ઘર છોડીને નાસી ગયેલા તરૂણને લીંબડી ખાતેથી શોધી કાઢતી ખંભાળિયા પોલીસ

  • April 28, 2023 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના પીરલાખાસર ગામે રહેતો તરૂણ લાપતા બનતા તેના પિતા દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં પોતાના તરુણ પુત્રના અપહરણની નોંધાવવામાં આવેલી ફરિયાદના અનુસંધાને ખંભાળિયા પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ આરંભી, આશરે ૧૬ વર્ષના આ તરુણને રાજકોટ નજીકના લીંબડી ખાતેથી શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.


વિગત મુજબ ખંભાળિયાથી આશરે ૧૮ કિલોમીટર દૂર પીરલાખાસર ગામની ધોરીવાવ સીમા રહેતા મામદભાઈ રાણાભાઈ ભટ્ટીનો આશરે ૧૫ વર્ષ ૧૦ માસની વયનો તરુણ પુત્ર ગત તારીખ ૨મીના રોજ બપોરથી લાપતા બનતા તેમણે ખંભાળિયા પોલીસને આ બાબતે જાણ કરી હતી.


આ સંદર્ભે અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તથા તેમની ટીમ દ્વારા ખંભાળિયા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. એનએચ. જોશી તથા સ્ટાફને સાથે રાખીને ઉપરોક્ત તરુણની શોધખોળ બાબતે વિવિધ દિશાઓમાં તપાસ આરંભી હતી.


જે સંદર્ભ અલગ અલગ ટીમ તથા વર્કઆઉટ બાદ જુદા જુદા વોટ્સએપ ગ્રુપ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવેલી તપાસમાં સાથે જોડાયેલા પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા, એ.બી. જાડેજા, વી.બી. પીઠીયા તથા સર્વેલન્સ સ્ટાફની તપાસમાં નેત્રમ કેમેરા સિસ્ટમની પણ મદદ લેવામાં આવી હતી. દરમિયાન એક ટ્રાવેલ્સ બસના જામનગરથી અમદાવાદ જતા ડ્રાયવરને આ બાબતે જાણ થતા તેમણે ખંભાળિયા પોલીસનો સંપર્ક કર્યો હતો.આથી ઇન્ચાર્જ નિકુંજ જોશીના માર્ગદર્શન હેઠળ પોલીસે લાપતા બનેલા ઉપરોક્ત તરુણને રાજકોટ નજીકના લીંબડી ખાતેથી અત્રે પરત લાવવામાં સફળતા મેળવી હતી.


આ અંગે પોલીસ દ્વારા જાણવા મળતી વિગત મુજબ આ તરુણને પરિવાર સાથે કોઈ બાબતે મન દુ:ખ થઈ જતા તે મોટરસાયકલ લઈને જામનગર અને ત્યાંથી લીંબડી તરફ ચાલ્યો ગયો હતો. જેને પોલીસે અત્રે પરત લાવી પરિવારજનોને સોંપતા પરિવારજનોએ રાહતનો દમ ખેંચ્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application