BREAKING NEWS

ભીમરાણામાં ભક્તિનો મહાસંગમ: મોગલ માઁ વંદના કાર્યક્રમ સાથે ભવ્ય લોકડાયરો

  • April 03, 2026 01:10 PM 

ભીમરાણામાં ભક્તિનો મહાસંગમ: મોગલ માઁ વંદના કાર્યક્રમ સાથે ભવ્ય લોકડાયરો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠ ભીમરાણા ખાતે ચૈત્ર સુદ તેરસ તા.૩૧-૦૩-૨૦૨૬ ને મંગળવારના પવિત્ર દિવસે ’મોગલ માઁ વંદના’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધાર્મિક વિધિઓ, વિકાસ કામોના ખાતમુહૂર્ત અને રાત્રે જામેલા લોકડાયરામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. યાત્રિકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી મંદિર પરિસરમાં વિવિધ ભવનોનું ખાતમુહૂર્ત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે ગઢવી સમાજના માતાજીઓ, સંતો-મહંતો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે મુળુભાઈ બેરા (પૂર્વ મંત્રી અને ધારાસભ્ય) રાજેશ તન્ના (જિલ્લા કલેકટર), મયુરભાઈ ગઢવી (જિલ્લા ભાજપ પ્રમુખ), ભજનાનંદી પાલુભાઇ ગઢવી, ગઢવી સમાજના અગ્રણીઓ અને વિવિધ રાજકીય-સામાજિક આગેવાનોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મોગલધામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને ખ્યાતનામ લોકગાયક કિર્તીદાન ગઢવી પ્રેરિત ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, હરેશભાઈ સુરૂ, સાગરદાન ગઢવી અને પરેશદાન ગઢવી જેવા દિગ્ગજ કલાકારોએ પોતાની કલા પીરસી હતી.ભક્તિ અને શક્તિના આ સંગમમાં આજુબાજુના ગામોમાંથી હજારો માઈભક્તો અને સર્વ સમાજના લોકો ઉમટી પડ્યા હતા. કલાકારોની રમઝટ પર ભક્તોએ દિલ ખોલીને લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ સમગ્ર આયોજનથી ભીમરાણા પંથકમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો અને મોગલ માઁના આ શક્તિપીઠ પર શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવ્યું હતું.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application