જામનગર: બેડ ગામમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે લેતી એલસીબી
૧.૨૪ લાખનો મુદામાલ કબ્જે : જામવાડીમાં દારૂ સાથે એકની અટક
જામનગર તાલુકાના બેડ ગામમાં એક મકાનમાં એલસીબીની ટુકડીએ દરોડો પાડીને શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો જયારે આરોપી ફરાર થઇ ગયો હતો અને જામવાડીમાં દારૂ સાથે એકની અટક કરવામાં આવી હતી.
જામનગર એસપી ડો. રવિ મોહન સૈની દ્વારા જીલ્લામાં દારૂ-જુગારની બદી નેસ્ત નાબુદ કરવા કેસો શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સ્ટાફના મયુરસિંહ, રૂષીરાજસિંહ, યુવરાજસિંહને મળેલ સંયુકત બાતમી આધારે જામનગરના બેડ ગામે રહેતા હરપાલસિંહ સુરુભા સોઢાના કબ્જાના મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૨૩૮ બોટલ કિ. ૧.૨૪.૫૭૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
રેઇડ દરમ્યાન આરોપી હરપાલસિંહ સોઢા હાજર મળી આવ્યો ન હોય જેને પકડવા તપાસ ચલાવવામાં આવી રહી છે તેની સામે પ્રોહીબીશન ધારા હેઠળ તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત જામજોધપુરના જામવાડી જુનાવાસમાં રહેતા ગીરીશ સાજણ ચાવડા નામના શખ્સને અંગ્રેજી દાના ચપલા એક સીલબંધ તથા એક અર્ધ ભરેલ નંગ ૨ કિ. ૨૨૫ સાથે જામવાડીથી વસંતપુર રોડ પર નીકળતા સ્થાનીક પોલીસે દબોચી લીધો હતો.