ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈના જન્મદિવસે રક્તદાન મહાયજ્ઞ દેશભરમાં 70થી વધુ, જામનગરમાં 22 સ્થળોએ મેગા કેમ્પ
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસે રક્તદાનનો મહાયજ્ઞ યોજાયો હતો. 11 જુલાઈ, શનિવારના રોજ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે દેશભરમાં 70થી વધુ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જામનગર શહેર અને જિલ્લામાં કુલ 22 સ્થળોએ આ કેમ્પ સફળતાપૂર્વક યોજાયા હતા.
આ રક્તદાન શિબિરોનું આયોજન માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ રાજ્ય બહારના વિસ્તારો સહિત દેશભરમાં 70થી વધુ સ્થળોએ કરવામાં આવ્યું હતું. નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ અને કુદરતી આપત્તિઓમાં સહાય જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આ મેગા કેમ્પ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થશે.
જામનગર શહેરમાં સવારે 9:00 થી 1:00 વાગ્યા દરમિયાન વિવિધ મુખ્ય સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાયા હતા. આ કેમ્પમાં બહેનો ઉત્સાહભેર ભાગ લઈ શકે તે માટે અલગથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના મુખ્ય કેન્દ્રોમાં ખોડલધામ સમિતિ જિલ્લા કાર્યાલય, કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ (રણજીતનગર), નારાયણ કચરા ગલાણી લેઉવા પટેલ સમાજ (નારાયણ નગર-૧), લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ ખોડલ ગ્રીન (સરદાર પાર્ક, ખાસ મહિલાઓ માટે), શ્રીજી હોલ (ઓશવાળ કોલોની, ખાસ મહિલાઓ માટે) અને GIDC ફેસ-2, 3, એસોસિએશન ઓફિસનો સમાવેશ થાય છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રક્તદાન પ્રવૃત્તિને વેગ આપવા વ્યાપક આયોજન કરાયું હતું. વિભાપર, ઠેબા, નંદપુર, મોડપર, સુમરા, હરીપર, ભાદરા, મજોઠ, લતીપુર, ધ્રોલ, નિકાવા, મોટા વડાળા, ખરેડી, પાતા મેઘપર અને પીપરટોડા સહિતના ગામોમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ મહા રક્તદાન કેમ્પને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, લેઉવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જિલ્લા કન્વીનર, મહિલા સમિતિના સભ્યો તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.