જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે પી.જી.વી.સી.એલ. ના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી

  • June 21, 2023 12:29 PM 

જામનગર જિલ્લામાં વીજતંત્રની વર્તમાન પરિસ્થિતિ અને ગ્રામજનોના પ્રશ્નોના ઉકેલ અર્થે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે દરેડ જી.આઈ.ડી.સી. ખાતે રિવ્યુ બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રીએ બિપરજોય વાવાઝોડા બાદની સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ અને ગ્રામજનોના પ્રશ્નો અંગે પૃચ્છા કરી હતી. મંત્રીએ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓને લોકપ્રશ્નોના નિવારણ અર્થે તાત્કાલિક પગલાં લેવા માટે કડક સૂચના આપી હતી. 


તેમજ મંત્રીએ, જે- તે વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોય, વીજ ફીડરો ચાલતા ન હોય, કનેક્શનમાં કાપ હોય, નવા વીજ ફીડરો મુકવામાં ન આવ્યા હોય- તે તમામ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે ઉદ્યોગકારોને વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા પી. જી. વી. સી. એલ. ના અધિકારીઓને જણાવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના સુચારુ આયોજનના પરિણામે જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને પગલે કોઈપણ મોટું નુકસાન થયું નથી. તે અંગે મંત્રીએ વીજતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. જે લોકો વીજતંત્રના નિયમોની વિરુદ્ધ જઈને ગેરકાયદે રીતે વીજ કનેક્શન મેળવે છે. તેમને ઝડપવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે ચેકીંગ રાઈડ પણ હાથ ધરવામાં આવશે. તેમજ દરેડ જી. આઈ. ડી. સી. અને આજુબાજુના ગામોમાં વારંવાર સર્જાતા વીજ પાવરના પ્રશ્નોના પગલે નવા ફીડરનું ઈન્સ્ટોલેશન કરવું, રેસિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વીજ પુરવઠો અલગ- અલગ રીતે પૂરો પડવો- આવા તમામ મુદ્દાઓ પર મંત્રીએ ગ્રામજનો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.  


મંત્રીનું હોદ્દેદારો દ્વારા શાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉક્ત બેઠકમાં જામનગર પી.જી.વી.સી.એલ. વિભાગમાંથી નાયબ ઈજનેર એમ. આર. કાલરીયા,  એચ. એચ. વરુ, કાર્યપાલક ઈજનેર  એમ. એમ. રાબડીયા, અધિક્ષક ઈજનેર એલ. કે. પરમાર, નાયબ પશુપાલન નિયામક  ડો. તેજસ શુક્લ તેમજ ચંગા, ચેલા, દરેડ અને આજુબાજુના ગામના હોદ્દેદારઓ ઉપસ્થિત રહ્યા હતા. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application