેવકો છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે તા. ૨૬ના રોજ સવારે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ પ્રદેશ ભાજપમાંથી પાંચેય પદાધિકારીઓના નામનું બંધ કવર આવશે અને ત્યારબાદ જેમની નિમણુંક કરવાની હશે તેઓને ફોન દ્વારા જાણ કરી દેવામાં આવશે. જો કે કઇ જ્ઞાતિના મહિલા મેયર થશે તે અંગે હજુ સ્પષ્ટ થયુ નથી, મેયર નકકી થાય પછી ચેરમેનનું નામ એ પ્રમાણે નકકી થવાનું હોય હજુ આ અંગે સસ્પેન્સ યથાવત છે. કદાચ એવુ પણ બને કે પાંચ પદાધિકારીઓમાં એકાદ બે નામ નવા પણ આવી શકે. તેવી ચર્ચા થઇ રહી છે.