પ્રેમલગ્ન પહેલા માતાપિતાની મંજુરી લેવાનો કાયદો બનાવો: પટેલ સમાજની માંગણી

  • July 31, 2023 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભ્યાસ કરીને નિર્ણય લેવાની મુખ્યમંત્રીએ આપેલી ખાતરી



ગુજરાતમાં પાટીદાર આંદોલન બાદ પ્રથમ વખત મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપની આગેવાનીમાં એક મોટા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમાજના તમામ મોટા આગેવાનો એક મંચ પર એકઠા થયા હતા. આ પ્રસંગે લવ મેરેજ એટલે કે પ્રેમ લગ્ન સંબંધિત નવી શરત ઉમેરવાનો મુદ્દો પાટીદાર સમાજ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. લવ મેરેજમાં માતા-પિતાની મંજૂરી જરૂરી હોવી જોઈએ તેવી માગ પાટીદાર સમાજ થકી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે લવ મેરેજ માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય લેવામાં આવશે.



સરદાર પટેલ ગ્રૂપએ અગાઉ પણ પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરીની માગ ઉઠાવી હતી, પરંતુ હવે સમાજના એક મોટા કાર્યક્રમમાં પ્રેમ લગ્ન અંગે નવો કાયદો લાવવાની માગ ઉઠાવી છે. કોન્ફરન્સમાં હાજર એક અધિકારીએ કહ્યું કે અમારી માગ છે કે લવ મેરેજમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવામાં આવે. એસપીજી સાથે જોડાયેલા મહિલા અધિકારીએ કહ્યું કે આ માત્ર પાટીદાર સમાજની માગ નથી પરંતુ સમગ્ર સમાજની માગ છે. જેને આજે સરદાર પટેલ ગ્રૂપ દ્વારા ઉઠાવવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે લવ મેરેજમાં માત-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય કરવામાં આવશે તેવું મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.




અહીં ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ એસપીજી સાથે જોડાયેલા સભ્ય અવસાન પામે તો એસપીજીમાં રહેલા 7000 સભ્યોમાંથી દરેક વ્યક્તિ 100 રૂપિયા આપીને અવસાન પામનાર એસપીજીના સભ્યના પરિવારજનોને 7 લાખ રૂપિયાની સહાય કરે છે. જે હાલમાં અપાય છે. ત્યારે હવે આગામી સમય દરમિયાન સવા કરોડ જેટલા પાટીદારોને એસપીજીમાં જોડવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે. હવે જો આ દિશામાં સવા કરોડ સભ્યો થાય તો માત્ર 1 રૂપિયો સહાય આપવામાં આવે તો પણ મૃતકના પરિવારને સવા કરોડ રૂપિયાની સહાય મળશે.



અહીં નોંધનીય છે કે અનામત આંદોલન પછી ફરી એકવખત પાટીદાર સમાજનું સંગઠન એસપીજી તેના બેનર હેઠળ પાટીદાર સમાજને એક મંચ પર લાવી રહ્યું છે. મહેસાણા ખાતે પાટીદાર સ્નેહમિલન સમારોહ સીએમ ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application