સાંઢીયા પુલની નવી ડિઝાઇન મંજુર; હવે ટૂંક સમયમાં ટેન્ડર

  • May 10, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પુલ થોડો બાઠીયો બનશે, હવે આકાર સાંઢીયા જેવો નહીં લાગે, લંબાઇ થોડી વધશે

મહાનગરપાલિકાએ નવા બ્રિજનું રૂ.૬૦ કરોડનું એસ્ટીમેટ તૈયાર કર્યું, રેલવેને તેના હિસ્સાના રૂ.૬.૮૪ કરોડ ચૂકવવા વધુ એક પત્ર પાઠવ્યો: જો પૈસા ચૂકવવા રેલવે સહમત થઈ જાય તો ચાલુ માસના અંત સુધીમાં ટેન્ડર પ્રસિધ્ધ થઇ જશે



રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૨ અને ૩ની સરહદને વિભાજિત કરતા જામનગર રોડ ઉપરના સાંઢીયા પુલની નવી ડિઝાઇનને અંતે રેલવેએ લીલીઝંડી આપી દીધી છે. હવે નવા બ્રિજનું રૂ.૬૦ કરોડનું એસ્ટીમેટ તૈયાર કરાયું છે જેમાં રેલવેને તેના હિસ્સાના રૂ.૬.૮૪ કરોડ ચૂકવવા ગઈકાલે વધુ એક પત્ર પાઠવ્યો છે. જો રેલવે પૈસા ચૂકવવા રેલવે સહમત થઈ જાય તો ચાલુ માસના અંત સુધીમાં ટેન્ડર પ્રસિધ્ધ થઇ જશે તેમ મ્યુનિ.ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું.



રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ ઉપરનો સાંઢીયા પુલ નવો બનાવવા તૈયાર કરાયેલી ડિઝાઇનમાં ફેરફાર કરવા રેલવેએ મહાપાલિકાને આદેશ કર્યો હતો ત્યારબાદ રાજકોટ રેલવે ડિવિઝનના ડી.આર.એમ. અનિલકુમાર જૈન સહિતના રેલવે અધિકારીઓ અને ઇજનેરોને મહાનગરપાલિકા કચેરીમાં બોલાવી કમિશનર બ્રાન્ચના કોન્ફરન્સ રૂમમાં મેયર ડો.પ્રદીપભાઇ ડવ અને સાંસદ મોહનભાઇ કુંડારિયાના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઇ હતી ત્યારબાદ નવી ડિઝાઇન તૈયાર કરી રેલવેને મોકલવામાં આવી હતી.



મહાપાલિકાના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે જામનગર રોડ પર સાંઢિયા પુલ આશરે ૧૯૭૮માં બનેલ છે. આ પુલ ઘણા વર્ષ જુનો છે. જેથી આ પુલ નવો બનાવવા માટે ૧૬.૪૦ મીટરનો ફોરલેન કરવા માટે જરૂરી ડીઝાઈન તૈયાર કરવામાં આવેલ છે. ફોરલેન બનાવવા માટે રેલ્વે વિભાગ હેઠળ આવતા રેલ્વે સ્પાન અંગે રેલ્વેના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જરૂરી ચર્ચા બાદ ડ્રોઈંગમાં જરૂરી સુધારા વધારા કરવાના થતા હતા. જે સુધારા વધારા કરી રેલ્વે વિભાગને ડ્રોઈંગ આપવાનું તેમજ રેલ્વે વિભાગ દ્વારા પણ વહેલાસર વિભાગની મંજુરી મેળવવા કાર્યવાહી કરાઈ હતી. દરમિયાન રેલવેએ સૂચવેલા સુધારા વધારા મુજબની નવી ડિઝાઇન મોકલવામાં આવી હતી તે તાજેતરમાં મંજુર થઈ ગઈ છે. ડિઝાઇન મંજુર થઈ જતા હવે રૂ.૬૦ કરોડનું એસ્ટીમેટ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં રેલવેને તેના હિસ્સાના રૂ.૬.૮૪ કરોડ ચૂકવવા પત્ર પાઠવ્યો છે અને તેના પ્રત્યુત્તરની રાહ છે, જો રેલવે તેના હિસ્સાની રકમનું પેમેન્ટ કરવા સહમત થઈ જાય અને બધું સમુ સુતરું પાર પડે તો ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિદ્ધ થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application