BREAKING NEWS

હાલારમાં ગોકળગાયની ગતિએ મનરેગાની કામગીરી, ૨૫૭૬ કામ અધૂરા

  • July 13, 2026 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારમાં ગોકળગાયની ગતિએ મનરેગાની કામગીરી, ૨૫૭૬ કામ અધૂરા

અવરોધ: શ્રમીકોની હાજરીના પોર્ટલ અને વેતનમાં ધાંધિયા, લેબર બજેટની અસ્પષ્ટ ગાઇડલાઇન, અધિકારીઓ-કર્મીઓની કાર્યપ્રણાલી કારણભૂત 

માલસામાનના જામનગર જિલ્લામાં રૂ.૫૭.૦૪ લાખ અને દ્વારકા જિલ્લામાં રૂ​​​​​​​.૩૬.૩૩ લાખનું ચૂકવાણા બાકી: બંને જિલ્લામાં રૂ​​​​​​​.૧૦૪.૧૬ લાખ ગ્રાન્ટની ફાળવણીમાંથી ફકત રૂ​​​​​​​.૬૭.૦૪ લાખનો ખર્ચ 

હાલારમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેજા હેઠળ થતી મનરેગાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છેે. કારણ કે, બંને જિલ્લામાં ૨૫૭૬ કામ અધૂરા છે. શ્રમીકોની હાજરીમાં પોર્ટલ અને વેતનમાં ધાંધિયા, લેબર બજેટની અસ્પષ્ટ ગાઇડલાઇન, અધિકારીઓ અને કર્મચારીઓની કાર્યપ્રણાલી કારણભૂત હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. માલસામાનના જામનગર જિલ્લામાં રૂ​​​​​​​.૫૭.૦૪ લાખ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  રૂ​​​​​​​.૩૬.૩૩ લાખનું ચૂકવણા બાકી છે. બંને જિલ્લામાં રૂ​​​​​​​.૧૦૪.૧૬ લાખ ગ્રાન્ટની ફાળવણીમાંથી ફકત રૂ​​​​​​​.૬૭.૦૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

જામનગર સહીત રાજયભરમાં ડીઆરડીએના નેજા હેઠળ થતી મનરેગા યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક મનરેગા યોજના ડાયરેકટરના અઘ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં રાજયના અન્ય જિલ્લાની સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કેટલા કામ પૂર્ણ થયા, કેટલા કામ બાકી છે અને આ કામ પૂર્ણ કરવાનું આયોજન, ખર્ચ માટે મંજૂર કરેલી રકમ અને તેના સંદર્ભમાં થયેલો ખર્ચ, ઇ-કેવાયસીની અધતન સ્થિતિ, યોજનાના પ્રચાર, પ્રસાર માટે સોશ્યલ મીડીયા ઉપરાંત, પેમ્પલેટસ, બુકલેટસ વગેરે દ્વારા કરવામાં આવેલી કામગીરી, વીબીજીરામજી યોજના અન્વયે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, દૂધ મંડળી, બસ સ્ટેનડ જેવા સ્થળોએ પ્રચાર-પ્રસાર કરાવવા શું આયોજન સહીતના મુદાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મનરેગા યોજના હેઠળના કામ તથા ખર્ચના આંકડા ચોંકાવનારા છે. કારણ કે, જામનગર જિલ્લામાં શ્રમીકોને રોજગારી પૂરી પાડતી મનરેગા યોજના હેઠળ વર્ષ-૨૦૨૬ની ૩૦ જૂનની સ્થિતિએ કુલ ૧૩૭૮ કામ બાકી છે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ તથા અગાઉના ૫૫૭, વર્ષ ૨૦૨૪-૨૫ના ૨૫૫, વર્ષ ૨૦૨૫-૨૬ના ૪૮૦, વર્ષ ૨૦૨૬-૨૭ના ૮૬ કામનો સમાવેશ થાય છે. આજ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૩૦-૬-૨૦૨૬ની સ્થિતિએ મનરેગા યોજનાના કુલ ૧૧૯૮ કામ બાકી છે. જેમાં  વર્ષ ૨૦૨૩-૨૪ તથા અગાઉના ૪૮૬, વર્ષ ૨૦૨૪-૨૫ના ૧૮૭, વર્ષ ૨૦૨૫-૨૬ના ૪૬૬, વર્ષ ૨૦૨૬-૨૭ના ૫૯ કામનો સમાવેશ થાય છે. બંને જિલ્લામાં મનરેગા યોજનાની કામગીરી ગોકળગાયની ગતિએ થઇ રહી છે તે આંકડા પરથી ફલીત થઇ રહ્યું છે. મનરેગા યોજના હેઠળ પીએમવાય-જી અને વૃક્ષારોપણ સિવાય જામનગર જિલ્લામાં ૭૨૦ કામ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૦૪ કામ ચાલુ હોવાનું દર્શાવાયું છે. ભૌતીક રીતે જામનગર જિલ્લામાં ફકત ૩૨૨ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૭૪ કામ પૂર્ણ થયા છે. નવાઇની વાત તો એ છે કે બંને જિલ્લામાંથી એસઓપીના તમામ તબકકા પૂર્ણ કરી રાજયને દરખાસ્ત મોકલવામાં આવી હોય તેવા કોઇ કામમાં ના નો ઉલ્લેખ કરાયો છે.

આટલું જ નહીં સમીક્ષા બેઠકમાં માલસામાનના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૂ​​​​​​​.૩૬.૩૩ લાખના અને જામનગર જિલ્લામાં ૫૭.૦૪ લાખના ચૂકવણા બાકી હોવાનું દર્શાવાયું છે. જયારે જામનગર જિલ્લાને ફાળવેલી કુલ રૂ​​​​​​​.૭૫.૯૪ લાખની ગ્રાન્ટમાંથી આઇએફએમએસના રિપોર્ટ મુજબ તા.૧-૪-૨૦૨૬ની સ્થિતિએ રૂ​​​​​​​.૫૪.૯૮ લાખ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને ફાળવેલી કુલ રૂ​​​​​​​.૩૮.૨૨ લાખની ગ્રાન્ટમાંથી કુલ રૂ​​​​​​​.૧૨.૦૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ બંને જિલ્લામાં મનરેગા યોજનાની કામગીરી કંગાળ હોવાની સ્થિતિ પ્રર્વતી રહી છે. આ કામગીરી ઝડ૫થી ન થવા પાછળ શ્રમીકોને વેતન ચૂકવવામાં પારાવાર ધાંધિયા, શ્રમીકોને જે પોર્ટલમાં બે વખત ઓનલાઇન હાજરી પૂરવી પડે છે તે એનએમએમએસ પોર્ટલ છાશવારે ક્ષતિના કારણે ન ચાલતા, લેબર બજેટની અસ્પષ્ટ ગાઇડલાઇન તથા અધિકારીઓ અને કર્મચારીઓની કાર્યપ્રણાલી કારણભૂત હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. તદઉપરાંત મનરેગાએ ટારગેટ બેઇઝ નહીં પરંતુ ડીમાન્ડ બેઇઝ કામગીરી હોય અન્ય સ્થળે ચાલતા કામમાં વધારે રોજ એટલે કે વેતન મળતું હોય શ્રમીકો સ્થળાતંર કરી જતા હોય તે પણ મુખ્ય કારણ હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે. પરંતુ શ્રમીકોને રોજગારી પૂરી પાડતી આ મનરેગા યોજની કામગીરીમાં ગતિ આવે તે માટે  પગલાં લેવા અનિવાર્ય નહીં પણ ફરજીયાત બન્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application