રાજ્ય સરકાર દ્વારા માવઠા નુકશાની સર્વેમાં લાલપુર પંથક બાકાત

  • March 31, 2023 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં ત્રાટકેલા કમોસમી વરસાદને લઈને લાલપુર તાલુકાના અનેક ગામોમાં ઘઉં, જીરૂ, ચણા સહિતના પાકને નુકસાની થઈ છે. ખેતરો ખેદાન મેદાન થતા જગતના તાતની હાલત દયનિય બની છે છતાં પણ લાલપુર તાલુકાના ગામોનો માવઠાની નુકસાની સહાયમાં સમાવેશ ન થયાનો વિધાનસભા સત્રના અંતિમ દિવસે વિગતો બહાર આવી છે. ત્યારે આ પંથકના લડાયક ખેડૂત નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા મેદાને ઉતર્યા છે. તેમણે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રૂબરૂ રજુઆત કરી અને જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.


ધારાસભ્ય જણાવ્યું કે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો હતો. જેના પરિણામે માવઠાથી ખેત પેદાશોમાં ભારે નુકસાન થયું હોય તે બધા જાણે જ છે, તો સમગ્ર ગુજરાતમાં માવઠાના નુકશાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો પરંતુ લાલપુર તાલુકાને જ કેમ બાકાત રાખવામાં આવ્યો ? આ ગંભીર બાબતે ૮૦, જામજોધપુર, લાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રી હેમંતભાઇ ાએ વિધાનસભા ગૃહમાં ધારદાર રીતે પ્રશ્ન ઉઠાવ્યો હતો, ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરુ મળીને લાલપુર, જામજોધપુર પંચકમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગે માહિતી આપી હતી.


છેલ્લા કેટલાક સમયથી જગતના તાત એવા ધરતીપુત્રો પર અણધારી આફત આવી રહી છે, એક પછી એક માવઠાને કારણે મોઢામાં આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભેલો પાક પલળી ગયો છે અને વ્યાપક નુકશાન થયું છે. ખેડૂતોએ જીવની જેમ માવજત કરી તૈયાર કરેલ પાક માટે કમોસમી વરસાદ ઝેર જેવો સાબિત થતા ઘઉંના પાકમાં સૌથી વધુ નુકસાન તથા જીરું, ચણા સહિતના શિયાળુ પાકનો સોથ બોલી ગયો છે. વધુમાં નદીઓમાં પણ પુર હોવાનું પણ જગજાહેર છે.


સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકશાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ લાલપુર તાલુકામાં કેમ સરવેની કામગીરી હાથ ધરવામાં આવી નહીં? જામનગરમાં માવઠાને કારણે સૌથી વધુ નુકશાની લાલપુર તાલુકામાં થઇ છે. આથી આ તાલુકાના ગામોનો પણ  યોજના હેઠળ વહેલી તકે સમાવેશ કરવામાં આવે અને થયેલા નુકશાનીનો સર્વે હાથ ધરી તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. તેવી ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ અંતમાં માંગ ઉઠાવી છે. જો આ મામલે ઘટતું કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application