જામનગર: મોખાણામાં દીપડાના આંટાફેરા યથાવત, રણજીતસાગર ડેમ પાસે પણ દેખાયો
ગામની તદન નજીક ડેમ આવેલો હોય દીપડાનું રહેઠાણ હોવાનું તારણ
વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પાંજરામાં પૂરવાની કવાયત તેજ
જામનગર તાલુકાના મોખાણા ગામની સીમમાં દીપડાના આંટાફેરા યથાવત રહ્યા હોવાની ફરિયાદો ગ્રામજનોમાં ઉઠી છે.ગઇકાલે દીપડો રણજીતસાગર ડેમ પાસે દેખાયાની રાવ ગ્રામજનોએ કરી છે. ગામની તદન નજીક ડેમ આવેલો હોય દીપડાનું રહેઠાણ હોવાનું તારણ વનવિભાગન અધિકારીઓએ દર્શાવ્યું છે. બીજી બાજુ દીપડાને પાંજરામાં પૂરવાની કવાયત તેજ બનાવામાં આવી છે.
નવી મોખાણા ગામની સીમમાં સપ્તાહ પૂર્વે દીપડાના આંટાફેરાની ફરિયાદો ગ્રામજનોમાં ઉઠી હતી. બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયેલા વનવિભાગના સ્ટાફને ફુટ માર્ક મળી આવતા દીપડો હોવાનું પુરવાર થયું હતું. પરંતુ સતત બે દીવસ વનવિભાગની ટીમે દીવસ અને રાત્રીના સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ દીપડાના કોઇ સગડ કે ફુટ માર્ક ન મળતા અન્યત્ર ચાલ્યા ગયાનું અનુમાન વ્યકત કર્યું હતું. પરંતુ રવિવારે ગ્રામજનોએ પુન: ગામની સીમમાં આવ્યાની અને અવાજ સંભળતા હોવાની ફરિયાદ કરી હતી. આથી વનવિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યું હતું. આટલું જ નહીં પાંજરામાં ટ્રેપ કેમેરો ફીટ કરાયો હતો. સોમવારે રાત્રીના દીપડો પાંજરા સુધી આવ્યો હતો અને ટ્રેપ કેમેરો તોડી નાસી છૂટયો હતો. મારણ મૂકયું હોવા છતાં દીપડો પાંજરામાં ગયો ન હતો. દીપડાની આ હીલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. બીજી બાજુ દીપડો રણજીતસાગર ડેમ પાસે દેખાયાની ફરિયાદો ગ્રામજનોએ કરી છે. ગામની તદન નજીક ડેમ આવેલો હોય દીપડાનું રહેઠાણ હોવાનું તારણ વનવિભાગના અધિકારીઓએ વ્યકત કર્યું છે. જો કે, દીપડાએ હજુ સુધી કોઇ મારણ કર્યું નથી. આમ છતાં દીપડાને પકડી પાડવા વનવિભાગે કવાયત તેજ કરી છે.