જામનગરના સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલનું બાઈક સળગાવી દેવાતાં ચકચાર

  • March 13, 2023 11:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના પોલીસબેડામાં ભારે ચકચાર જગાવે તેવી ઘટના સામે આવી છે, અને પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારી નું બાઇક સળગાવી દેવાયાની ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતા અન્ય એક પોલીસ કર્મચારી સાથે બે દિવસ પહેલાં બોલાચાલી થયા પછી તેનું વેર વાળવા માટે ભાડુતી માણસોને મોકલ્યા હોવાનું અનુમાન લગાવ્યું છે. પોલીસ સીસીટીવી કેમેરા ની મદદથી મોઢે બુકાની બાંધીને આવેલા અજાણ્યા તત્ત્વોની શોધખોળ શરૂ કરી છે.


જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન વિભાગમાં ફરજ બજાવતા રાહુલભાઈ મકવાણા નામના પોલીસ કોન્સ્ટેબલ કે જેઓ જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં જ રહે છે, તેમના મકાનની બહાર પાર્ક કરવામાં આવેલું તેમનું બાઈક ગઈ રાત્રે મોઢે કપડું બાંધીને આવેલા બે અજાણ્યા શખ્સો પેટ્રોલ રેડી સળગાવી ગયા હોવાનું સામે આવતાં ભારે દોડધામ થઈ હતી.





 ઉપરોક્ત પોલીસ કર્મચારી કે જેઓને આજથી બે દિવસ પહેલાં પાડોશ માંજ રહેતા પોલીસ કર્મચારી હરિશ્ચંદ્રસિંહ સાથે બોલાચાલી થઈ હતી. પોલીસ હેડ ક્વાર્ટર માં આવેલી એક કેન્ટીનમાં સામાનની ખરીદી વખતે થોડી બોલાચાલી થયા બાદ મામલો ઘરમાયો હતો, અને બંને પોલીસ કર્મચારીઓ પડોસમાંજ રહેતા હોવાથી હરિશ્ચંદ્રસિંહ જાડેજા દ્વારા ધમકી અપાઈ હતી, અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા હતા.


 ઉપરાંત તેઓના બાઈકમાં આગલી રાત્રી દરમિયાન  બ્લેડથી છરકા કર્યા હતા, જેનાથી સીટ ફાટી ગઈ હતી. પરંતુ તે દિવસે રાત્રે મામલો શાંત પડ્યો હતો, અને બીજે દિવસે ફરીથી વાહનમાં નુકસાની પહોંચાડવા અંગે રાહુલ મકવાણા દ્વારા પાડોશી પોલીસ કર્મચારીને કહેવા જતાં તેને ફરીથી ધમકી અપાઈ હતી, અને ગઈ રાત્રે તેમના બાઇકને અજાણ્યા  બે માણસો સળગાવી ને ભાગી છૂટયા હોવાનો મામલો સામે આવતાં આખરે તેમણે જામનગરના જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી હતી.


 જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે, અને બહારથી પોલીસ હેડ ક્વાર્ટરમાં ઘુસેલા  બુકાનીધારીઓને પકડવા માટે સીસીટીવી કેમેરાઓના માધ્યમથી તપાસનો દોર આગળ ધપાવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application