જો કરો વો ખુલ્લે આમ કરો: પ્ર.નગર પોલીસ મથકમાં જ લાંચ લેતાં જમાદાર ઝડપાયા

  • July 14, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાઈક ચોરીમાં સગીરનું નામ ખુલતા હેરાન ન કરવા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જ રોકડી કરી, એસીબી પીઆઈ ગોહિલ સહિતનાએ રંગેહાથ પકડયા




રાજકોટ શહેરમાં પ્ર.નગર પોલીસ મથક લાંચ લેવાના કિસ્સામાં વધુ એક વખત પોલીસ ચોપડે ચડયું છે. પ્રધ્યુમનનગરના જમાદાર કલ્પેશ વાલેરાભાઈ ચાવડાને રાજકોટ એસીબીએ પોલીસ મથકમાં જ આઠ હજારની લાંચ લેતાં રંગેહાથ પકડી પાડતા પોલીસમાં સોંપો પડી ગયો છે. જો કરો ખુલ્લે આમ કરોની માફક કોઈ ડર જ ન હોય તેમ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં લાંચ સ્વીકારી અને અગાઉથી જ છૂપી રીતે ગોઠવાયેલી એસીબીની ટીમ આવી ચડી અને ટ્રેપ સફળ બની હતી.





ટ્રેપની પ્રા વિગતો મુજબ પ્રધુમનનગર પોલીસે બાઈક સાથે એક આરોપીને પકડયો હતો. જે બાઈક ચોરીમાં સગીરનું નામ ખુલ્યું હતું. સગીર આરોપીને નહીં મારવા હેરાન નહીં કરવા કે આવા બહાના કે સવલત હેઠળ સગીરના પિતા પાસેથી જમાદાર અલ્પેશ ચાવડાએ ૧૦ હજારની લાંચ માગી હતી. વાટાઘાટ બાદ આઠ હજાર રૂપિયા રકમ ફીકસ થઈ હતી. સગીરના પિતાએ લાંચ ન આપવી હોવાથી એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) રાજકોટ કચેરીએ સંપર્ક સાધ્યો હતો અને લાંચ અંગે લેખિત ફરિયાદ આપી હતી.





લાંચ માગનાર જમાદાર સાથે ફરિયાદીએ વાતો કરી અને એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જમાદાર અલ્પેશ ચાવડા બિંદાસ્ત જ હતા અને તેણે પોલીસ મથકમાં જ નાણા આપવાની બન્ને વચ્ચે વાતચીત થઈ હતી. એસીબી દ્રારા ફરિયાદીને ૫૦૦ના દરની ૧૬ નોટ (૮૦૦૦) રૂપિયા આપવામાં આવ્યા હતા.





ટ્રેપ સફળ બનાવવા એસીબી પીઆઈ એ.આર.ગોહિલ તથા ટીમ પોલીસ મથક પ્રાંગણ નજીક જ છૂપી રીતે સામાન્ય અરજદારની કે મુલાકાતીની માફક ગોઠવાઈ ગઈ હતી. જમાદાર કલ્પેશ ચાવડાએ પોલીસ મથકના ગ્રાઉન્ડમાં આઠ હજારની રકમ સ્વીકારી હતી.
ફરિયાદી અને એસીબી ટીમ વચ્ચે નક્કી થયા મુજબ જેવી લાંચની રકમ જમાદારે સ્વીકારી કે તુરતં જ ફરિયાદીએ સાંકેતિક ઈસારો કર્યેા હતોને પીઆઈ ગોહિલ સહિતના પહોંચી ગયા હતા. હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ચાવડાને લાંચ લેતાં પકડી પાડયા હતા. પોલીસ મથકમાં જ લાંચની ટ્રેપ સફળ થતા શહેર પોલીસ બેડામાં પણ વાત વાયુવેગે ફેલાઈ અને ફફડાટ વ્યાપી ગયો હતો.




થોડો સમય અગાઉ માલવિયાનગર પોલીસ મથક અંદર જ મહિલા એએસઆઈ ગીતાબેન પંડયા લાંચ લેતાં પકડાયા હતા. રાજકોટ શહેર પોલીસ નાણા લેવામાં ફોરા પોલીસ કર્મીઓ બેહીચકપણે વહીવટ કરી લેતા હોય છે જેનો આ વધુ એક ચોપડે ચડેલો કિસ્સો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application