જામનગરના યુવાનને ૧૦ હજારની ઉઘરાણીના મામલે માર માર્યો
સસરા-સાળા સામે પોલીસ ફરીયાદ નોંધાવાતા ચકચાર
જામનગર શહેરમાં ૧૦ હજારની ઉઘરાણીના મુદ્દે એક યુવાન પર સસરા અને સાળા દ્વારા હુમલો થયાની ઘટના સામે આવી છે અને મામલો પોલીસ દફતરે પહોચ્યો છે.
કાલાવાડ નાકા બહાર, સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા અને ખાનગી ટીવી ચેનલના રીપોર્ટર મહમદ સલમાનખાન આરિફહુસેન ગુર્જર પઠાણ (ઉ.વ. ૩૫) એ થોડા સમય પહેલા રફીકભાઈ કથીરી પાસેથી રૂપિયા ૧૦ હજાર લીધા હતા. અને વારંવાર ફોન કરીને પૈસાની માંગણી કરતા હતા.
ગત રાત્રે પત્ની અલમાઝ પોતાના માતા-પિતા સાથે વીડિયો કોલ પર વાત કરી રહી હતી ત્યારે ઉધારની રકમ અંગે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વાત વીડિયો કોલમાં સાંભળતા સસરા રફીકભાઈ કથીરી ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીના ઘરે પહોંચી ગયા હતા.
ફરીયાદી યુવાનને આરોપીઓએ બોથડ પદાર્થ, ઝાપટ, ઢીકાપાટુ વડે માર માર્યો હતો અને અપશબ્દો બોલી જાનથી પતાવી લઇશ તેવી ધમકી આપી મારામારી કરી એકબીજાને મદદગારી કરી હતી.
ફરિયાદીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર પૂર્ણ થયા બાદ ફરિયાદીએ પોતાના સસરા રફીકભાઈ કથીરી અને સાળા મુસ્તકીમ ઉર્ફે જાબીર કથીરી (રહે. ગરીબનવાઝ-૨, મોરકંડા રોડ) ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.