BREAKING NEWS

ખંભાળિયાના વેપારી આધેડની ઘાતકી હત્યા પ્રકરણનો આરોપી ઝડપાયો

  • July 04, 2026 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના વેપારી આધેડની ઘાતકી હત્યા પ્રકરણનો આરોપી ઝડપાયો

લૂંટનો લાખોનો મુદ્દામાલ કબજે : આરોપી પાસે ઘટનાનું રીક્નસ્ટ્રકશન કરાવાયું

ખંભાળિયા શહેરમાં ત્રણેક દિવસ પૂર્વે એક મુસ્લિમ વેપારી આધેડની બોથડ પદાર્થ તેમજ તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવને અનુલક્ષીને અહીંની પોલીસે તાકીદની કાર્યવાહી કરી, આ પ્રકરણમાં એક શખ્સની ધરપકડ કરી, રૂપિયા ૨૮ લાખના ઘરેણા સહિત કુલ રૂપિયા ૨૯.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં એક સગીર પણ સંડોવાયેલો હોવાનું ખુલવા પામ્યું હતું.

ખંભાળિયા શહેરમાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત એવી છે કે અહીંના હજામપાડા વિસ્તારમાં રહેતા અને શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા આસીફભાઈ ઓસમાણભાઈ લાખા નામના એક આધેડ કે જેને પોતાના શરીરમાં ખૂબ મોટી માત્રામાં સોનાના દાગીના પહેરવાનો શોખ હોય, આ યુવાનનો લોહી નીતરતી હાલતમાં ગત તા. ૨ ના રોજ ખંભાળિયા નજીક આવેલા વિરમદળ ગામ પાસેથી મળી આવ્યો હતો. આટલું જ નહીં, તેમણે પહેરેલા આશરે રૂપિયા ૨૪ લાખ ૫૦ હજારની કિંમતના સોનાના દાગીના પણ જોવા મળ્યા ન હતા.

આ ચકચારી પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના નાનાભાઈની ફરિયાદ પરથી લૂંટ તથા હત્યાનો ગુનો નોંધી, આરોપીઓને ઝડપી લેવા માટેની કાર્યવાહી કરી હતી. આ બનાવ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ડીવાયએસપી મીત રુદલાલ અને ખંભાળિયાના સી.આર. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસની જુદી જુદી ટીમ બનાવીને આ પ્રકરણના મુખ્ય આરોપી એવા હાજા ભારમલ આસાણી (રહે. રામનગર, તા. ખંભાળિયા)ની ધરપકડ કરી, આ મામલે અન્ય એક સગીર પણ સંડોવાયેલો હોવાનું ખુલવા પામ્યું હતું.

ઝડપાયેલા આરોપી હાજા ભારમલ આસાણી પાસેથી પોલીસે એક જાડો ગળા ડિઝાઇન વાળો પેન્ડલ સાથેનો ચેન, એક જાડો સાંકળની ડિઝાઇન વાળો પેન્ડલ સાથેનો ચેન, હાથમાં પહેરવાની પટ્ટાની ડિઝાઇન વાળી એક સોનાની લક્કી, હાથની આંગળીઓમાં પહેરવાની સોનાની કુલ છ વીંટી, એક સફેદ જેવા મોતી વાળા હાથમાં પહેરવાનો સોનાનો તાર વાળો બેરખો, એ પ્રકારના દાગીના કબજે કર્યા છે. જેનું કુલ વજન આશરે ૩૯૯.૧૨૦ ગ્રામ જેટલું થવા જાય છે. આ દાગીનાની કિંમત કુલ રૂપિયા ૨૮ લાખ જેટલી હોવાનું જાહેર થયું છે.

આટલું જ નહીં, આરોપી પાસેથી પોલીસે રૂપિયા ૧૭,૨૦૦ ની રોકડ રકમ તથા રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતના બે મોબાઈલ ફોન, રૂપિયા એક લાખની કિંમતની એક મારુતિ ઈક્કો મોટરકાર અને એક છરી પણ કબજે લીધી છે.

આમ, લૂંટ વિથ મર્ડરના ગુનામાં કુલ રૂપિયા ૨૯,૨૭,૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી હાજા આસાણીની અટકાયત કરી, રિમાન્ડ સહિતની તજવીજ હાથ ધરી હતી. સાથે અન્ય એક સગીરની પૂછપરછ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસની પૂછતાછમાં આરોપી તેમજ મૃતક આસીફભાઈ એકબીજાના પરિચિત હોય, જેથી પૂર્વયોજિત કાવતરું રચીને આસીફભાઈને અવાવરુ જગ્યાએ બોલાવવામાં આવ્યા હતા. જ્યાંથી ઈક્કો મોટરકારમાં બેસાડી અને તેમને વિરમદળ રોડથી વિંઝલપર ગામ તરફ જતા કાચા રસ્તે લઈ જવામાં આવ્યા હતા. અહીં અરજણસર તળાવ પાસેના અંતરિયાળ વિસ્તારમાં લઈ જઈને તેમનું બોથડ પદાર્થ તથા તીક્ષ્ણ હથિયાર વડે મૃત્યુ નિપજાવીને તેમણે પહેરેલા સોનાના દાગીના ઉતારીને તેને છુપાવી દઈ, બાદમાં લાશને બાવળની પાછળના ભાગે સંતાડીને નાસી છૂટ્યાનું જાહેર થયું છે. આ પ્રકરણમાં આગળની તપાસ ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. સી.આર. રાણા ચલાવી રહ્યા છે. દરમ્યાનમાં ગઇકાલે ઘટનાનું રીક્ધસ્ટ્રકશન કરવામાં આવ્યુ હતું.

આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. સી.આર. રાણા, પી.એસ.આઈ. જે.ટી. ચાવડા, એસ.ઓ. સાંધ એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા, હરપાલસિંહ જાડેજા, પ્રવીણભાઈ ગોજીયા, કનુભાઈ ચાવડા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, જેઠાભાઈ પરમાર, સામતભાઈ ગઢવી, કાનાભાઈ લુણા, ભુપેન્દ્રસિંહ જાડેજા અને અરજણભાઈ આંબલીયા દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application