ગ્રામ્ય વિસ્તારમાં આજથી 95 ટીમ દ્વારા જંત્રી રિવિઝન સર્વેની કામગીરી શરૂ

  • May 15, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લાના 592 ગામડા માટે 300 કર્મચારીઓને કામે લગાડ્યા:મહાનગરપાલિકા અને શહેરી વિસ્તારમાં આગામી દિવસોમાં કામગીરી શરૂ થશે


ગત તારીખ 15 એપ્રિલથી નવા જંત્રી દર મુજબ આકારણી શરૂ થઈ ગઈ છે. પરંતુ વાસ્તવમાં જંત્રી દરમાં ક્યાં કેટલો વધારો થાય છે તેનો સર્વે કરવાનું સરકારે વચન આપ્યું હતું. આ મુજબ આજથી રાજકોટ સહિત રાજ્યભરમાં ગ્રામ્ય વિસ્તારમાં જંત્રી રિવિઝન માટેનો સર્વે શરૂ થઈ ગયો છે. રાજકોટ જિલ્લાના 592 ગામડાઓમાં 300 કર્મચારીઓની બનેલી 95 ટીમ કામે લાગી ગઈ છે.



મહાનગરપાલિકા અને શહેરી વિસ્તારોમાં આગામી દિવસોમાં આ પ્રકારે સર્વે કરવામાં આવશે.પરંતુ પ્રથમ તબક્કામાં ગ્રામ્ય વિસ્તારને આવરી લેવામાં આવશે.



રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં આજથી શરૂ થયેલી જંત્રી રિવિઝનના સર્વે માટેની કામગીરી બાબતે માહિતી આપતા અધિક કલેક્ટર એસ.જે.ખાચરે જણાવ્યું હતું કે મામલતદારો દ્વારા ગામ અને તાલુકા વાઇઝ કલસ્ટર બનાવવામાં આવ્યા છે. આ ક્લસ્ટરમાં નેશનલ હાઇવે પરના ગામો, સ્ટેટ હાઇવે પરના ગામો, નદી કિનારાના ગામો, તાલુકા હેડ ક્વાર્ટર પાસેના ગામો, પહાડી વિસ્તારના ગામો, ઉદ્યોગો અને કોલેજ ધરાવતા ગામો એમ અલગ અલગ પ્રકારે ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે.





જિલ્લા જંત્રી રિવિઝન સર્વેની આ કામગીરીમાં કોઈ પ્રકારની ક્ષતિ ન રહી જાય અને વાસ્તવલક્ષી સર્વે થાય તે માટે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સ્ટેમ્પ ડ્યુટી વિભાગના ઇન્ચાર્જ નાયબ કલેક્ટર વિવેક ટાંક દ્વારા ગત તારીખ 11 ના રોજ સબ ડિવિઝન વાઇઝ તાલીમ આપવામાં આવી હતી. તેમાં કોટડા સાંગાણી રાજકોટ પડધરી અને લોધિકા તાલુકાના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેતપુર પ્રાંત કચેરી ખાતે જેતપુરના અને ગોંડલ પ્રાંત કચેરી ખાતે ગોંડલ જસદણ અને વિંછીયાના, ધોરાજીમાં ધોરાજી અને જામકંડોરણા, ઉપલેટા તાલુકાના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.




આ તાલીમમાં જંત્રી રિવિઝન સર્વે બાબતે ગામમાં જતા પહેલા જંત્રી રિવિઝન સર્વેની બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. ત્યાર પછી સર્વે ફોર્મ અનુસાર ભાવ બાબતે પૂછપરછ દ્વારા પંચનામુ કરીને સચોટ ભાવ ભરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. જંત્રી રિવિઝન સર્વેની કાર્યવાહી આગામી તારીખ 30 મે સુધીમાં પૂરી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application