ગોંડલના માંડણકુંડલા ગામે પરિવાર પર પાડોશીનો હુમલો, ટીવી, વાહનમાં તોડફોડ

  • December 06, 2023 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના માંડણ કુંડલા ગામે રહેતા પરિવારના ઘરમાં ઘૂસી પાડોશીએ હુમલો કર્યો હતો અને ટી.વી તથા બહાર પડેલી ઇકો કારમાં તોડફોડ કરી હતી.આ હુમલામાં પરિવારના ત્રણ સભ્યોને ઇજા પહોંચી હતી. સામાપક્ષે પણ એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ અંગે સામસામી ફરિયાદના આધારે સુલતાનપુર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે રહેતા અસ્મિતાબેન અશોકભાઈ કોચરા(ઉ.વ ૪૫) દ્વારા સુલતાનપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના પાડોશમાં જ રહેતા આશિષ પ્રવીણભાઈ કોચરા, જલ્પા આશિષભાઈ કોચરા, રમેશ અમરાભાઇ કોચરા અને દિવ્યા રમેશભાઈ કોચરાના નામ આપ્યા છે.
અસ્મિતાબેન ને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના તે તથા તેમના ૧૭ વર્ષનો પુત્ર સુજલ ઘરે હતા ત્યારે તેમના પતિ તથા તેમની ત્રણેય દીકરીઓ જે ભુણાવા ગામ પાસે આવેલી પાન એગ્રી કંપનીમાં મજૂરી કામે જતા હોય ત્યાંથી નોકરી પૂરી કરી ઘરે આવતા હતા ત્યારે તેમની ત્રણે દીકરીઓ અહીં શેરીમાં ઉભી હોય તે સમયે પાડોશમાં રહેતા આશિષ કોચરાએ તેમને બેફામ ગાળો આપી હતી. દરમિયાન આશિષની પત્ની જલ્પાએ અહીં આવી ફરિયાદીની દીકરીઓ સાથે જપાજપી કરવા લાગી હતી. દરમિયાન આશિષે ઘરમાં ઘૂસી ફરિયાદીના પતિ અશોકભાઈ સાથે જપાજપી કરી હતી અને ઘરમાં રહેલ ટીવી તોડી નાખ્યું હતું. આ સમયે આશિષના કાકા રમેશ કોચરાએ પણ અહીં આવી ફરિયાદીના પતિ અશોકભાઈને માર મારવા લાગ્યા હતા અને લાકડાનો બટકુ લઇ ફરિયાદીના પુત્ર સુજલને માર્યું હતું આ સમયે ફરિયાદીની પુત્રી મનીષાને પણ લાકડાના બટકા વડે મારમાર્યો હતો. બાદમાં અહીં ફરિયાદીના કુટુંબીજનો આવી જતા તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. થોડીવાર બાદ આશિષ તથા તેના કાકા રમેશ છરી લઈ અહીં ધસી આવ્યા હતા જેથી ફરિયાદી અસ્મિતાબેન વચ્ચે પડતા તેમને હાથનાભાગે છરકો થઈ ગયો હતો. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા હતા તે સમયે આશિષે અહીં ફળિયામાં પડેલી ઇકો ગાડીના કાચ તોડી નાખ્યા હતા.



આ મારામારીમાં ફરિયાદી અસ્મિતાબેન તથા તેમના પુત્ર સુજલ અને તેમની પુત્રી મનીષાને ઈજા પહોંચી હતી.અસ્મિતાબેન એ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેમની ત્રણેય દીકરીઓ ભુણવા પાસે એગ્રી કંપનીમાં મજૂરી કામે જતી હોય જ્યાં દિવ્યા તથા જલ્પા સાથે બોલાચાલી થઈ હોય જે બાબતનો ખાર રાખી આ હુમલો કર્યો હતો.


સામાપક્ષે જલ્પાબેન આશિષભાઈ કોચરા (ઉ.વ ૨૩) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનીષા અશોકભાઈ કોચરા,માનસી અશોકભાઈ કોચરા, દીયુ અશોકભાઈ કોચરા, અશોક કોચરા અને અસ્મિતા કોચરાના નામ આપ્યા છે. જલ્પાબેનને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના તે તથા તેના કાકી દિવ્યાબેન ભુણાવા ગામે એગ્રી કંપનીમાં મજૂરી કામ કરી ઘરે જતા હતા ત્યારે તેમની શેરીમાં રહેતા અશોક કોચરાના ઘર પાસે પહોંચતા અશોકભાઈની ત્રણે દીકરીઓએ તેમની સાથે જપાજપી કરી હતી. દરમિયાન અશોક કોચરા દાતરડું મારવા દોડતા ફરિયાદીના કાકાજી સસરા રમેશ કોચરા વચ્ચે પડતા તેમને હાથમાં દાતરડું લાગી ગયું હતું. બાદમાં અશોકે ઈંટોના ઘા કર્યા હતા. આ હુમલામાં ફરિયાદીના કાકાજી સસરા રમેશભાઈ કોચરાને હાથમાં ઇજા પહોંચી હતી જે અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application