મનપાને સૌનીના પાણીનું રૂ.૧૫૧.૨૦ કરોડનું બિલ ફટકાર્યું

  • July 07, 2023 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજી-ન્યારીમાં વરસતા વરસાદએ સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું ચાલુ રાખવામાં આવ્યા બાદ

અંતે છેલ્લા બે દિવસથી સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું બંધ કરાયુ: કુલ ૨૯ ફૂટની ઉંડાઇના આજી-૧ની સપાટી હાલ ૨૩.૧૦ ફૂટ, ઓવરફલોમાં ૫.૯૦ ફૂટ બાકી: કુલ ૨૫ ફૂટની ઉંડાઇના ન્યારી-૧ની સપાટી ૧૭.૭૦ ફૂટ




રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા મુખ્ય જળ સ્ત્રોત આજી-૧માં ચાલુ ચોમાસે વરસતા વરસાદમાં પણ સૌની યોજના હેઠળનું નર્મદાનીર ઠાલવવાનું ચાલુ રાખવામાં આવ્યા બાદ તાજેતરમાં મહાપાલિકાને કુલ રૂ.૧૫૧.૨૦ કરોડનું બિલ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સામાન્ય રીતે ચોમાસામાં જ્યારે જળાશયમાં વરસાદી પાણીની આવક ચાલુ હોય ત્યારે સૌની યોજના હેઠળ નર્મદાનીર ઠાલવવાનું બંધ કરવાનું હોય છે પરંતુ ચાલુ ચોમાસે પ્રથમવાર એવું બન્યું છે કે આજી-૧માં વરસાદી પાણીની આવક સાથે નર્મદાનીરની આવક પણ ચાલુ રાખવામાં આવી હતી.



વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટને સૌની યોજનાનું નર્મદાનીર આપવાનું શરૂ કરાયું ત્યારથી હાલ સુધીનું કુલ રૂ.૧૫૧.૨૦ કરોડની રકમનું બિલ રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવ્યું છે. જો કે આ રકમમાંથી મહાપાલિકાએ આજ દિવસ સુધીમાં હજુ કોઈ રકમ ચૂકવી નથી કે રકમ નહીં ચૂકવવા બદલ કડક ઉઘરાણી કરવામાં આવી નથી પરંતુ સમયાંતરે બિલની બજવણી થતી રહે છે અને દરેક બિલમાં ઉત્તરોત્તર રકમ વધતી રહે છે.



સૂત્રોએ ઉમેર્યું હતું કે રાજકોટ શહેરમાં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટને ૧૫ ઓગષ્ટ સુધી ચાલે તેટલું પાણી સૌની યોજના હેઠળ આજી-૧ અને ન્યારી-૧માં ઠાલવવા માંગણી કરાઇ હતી. જ્યારે હવે જળાશયમાં પર્યાપ્ત જળ જથ્થો આવી ગયો છે અને નવા વરસાદી પાણીની આવક પણ ચાલુ છે જેથી છેલ્લા બે દિવસથી જ આજી-૧માં પાણી ઠાલવવાનું બંધ કરાયું છે.



ચાલુ ચોમાસે સમયસર કરતા પણ વહેલો કહી શકાય તેવો વરસાદ વરસતા તેમજ ગત વર્ષની તુલનાએ વધુ વરસાદ વરસતા જળાશયોમાં જરૂરિયાત મુજબ નવા નીરની આવક થઇ ગઇ છે જેથી હાલના તબક્કે સૌની યોજનાના નર્મદાનીરની આવક બંધ કરવામાં આવી છે.


આજની સ્થિતિએ કુલ ૨૯ ફૂટની ઉંડાઇના આજી-૧ની સપાટી હાલ ૨૩.૧૦ ફૂટએ પહોંચી છે અને ઓવરફલો થવામાં ૫.૯૦ ફૂટ બાકી છે. જ્યારે કુલ ૨૫ ફૂટની ઉંડાઇના ન્યારી-૧ની સપાટી ૧૭.૭૦ ફૂટએ પહોંચી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application