નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

  • April 25, 2025 07:13 PM 

નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

માર્ગ અકસ્માતો ઘટાડવા ભયજનક સ્થળો પર ટ્રાન્સવર્સ બાર માર્કીંગ, રમ્બલ સ્ટ્રીપ્સ સોલર બ્લીંકર્સ અને જરૂરી સાઈનેજીસ લગાવવા બેઠકમાં નિર્ણય લેવાયો

જામનગર જિલ્લામાં વાહન અકસ્માતોમાં ઘટાડો લાવવાના ઉદ્દેશ્ય સાથે નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિક કલેક્ટરશ્રીએ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે લેવાના થતા વિવિધ પગલાંઓ અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકની શરૂઆતમાં અધિક કલેક્ટરએ અગાઉની બેઠકમાં સોંપવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ, તેમણે જામનગર જિલ્લાના અકસ્માત સંભવિત વિસ્તારો જેવા કે સોયલ કેનાલ, વાંકીયા, શેખપાટ પાટિયા, જાંબુડા પાટીયા, ફલ્લા સર્કલ, લાલપુર ચોકડીથી મોરકંડા, કનસુમરા પાટીયાથી સાંઢીયા પૂલ, વસઈ પાટીયા, મોટી ખાવડી અને મેઘપર બસ સ્ટોપ પાસે તાત્કાલિક રોડ સાઈનેજીસ લગાવવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.

વધુમાં, માર્ગ અકસ્માતોના સ્થળોની તપાસ, બ્લેક સ્પોટ્સ પર અકસ્માતો ઘટાડવા માટેના ઉપાયો, જોખમી ડ્રાઇવિંગ, ઓવર સ્પીડિંગ, રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને રેડિયમ રિફ્લેક્ટર વગરના વાહનો અંગે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

અધિક કલેક્ટરએ શાળા-કોલેજો અને જાહેર સ્થળોએ માર્ગ સલામતી કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ વધારવા, વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા અને જિલ્લા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં આર.ટી.ઓ. શ્રી કે.કે. ઉપાધ્યાયે પ્રેઝન્ટેશન દ્વારા સંબંધિત માહિતી રજૂ કરી હતી.

આ બેઠકમાં આર.ટી.ઓ., જામનગર મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, પી.જી.વી.સી.એલ., નેશનલ હાઈવે ઓથોરિટી અને જી.એસ.આર.ટી.સી. સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application