ડિજિટલ ભણતરમાં વધારો : રાજકોટ જિલ્લામાં નવા 81 કમ્પ્યૂટર લિટરસી સેન્ટર, 85 જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ થશે પ્રારંભ

  • June 10, 2023 08:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિક્ષણ એ માનવના વ્યક્તિત્વનો પાયો છે, તો શિક્ષણ વ્યવસ્થા સુશિક્ષિત સમાજનો પાયો છે. રાજ્યમાં પ્રત્યેક બાળક અને બાલિકાને અક્ષરજ્ઞાન મળે અને તેઓ શિક્ષિત બને તેવા ઉમદા લક્ષ્યાંક સાથે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ વર્ષ ૨૦૦૩માં શરૂ કરાવ્યો હતો.




રાજકોટ જિલ્લામાં પ્રવેશોત્સવના કારણે છાત્રોનું નામાંકન વધ્યું છે, શાળાઓની સંખ્યાઓ વધી છે, ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે અને વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવતા ડિજિટલ એજ્યુકેશનમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આ જ કારણ છે કે, ચાલુ વર્ષ ૨૦૨૩માં શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજકોટ જિલ્લામાં નવા ૮૧ કમ્પ્યુટર લિટરસી સેન્ટર તથા ૮૫ જ્ઞાનકુંજ સ્માર્ટક્લાસ શરૂ થવા જઈ રહ્યા છે.




જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાના જણાવ્યા પ્રમાણે, પ્રવેશોત્સવના કારણે બાળકોના શાળાકીય શિક્ષણ માટે એક પ્રોત્સાહક માહોલ ઊભો થયેલો જોવા મળે છે. છાત્રોનું ૧૦૦ ટકા કરતાં વધુ નામાંકન થઈ રહ્યું છે. આ સાથે શાળાઓની સંખ્યા પણ વધી રહી છે. એક સમય હતો કે, સમાજમાં ક્યારેય શાળાએ ન ગયા હોય તેવા અશિક્ષિત લોકો જોવા મળતા હતા. પરંતુ આજે ૨૦ વર્ષનો એવો ભાગ્યે જ કોઈ યુવાન હશે કે અક્ષરજ્ઞાન નહીં પામ્યો હતો. શાળાએ ન ગયો હોય તેવો યુવાન આજે શોધવો અતિ મુશ્કેલ છે.




સમયની સાથે ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે અને તેનો શિક્ષણમાં પણ ઉપયોગ થવા લાગ્યો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આજે રાજકોટ જિલ્લામાં ૭૩૦ જ્ઞાનકુંજ-સ્માર્ટ ક્લાસ બનાવાયા છે. જેમાં ચાલુ વર્ષે ૮૫ સ્માર્ટ-ક્લાસનો વધારો થશે. આમ જિલ્લામાં કુલ ૮૧૫ સ્માર્ટક્લાસ કાર્યરત થશે. ઉપરાંત આ વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન મહાનુભાવોના હસ્તે ૮૧ કમ્પ્યુટર લિટરસી સેન્ટરનો પણ પ્રારંભ થવાનો છે. નોંધનીય છે કે, જિલ્લામાં હાલ ૫૬ શાળાઓમાં ઈન્ફર્મેશન કમ્યુનિકેશન ટેક્નોલોજી લેબ (આઈ.સી.ટી.) કાર્યરત છે.




આ અંગે સર્વ શિક્ષા અભિયાનના એમ.આઈ.એસ. કોર્ડિનેટર બીનાબહેન ભરાડના જણાવ્યા પ્રમાણે, ચાલુ વર્ષે જિલ્લામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત નવા ૮૫ સ્માર્ટક્લાસ શરૂ થવાના છે, તેમાં ધોરાજી તાલુકામાં ૩, ગોંડલમાં ૧૮, જામકંડોરણા ૪, જસદણ ૧૨, જેતપુર ૧૧, લોધિકા ૩, પડધરી ૪, રાજકોટ ૧૦, ઉપલેટા પાંચ તથા વિંછિયા તાલુકામાં સૌથી વધુ ૧૫ સ્માર્ટક્લાસનો પ્રારંભ થનાર છે.




ઉપરાંત જિલ્લામાં જે નવા ૮૧ કમ્પ્યુટર લિટરસી સેન્ટર શરૂ થવાના છે, તેમાં ધોરાજી તાલુકામાં ૬, ગોંડલ પાંચ, જામકંડોરણા ૧૦, જસદણ ૭, જેતપુર ૬, કોટડાસાંગાણી ૭, લોધિકા ૧૦, પડધરી ૬, રાજકોટ ૮, ઉપલેટા ૯, વિંછિયા તાલુકાના ૭ સેન્ટરનો સમાવેશ થાય છે. આમ જિલ્લામાં ડિજિટલ લર્નિંગનો વ્યાપ વધવાનો છે, જેનો લાભ આંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ થવાનો છે.




આ ઉપરાંત શિક્ષણની ગુણવત્તાના માપન અને વૃદ્ધિ માટે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ અમલમાં છે. જેમાં રાજકોટ જિલ્લાની ૪૯૧ શાળાઓનો સમાવેશ કરાયેલો છે. જિલ્લામાં ધોરાજી તાલુકામાં ૩૫, ગોંડલ ૬૭, જામકંડોરણા ૧૮, જસદણ ૬૯, જેતપુર ૩૮, કોટડાસાંગાણી ૨૭, લોધિકા ૨૧, પડધરી ૨૯, રાજકોટ ૮૬, ઉપલેટા ૪૩, વિંછિયા તાલુકાની ૫૮ સ્કૂલનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, સ્કૂલ ઓફ એક્સેલન્સમાં ત્રણ મુદ્દાનો કાર્યક્રમ અમલી છેઃ

(૧) બાળકોને મૂળભૂત અક્ષરજ્ઞાન-આંકડાજ્ઞાન

(૨) શાળાની ભૌતિક સુવિધા સુધારવી-વધારવી

(૩) શાળાના શિક્ષણની ગુણવત્તાનું ગ્રેડિંગ-મૂલ્યાંકન કરવું – આ ત્રણ મુદ્દાથી શાળાશિક્ષણની ગુણવત્તા માપવામાં આવે છે.



જ્યારે જ્ઞાનકુંજ સ્માર્ટક્લાસ પ્રોજેક્ટ એ સ્કૂલ ડિજિટાઇઝેશન કાર્યક્રમ છે. જે અંતર્ગત સ્કૂલમાં પ્રોજેક્ટર, ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ બોર્ડ, વાઈફાઈ, રાઉટરની મદદથી  ઇન્ટરએક્ટિવ પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આ સાથે શીખવાની, શીખવવાની પ્રક્રિયા અને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓને ઇ-કન્ટેન્ટ જેવી કે, ઈમેજ, વીડિયો, એનીમેશન, વર્ચ્યુઅલ લેબ વગેરેના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે. ઉપરાંત છાત્રોને જી-શાલા, દીક્ષા પોર્ટલ દ્વારા પાઠ્યપુસ્તક ઉપરાંત પૂરક શિક્ષણ આપવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application