જામનગર: ધ્રોલની જી.એમ.પટેલ હાઇસ્કુલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ' યોજાયો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતા વધારવા અને ખેડૂતોની સમૃદ્ધિ માટે એકમાત્ર વિકલ્પ
રાસાયણિક ખાતરો અને જંતુનાશકો ધીમા ઝેર સમાન, કેન્સર-ડાયાબિટીસ જેવા જીવલેણ રોગોથી બચવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી અનિવાર્ય
રાસાયણિક ખાતરોના અતિરેકથી આપણે જમીનના મિત્ર કીટકોનો નાશ કર્યો, જેને પરિણામે જમીને પોતાની મૂળ ઉપજાવ શક્તિ ગુમાવી દીધી
પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ જિલ્લાના શ્રેષ્ઠ ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે બહુમાન કરાયું
જામનગર તા.૧૩ જુલાઈ, ધ્રોલ ખાતે જી.એમ.પટેલ હાઇસ્કુલમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ભવ્ય 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂત સમુદાયને સંબોધિત કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, જે નાગરિકે ગાય પાળી છે, તેમણે જાણે ભગવાનના ઘરના દ્વાર ખોલ્યા સમાન છે. ગૌમાતા આપણને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે અને તેના છાણ તથા મૂત્ર ભૂમિને જીવંત રાખે છે. જે ઈશ્વરની આપણે પૂજા કરીએ છીએ તેઓ પણ ગાયો ચરાવતા અને પાળતા હતા, પરંતુ આજે આપણે ગાયને પાળવાનું બંધ કરતાં તે શેરીઓમાં ભટકવા મજબૂર બની છે. જે ખેડૂતને ત્યાં દેશી ગાય નથી, તે ખેડૂત અધૂરો અને અપૂર્ણ છે. રાજ્યપાલે જીવામૃત, બીજામૃત અને આચ્છાદનના પ્રયોગો થકી જમીનની ફળદ્રુપતા કેવી રીતે વધારી શકાય અને ખેડૂત પોતાની આવકમાં કેવી રીતે ધરખમ વધારો કરી શકે તેની વિસ્તૃત વૈજ્ઞાનિક સમજ પૂરી પાડી હતી.
રાજ્યપાલે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પ્રાકૃતિક કૃષિના માધ્યમથી ખેડૂતો માટે સમૃદ્ધિનો નવો રાજમાર્ગ ખુલે તે માટે સતત ગતિશીલ અને પ્રયત્નશીલ છે.
પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પાણી, હવા અને જમીન સ્વચ્છ રહે છે તથા આપણી ધરતીમાતા ઝેર મુક્ત બની વધુ ફળદ્રુપ બને છે. વિવિધ સંશોધનો અને વૈજ્ઞાનિક અભ્યાસોના પુરાવાઓ ટાંકીને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં બિલકુલ ઘટાડો થતો નથી. ધરતી એ તમામ જરૂરી પોષક તત્વોનો ભંડાર છે, જ્યાં અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ જેવા મિત્ર કીટો જમીન માટે રસોઈયાનું કામ કરે છે. પરંતુ, રાસાયણિક ખાતરોના આડેધડ વપરાશથી આપણે આ મિત્ર કીટકોનો નાશ કર્યો છે, જેને પરિણામે જમીને પોતાની મૂળ ઉપજાવ શક્તિ ગુમાવી દીધી છે.
વધુમાં, ચિંતા વ્યક્ત કરતા રાજ્યપાલે જણાવ્યું કે, યુરિયા અને ડી.એ.પી. સહિતના રાસાયણિક ખાતરોની આયાત પાછળ દેશનું કરોડો રૂપિયાનું ભંડોળ વિદેશોમાં જાય છે. આવા ખાતરો અને જંતુનાશક દવાઓ થકી પાકેલું અન્ન ધીમા ઝેર સમાન છે, જે માનવ શરીરના અંગોને ગંભીર નુકસાન પહોંચાડે છે. છેલ્લા ૩૦-૪૦ વર્ષોમાં કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગોનો વ્યાપ ચિંતાજનક રીતે વધ્યો છે. જો આ જ સ્થિતિ ચાલુ રહેશે તો આગામી સમયમાં દર પાંચમી વ્યક્તિ કેન્સરથી પીડિત હશે. કાર્યક્રમ દરમિયાનરાજ્યપાલે વીડિયો ડૉક્યુમેન્ટરીના માધ્યમથી પુરાવાઓ સાથે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ સમજાવ્યા હતા.
આ અવસરે રાજ્યપાલે પરિસરમાં યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પેદાશોના પ્રદર્શન અને વેચાણ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈને ખેડૂતોના ઉત્સાહને બિરદાવ્યો હતો. આ સાથે જ જિલ્લાના વિવિધ તાલુકાઓના 'બેસ્ટ ફાર્મર' તરીકે પસંદ થયેલા પ્રગતિશીલ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુમરી ગામના ખેડૂત પેઢડીયા કિશોરભાઈ તથા લતીપર ગામના બળદેવભાઈ ખત્રાણીએ પોતાના પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગો અને અનુભવો મંચ પરથી રજૂ કરી ઉપસ્થિત સૌ ખેડૂતોને રસાયણમુક્ત ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ સ્વાગત પ્રવચન દ્વારા રાજ્યપાલ સહિતના તમામ મહાનુભાવો અને ખેડૂતોને આવકાર્યા હતા, જ્યારે સમગ્ર કાર્યક્રમની આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા દ્વારા કરવામાં આવી હતી.
આ પરિસંવાદમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ લીંબાસિયા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિમોહન સૈની, ધ્રોલ પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા સહિત સ્થાનિક રાજકીય-સામાજિક અગ્રણીઓ, આત્મા પ્રોજેક્ટની ટીમ, કૃષિ સખીઓ, માસ્ટર ટ્રેનર્સ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.