જાણી લો રામમંદિરની આરતી કરવી હોય તો કઇ રીતે કરશો બુકિંગ?

  • December 29, 2023 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે જાજરમાન આયોજન થઇ રહ્યું છે. આ માટે દિવસ રાત તૈયારીઓનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. અનેક વીઆઇપી મહેમાનોને આ અવસરના સાક્ષી બનવા માટે નિમંત્રણ પણ પાઠવી દેવામાં આવ્યા છે. આ તકે અયોધ્યાનગરી રામમય બની જવાની છે. આગામી સમયમાં ભગવાન શ્રીરામના દર્શનાર્થે અહીં અનેકો ભકતો ઉમટી પડવાના છે. ત્યારે રામમંદિરની દિવસ દરમિયાનની આરતી અને તેના માટે બુકિંગની વ્યવસ્થા અંગેની માહિતી આપને આપીશું.

મળતી માહિતી અનુસાર દિવસ દરમિયાન ત્રણ વખત આરતી થશે. રામ મંદિરમાં સવારે શ્રૃંગાર આરતી, બપોરે ભોગ આરતી અને સાંજે સંધ્યા આરતી કરવામાં આવશે. હાલ તો આરતી દરમિયાન મર્યાદિત માત્રામાં જ ભકતોને પ્રવેશ આપવામાં આવશે. પ્રત્યેક આરતીમાં એક સાથે 30 લોકોને ઉપસ્થિત રહેવા મળશે. આ માટે ભકતોએ પાસ પણ લેવાના રહેશે. એટલે કે પાસ કઢાવ્યા વગર ભકતોને આરતી માટે પ્રવેશ આપવામાં આવશે નહી. જો કે ભવિષ્યમાં પાસની સંખ્યામાં વધારો થઈ શકે છે.


ભવ્ય રામ મંદિરમાં દરરોજ ત્રણ વખત આરતી કરવામાં આવશે. આ માટેનું બુકિંગ 28મી ડિસેમ્બરથી શરૂ થઈ ગયું છે. સવારે 6.30 કલાકે, બપોરે 12 કલાકે અને સાંજે 7.30 કલાકે આરતી થશે. દરેક આરતીમાં વધુમાં વધુ 30 ભક્તો ભાગ લઈ શકશે. આપને જણાવી દઇએ કે શ્રીરામ જન્મભૂમિ મંદિરના પોર્ટલ પરથી આરતી માટે ઓનલાઈન પાસ કઢાવી શકાશે. ઓનલાઈન અરજી કર્યા બાદ પાસની હાર્ડ કોપી અયોધ્યા મંદિરના કાઉન્ટર પરથી લેવાની રહેશે.



સેક્શન મેનેજર ધ્રુવેશ મિશ્રાએ જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર હાલમાં આરતી માટે મર્યાદિત પાસ આપવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં આ સંખ્યા વધી શકે છે. આરતી માટેના પાસ મેળવવા માટે ભક્તો પાસે આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ સહિતના કોઇ પણ ઓળખકાર્ડ હોવા જરૂરી છે.  


આપને જણાવી દઇએ કે, આરતીના પાસ મેળવવા માટેની ઓનલાઈન સિસ્ટમ થોડા દિવસો પહેલા શરૂ કરવામાં આવી છે. રામ જન્મભૂમિની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન પાસ બુકીંગ કરાવી શકાય છે અને ઓફલાઇન બુકીંગ પણ થઇ શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application