જામનગર : મોટી ખાવડી સીમમાં ગેઇટ પરથી પટકાતા પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ
સાફસફાઇ કરતી વેળાએ પગ લપસ્યો : હાથણી ગામની બાજુમાં અજાણ્યા વૃઘ્ધનું બિમારી સબબ મોત
જામનગર નજીક મોટી ખાવડી સીમમાં રણથંભોર ગેઇટ પર સાફ સફાઇ અને કટીંગનું કામ કરી રહેલા એક પરપ્રાંતીય યુવાનનો પગ લપશી જતા અકસ્માતે નીચે પડતા શરીરે ઇજાઓ થઇ હતી જેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયુ છે અને હાથણી ગામની બાજુમાં આશરે ૫૦ વર્ષના એક અજાણ્યા પુષનું કોઇ બિમારી સબબ મૃત્યુ નિપજયાનું મરીન પોલીસમાં જાહેર થતા તપાસ ચલાવવામાં આવી રહી છે.
મુળ એમપીના રતલામ જીલ્લાના વતની અને હાલ જામનગર નજીક મોટી ખાવડી ગામમાં રહેતા જોરાવરસિંહ લક્ષમણભાઇ નાયક (ઉ.વ.૪૨) નામના યુવાન ખાનગી કંપનીમાં હોર્ટી કલ્ચર વિભાગમાં કામ કરતા હોય અને ગત તા. ૨૫ના સવારના સાતેક વાગ્યાના સુમારે ખાવડી સીમ રણથંભોર ગેઇટ ઉપર જાડી જાખરાની સાફ સફાઇ અને કટીંગનું કામ કરતા હતા.
એ દરમ્યાન અચાનક પગ લપશી જતા જમીન પર નીચે પડી જતા હાથ, ખભા અને માથાની જમણી બાજુએ ઇજાઓ થઇ હતી, આથી તેઓને ખાનગી કંપનીના મેડીકલ સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયુ હતું.
આ અંગે મુળ રાજસ્થાનના દાતા તાલુકાના વતની હાલ ખાવડી રહેતા સુરેશકુમાર હીરારામ દ્વારા મેઘપર પોલીસમાં ગઇકાલે જાણ કરવામાં આવતા ઉપરોકત વિગતોના આધારે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અન્ય એક બનાવમાં જામનગરના હાથણી ગામની બાજુમાં નવા બનતા રીંગની નીચે આશરે ૫૦ વર્ષના અજાણ્યા પુરૂષનું કોઇ બિમારી સબબ મૃત્યુ નિપજયુ હતું, આ અંગે હાથણી ગામમાં રહેતા કેતનભાઇ મકવાણાએ બેડી મરીન પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે મરીન પોલીસ સ્ટેશનના એએસઆઇ કે.કે. માંધણ દ્વારા મૃતકની ઓળખ મેળવવા અને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.