કેજરીવાલનો આરોપ, “ભાજપે આપના 7 ધારાસભ્યોને પક્ષ બદલવા કરી 25 કરોડની ઓફર”  

  • January 27, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


“ભાજપનું ઓપરેશન લોટસ ૩.૦ શરૂ થયું, નેતાઓએને ચૂંટણી ટિકિટ ઓફર કરી, મારી ધરપકડ કરાવી આપ સરકારને તોડી પાડવાનું ષડયંત્ર” : દિલ્હી સીએમ




દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે ભાજપ આમ આદમી પાર્ટીના ૭ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. આપ ધારાસભ્યોને પાર્ટી છોડવા માટે ૨૫ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમના ધારાસભ્યોને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. દિલ્હી સરકારમાં નાણામંત્રી આતિશીએ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર ઘણા આરોપો લગાવ્યા છે.


દિલ્હી સીએમના જણાવ્યા અનુસાર, “છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ભાજપે દિલ્હીના આમ આદમી પાર્ટીના ૭ ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો અને તેમને કહ્યું કે, તેઓ થોડા દિવસો પછી કેજરીવાલની ધરપકડ કરશે. તે પછી અમે તમારા ધારાસભ્યોને તોડી નાખીશું. આમ આદમી પાર્ટીના ૨૧ ધારાસભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે અને હજુ બીજા સાથે પણ વાત ચાલુ છે. ત્યારપછી અમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને પાડી દઈશું. તમે અમારી સાથે આવી શકો છો. ૨૫ કરોડ રૂપિયા સાથે ભાજપની ટિકિટ પર ચૂંટણી માટે ટીકીટ આપવાનો વાયદો કરાયો છે. જો કે, દાવો કરાયો છે કે તેણે ૨૧ ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે, પરંતુ અમારી માહિતી મુજબ, તેણે અત્યાર સુધીમાં ફક્ત ૭ ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને તે બધાએ ઇનકાર કર્યો છે.”


સીએમ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, “આનો અર્થ એ થયો કે મારી ધરપકડ કોઈ દારૂ કૌભાંડની તપાસ માટે નથી થઈ રહી પરંતુ તેઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહ્યા છે. છેલ્લા નવ વર્ષમાં તેઓએ અમારી સરકારને તોડી પાડવા માટે અનેક ષડયંત્ર રચ્યા. અત્યાર સુધી તેને કોઈ પણ બાબતમાં સફળતા મળી નથી. ભગવાન અને લોકોએ હંમેશા અમને ટેકો આપ્યો. અમારા તમામ ધારાસભ્યો મજબૂત રીતે સાથે છે. આ વખતે પણ આ લોકો તેમના નાપાક ઈરાદામાં નિષ્ફળ જશે.”


દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ભાજપ અને લોકો જાણે જ છે કે અમારી સરકારે દિલ્હીના લોકો માટે કેટલું કામ કર્યું છે. તેમના દ્વારા બનાવવામાં આવેલ તમામ અવરોધો છતાં, અમે ઘણું બધું સિદ્ધ કર્યું છે. દિલ્હીના લોકો અમને ખૂબ પ્રેમ કરે છે, તેથી ચૂંટણીમાં અમને હરાવી શકવામાં તેઓ સક્ષમ નથી. આ જ કારણ છે કે તેઓ નકલી દારૂના કૌભાંડના બહાને મારી ધરપકડ કરીને સરકારને તોડવા માંગે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application