માધવપુર ઘેડ મેળો - ૨૦૨૬ : શ્રીકૃષ્ણ રુકમણી વિવાહ સત્કાર સમારોહ
દ્વારકામાં તા.૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના સત્કાર સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની રહેશે પ્રેરક ઉપસ્થિતિ
રાજ્યપાલની દેવભૂમિ દ્વારકાની મુલાકાત સંદર્ભે જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનોનો ઉત્સવ માધવપુર ઘેડનો મેળો યોજાશે. ભગવાન શ્રીકૃષ્ણ રુકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
વડાપ્રધાનના એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને ચરિતાર્થ કરતા ભવ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિ રહેશે જેના અનુસંધાને આજરોજ જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ રાજ્યપાલશ્રીની દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત અન્વયે સંલગ્ન વિભાગના અધિકારીઓને તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, નાયબ કલેકટર મનોજ દેસાઈ, રિદ્ધિ રાજ્યગુરુ તેમજ દ્વારકા ખાતેથી ઇન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.