કેકેવી બ્રિજનું લોકાર્પણ હવે મનપા નહીં કરે તો જનતા કરશે

  • July 15, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્માઇલિંગ બ્રિજ: નાગરિકોના ચહેરા ઉપર સ્મિત ક્યારે ?

કામ પૂર્ણ છતાં એક સપ્તાહથી લોકાર્પણ કરાતું નથી: રાજકોટના નેતાઓનું ગાંધીનગરમાં કંઇ ઉપજતું ન હોય મહાનુભાવો લોકાર્પણ માટે સમય ફાળવતા નથી-ટોક ઓફ ધ ટાઉન




રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેકેવી ચોકમાં રૂ.૧૨૯ કરોડના ખર્ચે નિર્મિત મલ્ટી લેવલ બ્રિજ સંપૂર્ણ તૈયાર થઇ ગયો છે. એક સપ્તાહથી ૧૦૦ ટકા કામ પૂર્ણ થઇ ગયા પછી પણ લોકાર્પણ કરતું ન હોય જો હવે મનપા લોકાર્પણ નહીં કરે તો જનતા લોકાર્પણ કરી નાખશે તેવી સ્થિતિ સર્જાઇ છે.



રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ઇજનેરો અને અધિકારીઓએ કેકેવી બ્રિજનું કામ પૂર્ણ થવાથી લઇને લોકાર્પણ સુધીના મામલે એટલી વખત તારીખ પે તારીખ જાહેર કર્યા પછી તેમાં ફેરફારો કર્યા છે કે હવે લોકાર્પણની સાચી તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે પણ લોકોને ભરોસો કરશે નહીં. બ્રિજ ઉપર વાહનો દોડતા થશે ત્યારે જ લોકાર્પણ થયું તેમ શહેરીજનો માનશે.



જો કેકેવી બ્રિજની આત્મકથા લખવામાં આવે તો તેમાં હવે બ્રિજ પોતે પણ બોલી ઉઠે કે હવે મારૂ લોકાર્પણ કરો, નાગરિકો બ્રિજ ઉપર વાહનો ચલાવી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મેળવે તેના માટે જ મારૂ નિર્માણ થયું છે, તો જ મારો જન્મ સાર્થક ગણાશે !!



સોમવાર સુધીમાં કંઇક સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના

રાજકોટના નેતાઓનું સરકારમાં કે પ્રદેશમાં કંઇ ઉપજતું ન હોય કે અન્ય કોઇ પણ કારણ હોય મહાનુભાવો સમય ફાળવતા ન હોય બ્રિજનું લોકાર્પણ ટલ્લે ચડી ગયું છે. દરમિયાન મહાપાલિકાના વિશ્વસનીય સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સોમવાર સુધીમાં બ્રિજના લોકાર્પણ અંગે કંઈક મહત્વપૂર્ણ જાહેરાત થાય તેવી સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application