કાનૂની ચેતવણી: અનાજ, ફ્રૂટ અને દૂધના સેવનથી કેન્સર થાય છે

  • September 25, 2023 01:59 PM 

સિગારેટ સ્મોકિંગ ઈઝ ઇન્જુરીયસ ટુ હેલ્થ’ ’તમાકુના સેવનથી કેન્સર થાય છે’ તેવી ચેતવણી તમાકુના પેકિંગ અને સિગરેટના બોક્સ પર કાનૂની રીતે ફરજિયાત લખવામાં આવતી હોય છે. આવી જ ચેતવણી જંતુનાશક દવાના ઉપયોગથી ઉત્પાદિત કરવામાં આવેલા અનાજ, ફળફળાદી અને દૂધના પેકિંગ પર પણ લગાવવાનો સમય આવી ગયો છે. કેન્સર સંદર્ભે તાજેતરમાં કરાયેલા સંશોધનની બહાર આવેલી ચોકાવનારી અને ધ્રુજાવી દે તેવી આંકડાકીય માહિતી એવું કહે છે કે જંતુનાશક દવા અને તમાકુના કારણે કેન્સરના મામલે ગુજરાત પંજાબ કરતાં પણ આગળ નીકળી ગયું છે. ગુજરાતના ખેતરોમાં દર વર્ષે ૬,૨૦૦ મેટ્રિક ટન જંતુનાશક દવા, ૪૦૦૦ મેટ્રિક ટન ફૂગનાશક અને ખડનાશક દવા મળીને કુલ ૧૦૨૦૦ મેટ્રિક ટન જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. જંતુનાશક દવાના ઉપયોગવાળા અનાજ, ફ્રુટ અને દૂધના ઉપયોગની સાથોસાથ તમાકુના કેન્સરથી ગુજરાતમા અનેક લોકો સીધી કે આડકતરી રીતે કેન્સરની ઝપટમાં આવી જાય છે. આ સંશોધનમાં જાહેર કરાયેલી આંકડાકીય માહિતી મુજબ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેન્સરના બે લાખ નવા દર્દીઓ શોધાયા છે. ૨૦૧૮માં ગુજરાતમાં કેન્સરના નવા દર્દીઓની કુલ સંખ્યા ૬૬૦૦૦ હતી તે ૨૦૨૨ માં એક લાખના આંકડા સુધી પહોંચી ગઈ છે. સિગારેટના ઉપયોગ અને તમાકુના સેવનને કારણે કેન્સર થાય છે તે વાત સાચી, પરંતુ કેન્સર થવાના કારણોમાં હવે ખેતરમાં વપરાતી ૧૦૪ પ્રકારની ઝેરી દવાઓ પણ જવાબદાર હોવાનું ફલિત થાય છે.


કેન્સરને લગતા આ રિસર્ચમાં જણાવ્યું છે કે ગુજરાતમાં સ્તન કેન્સરના ૩૦ ટકા અને મોઢાના કેન્સરના ૩૬ ટકા દર્દીઓ છે. જે માટે જંતુનાશક દવાઓ અને તમાકુના ઉપયોગ બંને સમાન રીતે જવાબદાર છે. અગાઉ ડાયાબિટીસ અને હૃદય રોગના મામલામાં ગુજરાતમાં સૌથી વધુ દર્દીઓ હતા. પરંતુ હવે પંજાબને પાછળ રાખીને ગુજરાત કેન્સરના મામલે દેશના ટોચના રાજ્યોમાં આવી ગયું છે. લાખો હેકટર જમીનમાં તમાકુનું ઉત્પાદન થઈ રહ્યું છે.કૃષિમાં વપરાતા ૧૦૪ પ્રકારના જંતુનાશકની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે આવી અરજી દાખલ કરનાર જે. એસ. સંધુને તેમની વાત સરકારી સમિતિ સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું.


કેન્દ્ર સરકારે આ ૧૦૪ માંથી માત્ર ૧૮ જંતુનાશક દવાઓને પ્રતિબંધિતના લિસ્ટમાં મૂકી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ જંતુનાશકોને ઝેરી જંતુનાશકની ક્લાસ વન બી કેટેગરીમાં મુકેલ છે. કેન્દ્ર સરકારે જે ૧૮ જંતુનાશકો પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં મોનોક્રોટોફોસ નામની સૌથી વધુ ખતરનાક ગણાતી દવાનો સમાવેશ કરાયો નથી. ભારતમાં જે ૧૦૪ જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે તે અન્ય ઘણા દેશોમાં પ્રતિબંધિત છે.
જંતુનાશક દવાઓના ઉપયોગથી ઉત્પાદિત ખાદ્ય પદાર્થ કેટલી હદે ખતરનાક છે તેની આછેરી ઝલક આ રિપોર્ટમાં જણાવવામાં આવી છે. આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ દરેક ભારતીય તેમના ખોરાક સાથે સરેરાશ દૈનિક આહારમાં ૦.૨૦ મિલિગ્રામ ડીડીટીનું સેવન કરે છે અને તેના કારણે શરીર પેશીઓમાં સંગ્રહ થયેલું ડીડીટીનું સ્તર ૧૨.૮ થી ૩૧ પીપીએમ સુધીનું જોવા મળે છ્ે.જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે. ઘઉંમાં ૧.૬ થી ૧૦.૪, ચોખામાં ૦.૮ થી ૧૬.૪, કઠોળમાં ૨.૯ થી ૧૬.૯, મગફળીમાં ૩.૦ થી ૧૯.૧, લીલા શાકભાજીમાં પાંચ, બટાટામાં ૬૮.૫ પીપીએમ ડીડીટીની માત્રા હોવાનું જણાવ્યું છે. દૂધના નમુનાઓ લેવામાં આવ્યા હતા અને તેમાં ૪.૮ થી ૬.૩ પીપીએમ સુધી ડિલડ્રીન નામનો જેવી ઝેરી પદાર્થ હોવાનું જાણવા મળ્યું છે. જંતુનાશક દવાએ પાણીને પણ પ્રદૂષિત કરી નાખ્યું છે. તળાવોના પીવાના પાણીમાં ૦.૦૨ થી ૦.૨૦ પીપીએમ સુધીના જંતુનાશકો મળી આવ્યા છે. ભારત સરકારની આંકડાકીય માહિતી કહે છે કે ૨૦૧૯ માં ભારતમાં જંતુનાશકોના કારણે ૩૧૨૦૬ લોકોના મૃત્યુ થયા હતા. જંતુનાશકોના કારણે થતી લાંબા ગાળાની અસર અને બિમારી તેમાં ઉમેરો કરીએ તો આ સંખ્યા લાખોમાં થવા જાય છે. પક્ષીઓ, વન્ય જીવો અને પાણીમાં માછલાઓના મોત મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે.


ગુજરાત અને પંજાબમાં કેટલા પ્રમાણમાં જંતુનાશકોનો ઉપયોગ થાય છે તેનો તુલનાત્મક અભ્યાસ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે અને તેમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ૬૨૦૦ અને પંજાબમાં ૫૨૦૦ મેટ્રિક ટન જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. ૨૦ મોટી ફેક્ટરીઓમાં દર મહિને ૨૧,૦૦૦ મેટ્રિક ટન જંતુનાશક દવાનું પ્રોડક્શન થાય છે. ભારતમાં દર મહિને આઠ લાખ ટન કેમિકલનું પ્રોડક્શન થાય છે.જંતુનાશક દવાના ઉપયોગના કારણે ખેતી ક્ષેત્રમાં કામ કરતા મજૂરો અને ખેડૂતોના મૃત્યુની સંખ્યા પણ ચોકાવનારી હદે વધી ગઈ છે. ૬૬ જંતુનાશકો એવા છે કે જે વિદેશમાં પ્રતિબંધિત છે પરંતુ ભારતમાં તેનો ઉપયોગ થાય છે.ડાંગર, ઘઉં, દ્રાક્ષ, ટમેટા,બટેટા, સફરજન, નારંગી, ચીકુ જેવા પાકના ઉત્પાદન માટે ઝેરી રસાયણોનો છંટકાવ કરવામાં આવે છે. આ ઘાતક તત્વ ફળો અને શાકભાજી અને બીજમાં પણ પ્રવેશ કરે છ્ે જે લોકો ખાય છે તેના શરીરમાં આ ઝેર પ્રવેશે છે અને તે પરસેવા, શ્વાસ, મળ કે પેશાબ દ્વારા શરીરની બહાર આવતું નથી. પરંતુ શરીરના કોષોમાં ફેલાઈને અસાધ્ય રોગો અને વિવિધ પ્રકારના કેન્સરને જન્મ આપે છે. પ્રારંભિક તબક્કામાં માથાનો દુખાવો, ચામડીની સમસ્યા, એસિડિટી, અપોચો, અલ્સર જેવું થાય છે અને છેલ્લે કેન્સરમાં પરિણમે છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં પણ જણાવાયું છે કે હરિયાણાના રોહતકમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ઝેરી અસરના કારણે ૧૧૪ ઉત્તર પ્રદેશમાં ૫૫ અને હિમાચલમાં ૩૦ ઉદાહરણો મળ્યા છે. કેરલમાં આ પ્રકારના જંતુનાશક દવાઓના ઉપયોગવાળા ખોરાકને કારણે હજારો લોકો કાયમી બીમારીમાં સપડાયા છે. ઉબકા,અસ્થમા, સાઈનસ, એલર્જી્ અને રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. બિહારના છાપરા જિલ્લાની એક શાળામાં મધ્યાન ભોજન લીધા બાદ ૨૩ બાળકોને ગંભીર અસર જોવા મળી હતી તે બનાવ હજુ તાજો જ છે. માતા પોતાના બાળકને સ્તનપાન દ્વારા જંતુનાશક રસાયણોના ઝેરી પદાર્થોનું સેવન કરાવે છે તેની તેને ખબર હોતી નથી અને ઘણા કિસ્સાઓમાં આમ થવાથી બાળકોમાં શારીરિક વિકલાંગતાના કાયમી લક્ષણો પણ જોવા મળે છે. તારીખ ૧ જુલાઈના રોજ સુરતના સાંડેસરા વિસ્તારમાં રહેતી મૂળ ઉત્તર પ્રદેશની એક યુવતીએ તેના સંતાનને સ્તનપાન કરાવ્યા પછી ગણતરીના કલાકોમાં એક મહિનાના બાળકનું મૃત્યુ થયું છે. આ બનાવને અને ઝેરી ખોરાકને કોઈ સંબંધ છે કે નહીં તે હજુ જાહેર કરાયું નથી પરંતુ આ પ્રકારની ઘટના આંખ ખોલી નાખે છે. મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધવાની સાથોસાથ ગર્ભાશય અને માસિક ધર્મની નિયમિતતા પર તેની અસર જોવા મળે છે. પુરુષોમાં પણ પ્રજનનક્ષમતા ઘટી રહી છે.
​​​​​​​
આ બધી વરવી વાસ્તવિકતા વચ્ચે ગુજરાતમાં ખેતરોમાં ૬,૨૦૦ મેટ્રિક ટન જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે.૪૦૦૦ ટન ફૂગનાશકો અને ખડનાશકો મળીને ૧૦૨૦૦ મેટ્રિક ટન જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે. દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનકદે થઈ રહેલા વધારા બાબતે લોકસભાના ગત સત્રમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સંસદના આ સત્રમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રોફેસર એસ.પી સિંહ બધેલ દ્વારા જે આંકડાકીય માહિતીઓ આપવામાં આવી હતી તેમાં સૌથી વધુ અને ગંભીર બાબત એ હતી કે ૩૫,૦૦૦ થી વધુ બાળકો કેન્સરની ઝપટમાં આવી ગયા છે. આ એ એઈજ ગ્રુપના બાળકો છે કે જેમણે માતાના દૂધ અથવા તો ખોરાક સિવાય કશું જ લીધું ન હોવા છતાં તે કેન્સરની ઝપટમાં આવી ગયા છે. ગુજરાતમાં રાજ્યપાલ દ્વારા ઓર્ગેનિક ખેતી માટે ભારે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને તેના સારા પરિણામો પણ શરૂ થઈ ગયા છે. જોકે આ તો હજી શરૂઆત છે અને ઘણું કરવાનું બાકી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે જ્યાં સુધી આકરામાં આકરી અને ભય બેસાડી દે તેવી સજાની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી ઝડપભેર સુધારાની આશા રાખવાનું અસ્થાને છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application