મોદીનું નવ વર્ષનું શાસન બેમિસાલ: રૂપાણીએ રજૂ કર્યું સરવૈયું

  • June 02, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


'આજકાલ'ની મુલાકાતે વિજયભાઈ રૂપાણી:નરેન્દ્રભાઈનુ નવ વર્ષનું શાસન પીડીતો, વંચિતો, શોષિતો અને ગરીબો માટે કામ કરનારું રહ્યું




વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે 30 મે ના રોજ 9 વર્ષ પૂરા કર્યા છે. તે નિમિત્તે 'આજકાલ'ની શુભેચ્છા મુલાકાતે આવેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાટવા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીનું નવ વર્ષનું શાસન બેમિસાલ રહ્યું છે.






પોતાની આ વાતના સમર્થનમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 9 વર્ષમાં કરવામાં આવેલી કામગીરીના લેખાજોખા રજૂ કરતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છેલ્લા નવ વર્ષ દરમિયાન સમાજના ગરીબો,પછાતો, વંચિતો અને શોષિતો માટે આ સરકારે જે કામ કર્યું છે તેવું અને તેટલું કામ ભૂતકાળની કોઈ સરકારે અત્યાર સુધીમાં કર્યું નથી.






વિજયભાઈ રૂપાણી જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં પ્રજા કલ્યાણ માટેના એક રૂપિયામાંથી 85 પૈસા ખવાઈ જતા હતા એવી કબુલાત જે તે વખતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ જાહેરમાં કરી છે. જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ જનધન બેન્ક એકાઉન્ટ કરોડોની સંખ્યામાં ખોલાવ્યા છે અને સરકારની તમામ યોજનાના લાભ ાર્થીના બેન્ક એકાઉન્ટમાં સીધા જમા થઈ જાય અને વચેટીયાની પ્રથા ન રહે તેવું મહત્વનું કામ કર્યું છે.





સ્વચ્છ ભારત બાબતે બોલતા પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ યોજના અંતર્ગત સમગ્ર દેશમાં 12 કરોડ સૌચાલય બનાવવામાં આવ્યા છે. સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના દરેક પરિવારનું ઘરના ઘરનું સ્વપ્ન હોય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાડા ત્રણ કરોડ આવાસ બનાવીને આવા વર્ગના લોકોને આપ્યા છે.




વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના બાબતે બોલતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે રૂપિયા દસ લાખ સુધીની આરોગ્ય વિષયક સેવા આ યોજના અંતર્ગત સમાજના ગરીબ વર્ગના લોકોને મળી રહી છે. આ યોજનાનો લાભ કરોડો પરિવારો મેળવી રહ્યા છે.




કોરોનાના કપરા સમય ગાળામાં જ્યારે વિશ્વની મહાસત્તાઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ આ દેશની 225 કરોડની જનતાને વિનામૂલ્ય કોરોના વિરોધી રસીના ડોઝ આપ્યા છે. કોરોનાની રસી પણ ભારતમાં જ બનાવવામાં આવી હતી. એટલું જ નહીં જ્યારે કોરોનામાં ધંધા રોજગાર સહિતની તમામ પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી ત્યારે આ દેશનો એક પણ નાગરિક ભૂખ્યા પેટે ન સુવે તે માટે ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું.




રાષ્ટ્રહિત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની માહિતી આપતા વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણનું વચન પાળી બતાવ્યું છે. કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી છે. કોરોના પછીની પરિસ્થિતિ અને મંદીના માહોલમાં દુનિયાભરના અનેક દેશોનું અર્થતંત્ર હાલત ડોલક થઈ ગયું છે અનેક દેશ દેવાળિયા બની ગયા છે અને તેવા વિપરીત સંજોગોમાં પણ ભારત સાઈટ 7.2% નો જીડીપી ગ્રોથ હંસલ કરે તે નાની સુની વાત નથી. મુદ્રા યોજના દ્વારા 40 કરોડ લોકોને લોન અને આર્થિક સહાય આપીને દેશનું અર્થતંત્ર ગતિશીલ અને ચેતનવંતું બનાવી રાખ્યું છે.




વિજયભાઈ રૂપાણીની આજકાલની શુભેચ્છા મુલાકાત દરમિયાન ભાજપના પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ પણ સાથે રહ્યા હતા.



પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજકાલની તેમની મુલાકાત વખતે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના 9 વર્ષના શાસનથી ભારતની એક મજબૂત રાષ્ટ્ર તરીકેની વૈશ્વિક ઓળખ મળી છે. રશિયા યુક્રેન યુદ્ધ અને તાજેતરમાં વડાપ્રધાનની વિદેશ મુલાકાત દરમિયાન આ બાબત સૌ કોઈએ જોઈ છે. જી-20 ની બેઠક ભારતમાં યોજવાનું સૌભાગ્ય આપણને મળ્યું હતું એટલું જ નહીં કાશ્મીરમાં આ બેઠક યોજીને ત્યાંની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ, માનવ અધિકાર જેવી બાબતોએ ગેરમાર્ગે દોરનાર લોકોને નરેન્દ્રભાઈ મોદીએ જડબાતોડ જવાબ આપ્યો છે.




વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટોચના અગ્રતા ક્રમમાં દેશહિત અને રાષ્ટ્રીય સુરક્ષા છે. સર્જીકલ સ્ટ્રાઈકથી સૈન્યનું મનોબળ વધુ મજબૂત બન્યું છે. પાકિસ્તાનના ત્રાસવાદી કૃત્યોને જડબાતોડ જવાબ આપવા માટે બબ્બે વખત સર્જીકલ સ્ટ્રાઈક કરીને આ સરકારે દેશની સુરક્ષા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરી દીધી છે.




સંરક્ષણ ક્ષેત્રે આ સરકારે આત્મ નિર્ભરતા પ્રાપ્ત કરી છે. ટેકનોલોજીથી સૈન્યને વધુ સજ્જ કરવાના કામો થયા છે.વન રેન્ક વન પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તેનાથી સૈન્યનું મનોબળ પણ મજબૂત થયું છે.




2024 માં યોજનારી લોકસભાની ચૂંટણી બાબતે વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં ભાજપને વધુ વ્યાપક સમર્થન મળશે એ નિશ્ચિત છે. ભાજપનો કાર્યકર દેશભરમાં ઘરે ઘરે પહોંચીને સંપર્ક કરી રહ્યો છે અને સરકારની વિવિધ યોજનાઓ- ઉપલબ્ધિઓ બાબતે વાકેફ કરે છે.




પંજાબના પ્રભારી તરીકે તમારો અનુભવ કેવો રહ્યો તેવા સવાલના જવાબમાં વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે પંજાબ અને દિલ્હી બંનેમાં પડકાર છે. પરંતુ પડકારરૂપ પરિસ્થિતિમાં કામ કરવાની વધુ મજા આવે છે. મને ખાતરી છે કે 2024 ની લોકસભાની ચૂંટણીમાં આ બંને રાજ્યોમાં ભાજપ વધુ સારો દેખાવ કરશે. લોકો કમળને સ્વીકારી રહ્યા છે.




વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ થી સાંકળીને વધું સુવિધા આપવામાં આવી છે અને આપણે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યા છીએ. વિશાળ હાઇવે સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે. વંદે ભારત ટ્રેન, મેટ્રો સુવિધા, જળમાર્ગ મારફત માલ અને મુસાફરોનું પરિવહન ટ્રાન્સપોર્ટેશન જેવી અનેક કામગીરી થઈ છે. ઈ ગવર્નન્સ ડિજિટલ ઇન્ડિયા,ઈઝ ઓફ લિવિંગ, બેરોજગારીમાં ઘટાડો સહિત અનેક બાબતોમાં આ સરકારે અભૂતપૂર્વ કામગીરી કરી છે.



વિજયભાઈ રાજકોટમાં અનેક આગેવાનોને મળ્યા

વિજયભાઈ રૂપાણી રાજકોટની તેમની મુલાકાત દરમિયાન આર્ષ વિદ્યામંદિરના પરમાત્માનંદજી, સ્વામિનારાયણ સંપ્રદાયના અપૂર્વમુની મહારાજ, પ્રિન્ટ મીડિયાના તંત્રીઓ, માલિકો વગેરેને મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની 9 વર્ષની કામગીરીનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું.




આજકાલના એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણીને પુસ્તક આપ્યું




જુદા જુદા ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે છેલ્લા નવ વર્ષ દરમિયાન કરેલી કામગીરી અને મેળવેલી સિદ્ધિઓનું વર્ણન કરતું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. એ આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આજકાલના એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણીને અર્પણ કર્યું હતું.




પંજાબ અને દિલ્હી બંને પડકારો અમે ઝીલી લેશુ: રૂપાણી

દિલ્હીની લોકસભાની ત્રણ બેઠકના પ્રભારી તરીકે વિજયભાઈ રૂપાણીની થોડા સમય પહેલા જ નિમણૂક કરવામાં આવી છે. વિજયભાઈ અત્યારે પંજાબના પ્રભારી પણ છે. પંજાબ અને દિલ્હી પ્રભારી તરીકેની જવાબદારીના એક ભાગરૂપે વિજયભાઈ આગામી તારીખ 6 થી 8 દરમિયાન આ બંને રાજ્યોના પ્રવાસે જનાર છે.

આ બંને રાજ્યો બાબતે ચર્ચા કરતા વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ભાજપ માટે પડકારરૂપ પરિસ્થિતિ હતી પરંતુ હવે લોકો કમળને સ્વીકારી રહ્યા છે. ભાજપ આ બંને રાજ્યમાં પડકાર ઝીલવા માટે સક્ષમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application