જામ્યુકોના એસએસઆઇ અને મુકાદમ ૨૨૫૦૦ની લાંચ લેતા ઝડપાયા

  • December 11, 2024 12:24 PM 

જામ્યુકોના એસએસઆઇ અને મુકાદમ ૨૨૫૦૦ની લાંચ લેતા ઝડપાયા

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૯ ની ઓફિસના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને અવેજી સફાઈ કામદાર (મુકાદમ)ને જામનગર એસીબીની ટુકડીએ છટકુ ગોઠવીને ૨૨,૫૦૦ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતા. એક મહિલા કર્મચારીને નોકરીમાં સરળતા કરી આપવા તથા હાજરી પૂરવા માટે લાંચની માંગણી કરતાં જામનગરની એ.સી.બી.ની ટીમે સફળ ટ્રેપ ગોઠવી બન્નેને રંગે હાથ ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૯ની ઓફિસમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રકાશચંદ્ર મોતીલાલ મકવાણાએ એક મહિલા કર્મચારીની હાજરી પૂરવા અને જરૂરી સગવડતા પુરી પાડવા માટે પોતાના અવેજી કામદાર વતી તેમના પૌત્ર પાસે  ૨૨,૫૦૦ની લાંચની માંગણી કરી હતી. 

જે લાંચની રકમ આપવી ન હોવાથી મહિલા કર્મચારીના પૌત્રએ જામનગર એસીબીનો સંપર્ક સાધ્યો હતો, અને મંગળવારે મોડી સાંજે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, જે દરમિયાન સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પ્રકાશ મકવાણા અને અવેજી સફાઈ કર્મચારી રવજી મગનભાઈ પરમાર ૨૨,૫૦૦ની લાંચની રકમ સ્વીકારતાં જામનગર એસીબી ની ટીમના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. 

છટકા દરમ્યાન હાજરી પુરનાર મુકાદમ રવજીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હાથમાં લીધી હતી અને ગણતરી કરતી વખતે તેને શંકા જતા ફરીયાદીને આ લાંચની રકમ પરત આપી દીધેલ અને ઓફીસે જઇ પોતાના સાહેબ એટલે કે આક્ષેપી પ્રકાશને મળી તેઓ સાથે હેતુલક્ષી વાતચીત કરી પ્રકાશે પોતાના મોબાઇલમાંથી રવજી સાથે વાતચીત કર્યા બાદ ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.
​​​​​​​

જે બન્નેની અટકાયત કરી લઈ એસીબી શાખાની કચેરીએ લઈ જવામાં આવ્યા છે, અને તેઓની સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ એસીબીની ટ્રેપને લઈને જામનગર મહાનગરપાલિકાના વર્તુળમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ કાર્યવાહી રાજકોટ એસીબી એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહીલના સુપરવિઝન હેઠળ જામનગર એસીબીના પીઆઇ આર.એન. વીરાણી અને એસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application