જામનગરના એક જાણીતા ચાર્ટડ એકાઉટન્ટ રૂ.૧૦૦ કરોડમાં ઉઠી જતાં ખળભળાટ..?
જામનગરના એક જાણીતા ચાર્ટડ એકાઉટન્ટ રૂ.૧૦૦ કરોડમાં ઉઠી જતાં ખળભળાટ..?
December 10, 2025 05:16 PM
આજકાલ
જામનગરના એક જાણીતા ચાર્ટડ એેકાઉટન્ટ રૂ.૧૦૦ કરોડમાં ઉઠી જતા શહેરભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સીએએ સોનાના સટ્ટામાં નાણાં ગુમાવ્યાની ચર્ચા શહેરમાં ચોમેર થઇ રહી છે. સીએએ સટ્ટામાં કરોડો ગુમાવતા અનેક લોકોના નાણાં ફસાયા છે. આટલું જ નહીં સીએએ નાણાં પરત આપવાને બદલે હાથ ઉંચા કરી દેતા સંબંધદાવે તથા અન્ય પ્રકારે નાણાં આપનાર લોકોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.
જયપુરની આયકર એપીલેટ ટ્રીબ્યુનલમાં લાંચ લઇ સરકાર વિરૂઘ્ધ અને અપીલ કરનાર તરફે ચૂકાદો આપવાના મહાભ્રષ્ટાચાર કૌંભાડમાં જામનગરના સીએ અને ટ્રીબ્યુનલના સભ્યની ધરપકડ કરી જેલહવાલે કરાયા છે. આ પ્રકરણે શહેરમાં ભારે ચકચાર જગાવી છે. ત્યારે શહેરમાં છેલ્લાં ઘણા વર્ષોથી પ્રેકટીસ કરતા અને પેઢી ચલાવતા જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ ર રૂ.૧૦૦ કરોડમાં ઉઠી ગયાની ચર્ચા શહેરભરમાં ચોમેર જોરશોરથી થઇ રહી છે. આ ચાર્ટડ એકાઉન્ટન્ટે માતબર રકમ સોનાના સટ્ટામાં ગુમાવી હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. સીએ સોનાના સટ્ટામાં હારી જતા નાણાં ગુમાવતા વેપારી સહીત અનેક લોકો પાસેથી નાની-મોટી રકમ ઉછીની લીધી હતી. પરંતુ સટ્ટામાં મોટી રકમ ગુમાવતા નાણાં ચૂકવવામાં ઠાગાઠૈયા શરૂ થયા હતાં.
આટલું જ નહીં સીએ નાણાં આપનાર લોકોના ફોન ઉપાડતા ન હોવાનું તથા સોશીયલ મીડીયા પણ બંધ કરી દીધાનું ચર્ચાઇ રહ્યું છે. સટ્ટામાં મોટી રકમ ગુમાવતા અને નાણાં આપવામાં ડાંડાઇ કરતા સંબંધદાવે તથા અન્ય પ્રકારે નાણાં આપનાર લોકોમાં નાણાં પરત મેળવવા દોડધામ મચી ગઇ હતી. નાણાં આપનાર લોકોની ભીંસ વધતા તાજેતરમાં એક સપ્તાહ સીએ જામનગર મૂકી ચાલ્યા ગયાની પણ સરેઆમ ચર્ચાઇ રહ્યું છે. જો કે, હાલ સીએએ નાણાં પરત ચૂકવવાને બદલે હાથ ઉંચા કરી દેતા સંબંધદાવે તથા અન્ય પ્રકારે નાણાં આપનાર લોકોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.