આજે વિશ્ર્વ પૃથ્વી દિવસ: પર્યાવરણ અને પ્રકૃતિ અંગે જાગૃતતા કેળવવી જરૂરી
આપણે રહીએ છીએ તે પૃથ્વીને આપણી આવનારી પેઢીને કેવી સોંપીને જશું ?
વિશ્ર્વ પૃથ્વી દિવસ દર વર્ષે ૨૨ એપ્રિલે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવાનો છે અને પ્રદૂષણનું ઝેર સતત ઓગળી રહ્યું છે તે વાતાવરણ તરફ લોકોનું ધ્યાન દોરવાનો છે. વિશ્વ પૃથ્વી દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પૃથ્વી પર સતત વધી રહેલા પ્રદૂષણ વિશે જાગૃત કરવાનો છે.
સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાતા જળ અને વાયુ પ્રદૂષણને જોતા કુદરતી સંસાધનોનું રક્ષણ કરવું એ દરેક માનવીની નૈતિક ફરજ બની ગઈ છે. ચાલો જાણીએ, વિશ્વ પૃથ્વી દિવસના અવસર પર, તેના મહત્વ, ઇતિહાસ, ઉદ્દેશ્ય અને પૃથ્વી પર વધતા પર્યાવરણ અંગેના કેટલાક મહત્વપૂર્ણ તથ્યો વિશે......
વિશ્વ પૃથ્વી દિવસનો ઇતિહાસ :
પૃથ્વી પર વિવિધ સ્ત્રોતોથી ફેલાતા પ્રદૂષણની પૃથ્વી પર ખરાબ અસર પડી રહી છે. આને ધ્યાનમાં રાખીને વર્ષ ૧૯૬૯માં સાન ફ્રાન્સિસ્કોમાં આયોજિત યુનેસ્કો પરિષદમાં દર વર્ષે ૨૨ એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે ૨૨ એપ્રિલ ૧૯૭૦ ના રોજ પ્રથમ વખત વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, અને અમેરિકાના વિસ્કોન્સિનના સીનેટ ગેલાર્ડ નેલ્સને પ્રદૂષણ, જૈવ વિવિધતા ક્ષતિ અને અન્ય સમસ્યાઓ અંગે વધતી ચિંતાઓને જોતા પૃથ્વી દિવસની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્ર્વ પૃથ્વી દિવસ પર વધુને વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની સ્વચ્છતા અને સુંદરતામાં વધારો કરવો જોઇએ.
વિશ્વ પૃથ્વી દિવસ શા માટે ઉજવવામાં આવે છે :
વિશ્વ પૃથ્વી દિવસ પર્યાવરણની સતત બગડતી પ્રકૃતિ વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને આપણી પૃથ્વી અને તેના ઇકોસિસ્ટમના રક્ષણના મહત્વની યાદ અપાવે છે. પ્રથમ પૃથ્વી દિવસ ૨૨ એપ્રિલ, ૧૯૭૦ ના રોજ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારથી તે પૃથ્વી પરના દરેક માનવી માટે વૈશ્વિક ઘટના બની ગઈ છે, જેમાં કરોડો લોકો વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, શૈક્ષણિક પહેલ જેવી ગતિવિધિઓમાં સામેલ થઇને અન્ય લોકોને પ્રેરણા આપે છે અને તે પૃથ્વીની સલામતી અને સંરક્ષણ માટે અત્યંત જરૂરી છે.