બાળસાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ જામનગરના શિક્ષક કિરીટ ગોસ્વામીની રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી

  • August 23, 2024 12:00 PM 

બાળસાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ જામનગરના શિક્ષક કિરીટ ગોસ્વામીની રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી

બાળ સાહિત્ય ક્ષેત્રે સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલ ૧૩ વિશિષ્ટ પ્રતિભાઓમાં કિરીટ ગોસ્વામીને સ્થાન મળ્યું

સાહિત્ય અકાદમી, દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, બાળસાહિત્ય અકાદમી, અતુલ્ય ભારત, અંજુ-નરશી સહિતના અનેક સન્માનોથી કિરીટ ગોસ્વામી સન્માનિત થઈ ચુક્યા છે


જામનગરના શિક્ષક અને ઉત્તમ બાળસાહિત્યના સર્જક કિરીટ ગોસ્વામીને વર્ષ ૨૦૨૨ માં 'ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવું!' પુસ્તક માટે સાહિત્ય અકાદમી, દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યો છે.ઉપરાંત, ગુજરાત સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, બાળસાહિત્ય અકાદમી, અતુલ્ય ભારત, અંજુ-નરશી વગેરે જેવા અનેક સન્માનોથી તેઓ સન્માનિત થયેલ છે.ત્યારે ફરી એક વખત આ સર્જક માટે રાષ્ટ્રીય પુરસ્કારની ઘોષણા થતા સમગ્ર જામનગરના ગૌરવમાં વધારો થયો છે.

તાજેતરમાં ' બાલવાટિકા' સામયિક ( રાજસ્થાન) દ્વારા રાષ્ટ્રીય કક્ષાના વિવિધ પુરસ્કાર જાહેર થયા.જે અંતર્ગત કિરીટ ગોસ્વામીને બાળસાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન બદલ 'ડૉ.અનંત ઓઝા સ્મૃતિ બાળસાહિત્ય પુરસ્કાર' એનાયત કરવાની જાહેરાત થઈ છે. ભારતભરનાં વિવિધ રાજ્યોમાંથી બાળસાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરતા હોય તેવા ૧૩ બાળસાહિત્યકારોની આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી.જેમાં ગુજરાતમાંથી કિરીટ ગોસ્વામીની પસંદગી થઇ છે.આ પુરસ્કાર આગામી ઑક્ટોબર માસમાં ભીલવાડા (રાજસ્થાન) ખાતે યોજાનાર રાષ્ટ્રીય બાળસાહિત્ય સંગોષ્ઠિ-૨૦૨૪ કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે

કિરીટ ગોસ્વામીની કલમે ગુજરાતી બાળસાહિત્યના એક નવા યુગનો પ્રારંભ થયો એમ કહીએ તો પણ ચાલે.આધુનિક બાળકોની પસંદ-નાપસંદ અને મનોજગતનું ચિત્રણ કરતી કિરીટ ગોસ્વામીની કલમે બાળભોગ્ય એવા પચીસથી વધારે પુસ્તકો આપ્યાં છે.માત્ર પુસ્તક લખીને જ સંતોષ ન માનનાર આ 'આધુનિક ગિજુભાઇ' ગુજરાત આખાની પ્રાથમિક શાળાઓમાં બાળગીત અને બાળવાર્તાઓનો ગુલાલ કરવા દરેક ગુજરાતી બાળક સુધી પહોચે છે અને બાળસાહિત્યનો આનંદ વહેંચવા હોંશભેર ફરતા રહે છે.

       
ઉલ્લેખનિય છે કે કિરીટ ગોસ્વામીએ ટૂંક સમયમાં જ સત્વશીલ એવા દશેક બાળગીત સંગ્રહો આપ્યાં છે. જેમાં 'ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવું!', 'હાથીભાઇની સ્કૂલ', 'ચાંદામામા ફોન કરે' વગેરેનો સમાવેશ થાય છે. તો 'મૂછ બડી કે પૂંછ?' ,'હાથીભાઇ તો હેન્ડસમ!', 'જિરાફભાઇની પેન્સિલ' જેવા આધુનિક બાળકોને તરત ગમી જાય એવી; પરંપરાને તોડયા વિના, નવી ફેન્ટેસીભરી બાળવાર્તાઓનાં આઠેક પુસ્તકો તેમણે આપ્યાં છે.આ ઉપરાંત, હિન્દી બાળગીતસંગ્રહ 'હાથીરાજા સ્કૂલ ચલે' પણ તેઓએ આપ્યો છે.

આ અંગે કિરીટભાઇ ગોસ્વામી જણાવે છે કે સતત બાળકમય રહીને રાજી રહેવુ એજ મારો જીવન ઉદેશ છે. મેં પોતાના ખર્ચે અનેક બાળકોને ભણાવ્યાં.મા-બાપે તરછોડેલાં બાળકોને મારા ઘરમાં સ્થાન આપ્યું અને આ બધાં અનુભવોમાંથી જ મને બાળ સહિત્યની પ્રેરણા મળી. પરિણામ સ્વરૂપ ‘ફૂલગુલાબી કિસ્સા' પુસ્તક સર્જાયુ.જેને કમિશનર ઑફ સ્કૂલ દ્વારા 'વાંચે ગુજરાત' નું સન્માન પ્રાપ્ત થયું.

 
હું વર્ષોથી બાળકોને ગીતો અને વાર્તાઓ કહેવાનો મહાવરો ધરાવું છુ.મેં રચેલી વાર્તાઓ કે ગીતો અને તેના પસંદ કરેલા વિષયો બાળકોને ગમે જ તેવી ઢબના જ હોય છે. એ માટે નવિનતા પર સતત હું ધ્યાન કેન્દ્રીત કરૂ છુ.મારી બાળકો પ્રત્યેની લાગણી અને બંન્નેના પરસ્પર પ્રેમમાંથી જ બાળસાહિત્ય જન્મે છે અને તેથી એ સંપૂર્ણપણે બાળભોગ્ય બને છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ મારી આ બાળ પ્રવૃતિની સકારાત્મક નોંધ લીધી છે. તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ પત્ર મારફત મારી આ કામગીરીને બિરદાવી તેનું મને સવિશેષ ગૌરવ છે.આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનાં પાઠ્યપુસ્તકોમાં મારા બાળગીતો સમાવિષ્ટ થયા છે.તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનાં ધોરણ નવનાં અપઠિત વિભાગમાં મારા કાવ્યોને સ્થાન મળ્યું છે.આ ઉપરાંત, પ્રથમ ઑપન સ્કૂલના રાષ્ટ્રીય સ્તરના અભ્યાસક્રમમાં પણ મારી રચનાઓ સ્થાન પામેલ છે.

ત્યારે બાળસાહિત્ય અને બાળકો માટે પોતાનું જીવન સમર્પિત કરનાર કિરીટ ગોસ્વામીને ફરી એક વખત રાષ્ટ્રીય પુરસ્કાર મળી રહ્યો છે એ ગુજરાતી બાળસાહિત્ય જગત માટે ખરેખર આનંદ અને ગૌરવની બાબત છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application